SURAT

સસરાની અંતિમ વિધિમાં હાજર નહીં રહેવું એ બાબત ક્રૂરતા: સુરતનાં યુવકની છૂટાછેડાની અરજી મંજૂર

સુરત: સસરાની અંતિમ વિધિમાં (Funeral) હાજર ન રહેવું એ બાબત પણ ક્રૂરતા ગણાય એવું કોર્ટે નોંધી યુવકની છૂટાછેડાની (Divorce) અરજી મંજૂર કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે લગ્ન હક્કો (Marriage rights) ન ભોગવવા દેવા એ પણ પતિ ઉપર ક્રૂરતા (Cruelty) સમાન છે. કેસની વિગત એવી છે કે, ડિંડોલી વિસ્તારમાં રહેતા હિતેશ (નામ બદલ્યું છે)નાં લગ્ન 2011માં હિરલ સુરતી(નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદથી હિરલ નાની-નાની બાબતે ઝઘડો કરતી હતી. હિતેશને એવું કે સમય જતાં હિરલ સુધરી જશે. પરંતુ તેના વર્તનમાં કોઈ ફેર પડ્યો ન હતો. ત્યાર બાદ દિન-પ્રતિદિન તેનો ત્રાસ વધવા લાગ્યો હતો. ઘરમાં રસોઈ પણ બનાવતી ન હતી. પતિ સાથે હરવા-ફરવા પણ જતી ન હતી. તે હિતેશને કહેતી હતી કે, મારે તારી સાથે લગ્ન કરવા ન હતાં.

  • લગ્ન હક્કો ન ભોગવવા દેવા એ પણ પતિ ઉપર ક્રૂરતા સમાન: કોર્ટ
  • લગ્નના થોડા સમય બાદથી પત્ની નાની-નાની બાબતે ઝઘડો કરતી હતી
  • પત્નીએ પતિને કહ્યું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા ન હતાં

હિરલે એક વખત હિતેશને જોરથી ધક્કો મારતાં તે નીચે પડ્યો હતો અને હિતેશને હાથમાં ફેક્ચર થયું હતું. હિરલ પિયરે જતી રહી ત્યાર બાદ હિતેશના પિતાનું અવસાન થયું હતું. હિરલને આ બાબતે જાણ કરી હતી. છતાં તે સસરાની કોઈપણ વિધિમાં હાજર રહી ન હતી. આથી હિતેશે એડ્વોકેટ પ્રીતિ જોષી અને તૃપ્તિ ઠક્કર મારફતે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, સસરાની અંતિમવિધિમાં હાજર ન રહેવું એ બાબત પણ ક્રૂરતા ગણાય, ઉપરાંત લગ્ન હક્કો ન ભોગવવા દેવા એ પણ પતિ ઉપર ક્રૂરતાસમાન છે. કોર્ટે ફરિયાદીના એડ્વોકેટની દલીલો ગ્રાહ્ય રાખી છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી.

Most Popular

To Top