ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતના અલગ-અલગ પ્રદેશો અને લોકપરંપરાઓએ તેમને પોતાના ભાવ, ભાષા અને સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ સ્વરૂપમાં સ્વીકાર્યા છે. ક્યાંક તેઓ નટખટ માખણચોર કાન્હા છે, તો ક્યાંક ગોપાલ, બાંકે બિહારી, શ્રીનાથજી, દ્વારકાધીશ, જગન્નાથ, પાર્થસારથી, ગુરુવાયુરપ્પન અને વિઠ્ઠોબા તરીકે પૂજાય છે. નામ અને સ્વરૂપ બદલાય છે, પરંતુ ભક્તિનું કેન્દ્ર હંમેશાં શ્રીકૃષ્ણ જ રહે છે. આ જ ભારતની કૃષ્ણભક્તિની સૌથી મોટી વિશેષતા છે.
બ્રજમાં કાન્હાનું બાળ અને ગોપાલ સ્વરૂપ
શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોની યાત્રા સ્વાભાવિક રીતે બ્રજભૂમિથી શરૂ થાય છે. મથુરા, ગોકુલ અને વૃંદાવન સાથે જોડાયેલી તેમની બાળલીલાઓએ ભારતીય લોકમાનસમાં કાન્હાની એવી છબી ઊભી કરી, જેમાં તેઓ રાજા કરતાં વધુ એક નટખટ બાળક અને ગોપાલ તરીકે જોવા મળે છે. જન્મ પછી જ જેલના દ્વાર ખૂલવા, પૂતનાનો વધ, કાળિય નાગ પર વિજય, ગોવર્ધન પર્વત ઉઠાવવો અને અંતે કંસનો વધ જેવી અનેક કથાઓ કૃષ્ણના ચમત્કારી જીવન સાથે જોડાયેલી છે. આ સમગ્ર લીલા-
પરંપરાનું સૌથી મોટું કેન્દ્ર બ્રજ રહ્યું છે.
વૃંદાવનમાં શ્રીકૃષ્ણનું સૌથી લોકપ્રિય સ્વરૂપ બાંકે બિહારીનું છે. અહીં કાન્હા કોઈ વિશાળ સામ્રાજ્યના રાજા નહીં, પરંતુ રાધાના પ્રિયતમ અને બ્રજવાસીઓના પોતાના કાન્હા તરીકે જોવા મળે છે. તેમની વાંસળી, ત્રિભંગી મુદ્રા અને રાધા સાથેની પ્રેમભક્તિ બ્રજની વિશિષ્ટ કૃષ્ણ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. બાંકે બિહારી મંદિરમાં ભગવાન અને ભક્ત વચ્ચેનું અંતર જાણે સમાપ્ત થઈ જાય છે.
રાજસ્થાનમાં શ્રીનાથજી બન્યા ગોવર્ધનધારી
બ્રજની આ પરંપરા રાજસ્થાનના નાથદ્વારા પહોંચતા શ્રીનાથજીના સ્વરૂપમાં જોવા મળે છે. અહીં કૃષ્ણને ગોવર્ધન પર્વત ધારણ કરનાર ભગવાન તરીકે પૂજવામાં આવે છે. નાથદ્વારાના મંદિરના ઇતિહાસ અનુસાર 17મી સદીમાં શ્રીનાથજીની મૂર્તિને ગોવર્ધનથી સુરક્ષિત સ્થળે લાવવામાં આવી અને બાદમાં મેવાડમાં સ્થાપિત કરવામાં આવી. ત્યારથી તેઓ શ્રીનાથજી તરીકે પ્રસિદ્ધ થયા.શ્રીનાથજીની પુષ્ટિમાર્ગી સેવા પરંપરામાં ભગવાનને માત્ર પૂજવામાં આવતા નથી, પરંતુ તેમને ઘરના બાળકની જેમ માનવામાં આવે છે. તેમને જગાડવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે, શણગાર કરવામાં આવે છે, ભોજન ધરાવવામાં આવે છે અને રાત્રે શયન કરાવવામાં આવે છે. આ પરંપરામાં દિવસ દરમિયાન ભગવાનના વસ્ત્રો, ભોજન અને સેવા પણ બદલાય છે. આજે ઘરોમાં લોકપ્રિય થયેલી લાડુ ગોપાલની બાળસ્વરૂપ પૂજામાં પણ આ ભાવના જોવા મળે છે.
દ્વારકામાં કાન્હા બન્યા દ્વારકાધીશ
પશ્ચિમ ભારત તરફ આગળ વધીએ તો શ્રીકૃષ્ણનું બીજું મહત્વપૂર્ણ સ્વરૂપ સામે આવે છે,દ્વારકાધીશ. કથાઓ અનુસાર જરાસંધના સતત હુમલાઓથી યાદવ સમાજને બચાવવા શ્રીકૃષ્ણે સમુદ્રકાંઠે દ્વારકા નગરી વસાવી. અહીં બ્રજના માખણચોર અને ગોપાલ કાન્હા એક રાજા અને નગરના સ્વામી તરીકે સ્થાપિત થાય છે. આ રીતે તેમની જીવનયાત્રા બાળલીલા અને રાસથી લઈને રાજધર્મ અને લોકરક્ષણ સુધી વિસ્તરે છે.
પુરીમાં જગન્નાથ બન્યા જગતના સ્વામી
ઓડિશાના પુરીમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ વધુ વ્યાપક બની જાય છે. અહીં તેઓ જગન્નાથ, એટલે કે સમગ્ર જગતના સ્વામી તરીકે પૂજાય છે. લોકમાન્યતાઓ શ્રીકૃષ્ણના અંતિમ જીવન અને પુરીના દારુ-વિગ્રહ સાથે જોડાયેલી છે. જગન્નાથનું સ્વરૂપ કોઈ એક પ્રદેશ પૂરતું સીમિત નથી રહેતું; અહીં ભગવાન સમગ્ર વિશ્વના બની જાય છે.
દક્ષિણ ભારતમાં કૃષ્ણભક્તિના અલગ રંગ
દક્ષિણ ભારતમાં પણ શ્રીકૃષ્ણની ભક્તિ ખૂબ ઊંડી છે. છઠ્ઠીથી નવમી સદી વચ્ચેના આળવાર સંતોએ વિષ્ણુ અને કૃષ્ણને તમિલ ભક્તિકાવ્યની પરંપરામાં વિશેષ સ્થાન આપ્યું. પેરિયાળવારે કૃષ્ણને માતૃત્વ અને વાત્સલ્યના ભાવથી જોયા, જ્યારે આંડાળની રચનાઓમાં ભગવાન પ્રત્યે પ્રેમ અને સમર્પણનો ભાવ જોવા મળે છે.ચેન્નાઈના તિરુવલ્લિકેણીના પાર્થસારથી મંદિરમાં કૃષ્ણ વાંસળી વગાડતા ગોપાલ નહીં, પરંતુ મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ તરીકે પૂજાય છે. આ સ્વરૂપમાં તેઓ માર્ગદર્શક, જ્ઞાનદાતા અને ભગવદ્ ગીતા ઉપદેશ આપનાર ગુરુ તરીકે સામે આવે છે. કેરળ પહોંચતા તેઓ ગુરુવાયુરપ્પન તરીકે પ્રસિદ્ધ થાય છે, જ્યાં બાળ કૃષ્ણ પ્રત્યેનો વાત્સલ્યભાવ પણ વિશેષ છે.
મહારાષ્ટ્રમાં ભક્તના પ્રેમમાં બંધાયા વિઠ્ઠોબા
મહારાષ્ટ્રના પંઢરપુરમાં કૃષ્ણનું સ્વરૂપ અનોખું છે. વારકરી પરંપરાની માન્યતા અનુસાર ભગવાન પોતાના ભક્ત પુંડલિકને મળવા તેમના ઘરે પહોંચ્યા, પરંતુ પુંડલિક પોતાના માતા-પિતાની સેવામાં વ્યસ્ત હતા. તેમણે ભગવાનને રાહ જોવા માટે એક ઈંટ આપી. માન્યતા છે કે શ્રીકૃષ્ણ એ ઈંટ પર કમર પર હાથ રાખીને ઊભા રહ્યા અને અહીં વિઠ્ઠોબા તરીકે પૂજાવા લાગ્યા. આગળ જતાં સંત જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ જેવા સંતોએ આ ભક્તિ પરંપરાને જનજન સુધી પહોંચાડી.
નામ અને સ્વરૂપ અનેક, પરંતુ કૃષ્ણ એક
શ્રીકૃષ્ણના આ તમામ પ્રાદેશિક સ્વરૂપોને જોતા એક વાત સ્પષ્ટ થાય છે,આ માત્ર મૂર્તિ કે નામનો ફેરફાર નથી, પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધના અલગ-અલગ ભાવોનું પ્રતિબિંબ છે. ક્યાંક કૃષ્ણ બાળક છે, ક્યાંક પ્રેમી, ક્યાંક ગોવર્ધનધારી, ક્યાંક રાજા, ક્યાંક જગતના સ્વામી, તો ક્યાંક ભક્તના કહેવા પર ઈંટ પર ઊભા રહેતા વિઠ્ઠોબા. ભાષા, વસ્ત્ર, પૂજાપદ્ધતિ અને નામ બદલાય છે, પરંતુ ભક્તિના કેન્દ્રમાં કાન્હા અડગ રહે છે.ભગવદ્ ગીતાના વિશ્વરૂપની કલ્પના સાથે આ સમગ્ર સાંસ્કૃતિક યાત્રાને જોવામાં આવે તો કૃષ્ણ માત્ર કોઈ એક પ્રદેશ કે સમાજના ભગવાન નથી રહેતા.લોકજીવનથી લઈને આધ્યાત્મિકતા સુધી દરેક સ્તરે અલગ-અલગ રૂપે પ્રગટ થાય છે. તેથી જ ભારતની કૃષ્ણભક્તિનો સાર જાણે એક જ ભાવમાં સમાઈ જાય છે,જે ભક્ત જે ભાવથી કૃષ્ણને જુએ છે, તેને કાન્હા એ જ સ્વરૂપમાં દેખાય છે. જય શ્રીકૃષ્ણ!