ફ્રાન્સની ટીમ સુરતમાં: ઈ-રિક્ષા, BRTSથી પ્રભાવિત, બાયોડાયવર્સિટી પાર્કની મુલાકાત લીધી

સુરત (Surat): વિશ્વભરમાં રહેવાલાયક શહેર તરીકે સુરત શહેરની ઓળખ થઈ છે. સરવેમાં વિશ્વભરમાં સુરત શહેરને મોસ્ટ રેઝિલિયન્ટ શહેરમાં (Most Resilient City) સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ પર્યાવરણને ધ્યાને રાખી પણ સુરત શહેરમાં ઘણા પ્રોજેક્ટોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ફ્રાન્સના પર્યાવરણ મંત્રી બાર્બરા પોમપિલી (Barbara Pompili) સાથે 15 પ્રતિનિધિનું ડેલીગેશન પહેલી ફેબ્રુઆરીએ સોમવારે સુરતની મુલાકાતે આવ્યુ હતુ.

મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં પર્યાવરણને ધ્યાને રાખી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, બાયો ડાયવર્સિટી પાર્ક સિવાય ઘણા પ્રોજેક્ટો સાકાર કરાયા છે. જેને લઈ ફ્રાન્સનું ડેલિગેશન જેમાં ફ્રાન્સના પર્યાવરણ મંત્રી બારબારા પોમ્પીલી 1 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષો બાદ સુરત શહેરમાં વિદેશથી મંત્રી આવ્યા છે. ફ્રાન્સના પર્યાવરણ મંત્રીની સાથે 15 પ્રતિનિધિની એક ટીમ સુરત આવી હતી.

આજે એટલે કે સોમવારે ફ્રાન્સના પર્યાવરણ મંત્રી સહિતનું ડેલીગેશન સવારે 8.25 વાગે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને સીધા જ સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી પહોંચ્યા હતા. આ ટીમ સમક્ષ શહેરના ઇતિહાસ સાથે વિવિધ પ્રોજેક્ટો વગેરેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યુ હતુ. ફ્રાન્સની ટીમે શહેરમાં પર્યાવરણને લઇ કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ સાથે જ ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલીએ પોતે સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે ઈ-ઓટો રીક્ષા ચલાવી હતી. આ દ્રશ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. ટીમના અન્ય સભ્યોએ પણ ઇ-રિક્ષા (E-Auto) સાથે ફોટા પડાવ્યા હતા.

ત્યાર પછી તેમણે કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં ખાતે જઇ શહેરની ટ્રાન્સપોર્ટેશન સુવિધાની માહિતીઓ લીધી હતી. ઉપરાંત અલથાણ ખાડી ખાતે સાકાર કરવામાં આવેલા બાયોડાયવર્સિટી પાર્કની પણ મુલાકાત લીધી હતી. ત્યાંથી ટીમ ભટારમાં ચાલતા પ્લાસ્ટિક પ્રોસેસિંગ પ્લાન્ટ અને છેલ્લે ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની વિઝિટ કરવા ઉપડી હતી. વિદેશી મહેમાનો સાંજે 7:00 કલાકે દિલ્હી જવા રવાના થશે.

તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું (Metro Train Project, Surat) ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ દ્વારા સુરત મ.ન.પા.ને આર્થિક સહાય કરવામાં આવી છે. ફ્રાન્સના પર્યાવરણ પ્રધાનની મુલાકાત બાદ સુરત શહેર અને ફ્રાન્સ વચ્ચે કેટલાક પ્રોજેક્ટ માટે એમઓયુ થાય તેવી શક્યતાઓ છે. ટૂંકમાં સમગ્ર દેશમાં માત્ર સુરતમાં જ ટીમ મુલાકાત લીધી હતી, જે સુરત માટે ગૌરવની વાત છે.

Related Posts