Columns

મહેનત કરનાર માટે મેરુ પર્વત ઊંચો નથી

એક નાના નગરમાં બે મિત્રો પણ રહે છે. બંનેની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય જ હતી. મિત્રો મોટા થતા ગયા અને અભ્યાસ પૂરો કર્યો. એક મિત્રે જોયું કે અભ્યાસ તો હું હજુ પણ કરી શકું છું પરંતુ મારા ઘરને અત્યારે પૈસાની જરૂરત છે તેથી મારે ભણવાનું છોડીને નોકરીધંધાનો જ વિચાર કરવો જોઇએ. જેથી ઘરમાં અત્યારે જે નાણાંભીડ છે તે તો ચાલી જાય. ત્યાં જ કોઇએ સલાહ આપી કે પૈસા કમાવા માટે તો આખી જિંદગી પડેલી છે પરંતુ વિદ્યાભ્યાસ માટે તો ચોક્કસ સમય જ હોય છે. એ ગાળામાં જેટલું ભણી શકાય તેટલું ભણી લેવું.

આમ ભણીશ તો પૈસા મેળવવાનો સમય ન રહેશે અને માત્ર ભણવામાં જ સમય આપીશ તો ઘરમાં મદદરૂપ થઇ ન શકાશે. આમ આવા બે વિચારો મનમાં ચાલવા લાગ્યા. ધીમે ધીમે ઉંમર વધતી જતી હતી. આવા વિચારો કરી અભ્યાસ સાથે તેણે નાનીમોટી નોકરી પણ કરવા માંડી. વહેલી સવારથી તે રાત સુધી તે અભ્યાસ અને પૈસો મેળવવામાં સમય વ્યતીત કરવા લાગ્યો. તેનું ઘર આર્થિક રીતે ધીમે ધીમે ગોઠવાતું ગયું. તેણે પોતાનો સમય સામાન્યપણે ગુમાવવાનું છોડી જ દીધું.
તેનું જીવન ગોઠવાઇ ગયું. અભ્યાસ અને નોકરી એ બે વચ્ચે તેનો સમય ચાલવા લાગ્યો. તેને અભ્યાસ માટે ઓછો સમય મળતો પરંતુ ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવાની કલા તેનામાં વિકસી તેથી તે ઉચ્ચ અભ્યાસ પણ પૂરો કરી શકયો અને ઘર આર્થિક રીતે ગોઠવાઇ ગયું. પત્ની સાથે હરવાફરવાનો સમય મળતો ન હતો પરંતુ નવરાશની પળો તે જાતે જ ઊભી કરી લેતો. ધીમે ધીમે તેણે યુનિવર્સિટીની સર્વોચ્ચ ઉપાધિ તો મેળવી લીધી અને સમય મળે એટલે ધંધાના વિકાસમાં ધ્યાન લઇને તેનો વિકાસ પણ કરતો રહ્યો. સમાજના લોકો તેના જીવનના સાક્ષી છે તેથી યુનિવર્સિટીની ડિગ્રી મળી ત્યારે લોકોએ તેનું સન્માન કર્યું. તેનો જીવનમંત્ર હતો મહેનત કરનાર માટે મેરુ પર્વત ઊંચો નથી, સાગર અપાર નથી તેથી મહેનતુ માટે કાર્ય અસાધ્ય નથી.

Most Popular

To Top