Columns

સૌથી પહેલાં સમૃદ્ધ દેશોને પ્રદૂષણ ઓકતા રોકવા જોઈએ

અમેરિકા, રશિયા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોએ છેલ્લાં લગભગ દોઢસો વર્ષોમાં પૃથ્વીને પ્રદૂષિત કરીને જબરદસ્ત આર્થિક વિકાસ હાંસલ કરી દીધો છે. હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓના ઉત્સર્જનને કારણે જાગતિક તાપમાન વધી રહ્યું છે અને પૃથ્વીનું અસ્તિત્વ સંકટમાં મૂકાઈ ગયું છે ત્યારે સમૃદ્ધ દેશો અચાનક સજાગ થઈ ગયા છે. તેમને ખ્યાલ આવ્યો છે કે જો જગતમાં આ ઝડપે પ્રદૂષણ વધતું રહેશે તો માનવજાત દુ:ખી અને રોગગ્રસ્ત થઈને છેવટે નાશ પામશે. આવું ન બને તે માટે કોઈ પણ દેશમાં નવાં કારખાનાં ઊભાં ન થાય અને પ્રદૂષણ અંકુશમાં આવે તે જરૂરી છે. સમૃદ્ધ દેશો પોતાની વિકાસની દોટ રોકવા તૈયાર નથી; માટે ક્લાઇમેટ ચેન્જના નામે વિકાસશીલ દેશો પર નિયંત્રણ લાદવાની કોશિશ થઈ રહી છે.

ઇ.સ. ૧૯૯૨ માં પહેલી વખત ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જન પર નિયંત્રણ લાદવા માટે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) ની રચના કરવામાં આવી હતી. ૧૯૯૭ માં ક્યોટોમાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સમૃદ્ધ દેશો દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યાં હતાં, જેને ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૦૯ માં કોપનહેગનમાં મળેલી બેઠકમાં થયેલા કરાર (COP 15) માં નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત દેશો દર વર્ષે વિકાસશીલ દેશોને ૧૦૦ અબજ ડોલરનું દાન કરશે, જેથી તેઓ ગ્રીન ટેકનોલોજીમાં રોકાણ કરીને પોતાનું કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે. ૨૦૧૨ માં દોહામાં મળેલી પરિષદમાં તેમાં સુધારાઓ કરવામાં આવ્યા હતા. ૨૦૧૫ માં પેરિસમાં કરાર (COP 25)થયા તેમાં કોપનહેગનના ૧૦૦ અબજ ડોલરના લક્ષ્યાંકને અનુમોદિત કરવામાં આવ્યું હતું.  સમૃદ્ધ દેશો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું નથી. હવે રોમમાં મળી રહેલી COP 26 પરિષદમાં વિકાસશીલ દેશો પર ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન માટે અન્યાયકારી દબાણ કરવામાં આવી રહ્યું છે.

ઇ.સ. ૧૮૫૦ માં પહેલી ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો ત્યારથી લઈને ૨૦૧૯ સુધીનો ઇતિહાસ તપાસીએ તો પૃથ્વીમાં આશરે ૨૫,૦૦૦ બિલિયન (ખર્વ) મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન થયું છે. તેના ૬૦ ટકા માટે દુનિયાની ૧૮ ટકા વસતિ ધરાવતા સમૃદ્ધ દેશો જવાબદાર હતા. પૃથ્વીનો વિનાશ કરીને તેમણે પોતાનો ઔદ્યોગિક વિકાસ સાધી લીધો. તેને કારણે તેમની ભૌતિક સમૃદ્ધિ વધી છે, પણ તેમને સુખ અને શાંતિ મળ્યાં નથી. હવે તેમને ડર સતાવી રહ્યો છે કે તેમની નકલ કરીને ભારત અને ચીન જેવા દેશો કાર્બનનું ઉત્સર્જન વધારવા લાગશે તો ૨૦૫૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ૧૮૫૦ પહેલાંના કાળમાં હતું તેના કરતાં બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે તો તેઓ ચોખ્ખી હવા પણ શ્વાસમાં લઈ શકશે નહીં.

ભારત અને ચીન જેવા દેશો દલીલ કરે છે કે અમારી પ્રજાને ગરીબીની બહાર લાવવા ઉદ્યોગો જરૂરી છે અને ઉદ્યોગોનો વિકાસ કરવા અશ્મિભૂત બળતણનો ઉપયોગ જરૂરી છે. સમૃદ્ધ દેશો તેમના ઉદ્યોગોને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે. આજની તારીખમાં ચીન સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરતો દેશ છે, કારણ કે ત્યાં ઉદ્યોગોનો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે. ચીન દર વર્ષે આશરે ૯.૩ ગીગાટન જેટલા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. તેની સામે અમેરિકા ૪.૮ ગીગાટનનું અને ભારત ૨.૨ ગીગાટનનું ઉત્સર્જન કરે છે. જથ્થાની દૃષ્ટિએ કાર્બન ઉત્સર્જનમાં ભારતનો નંબર દુનિયામાં ત્રીજો આવે છે, પણ જો ભારતને ૨૮ રાજ્યોમાં વહેંચી દેવામાં આવે તો દુનિયાના દેશોમાં ભારતનો નંબર બહુ પાછળ આવે તેમ છે.

જો માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો ભારતનો દરેક નાગરિક વર્ષે સરેરાશ ૧.૫૮ મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન કરે છે. તેની સામે અમેરિકાનો નાગરિક ૧૫.૫ મેટ્રિક ટન, કેનેડાનો નાગરિક ૧૫.૩૨ મેટ્રિક ટન, ઓસ્ટ્રેલિયાનો નાગરિક ૧૫.૮૩ મેટ્રિક ટન, બ્રિટનનો નાગરિક ૫.૯ મેટ્રિક ટન, દક્ષિણ કોરિયાનો નાગરિક ૧૧.૫૮ મેટ્રિક ટન, ચીનનો નાગરિક ૬.૯ મેટ્રિક ટન, રશિયાનો નાગરિક ૧૦.૧૯ મેટ્રિક ટન, જર્મનીનો નાગરિક ૮.૯૩ મેટ્રિક ટન અને જપાનનો નાગરિક ૮.૯૯ મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન કરે છે. અમેરિકાની હાલત તો ગાંડી સાસરે જાય નહીં અને ડાહીને સલાહ આપે તેવી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૫ ના પેરિસ કરારમાંથી નીકળી ગયા હતા. તેમણે વિકાસશીલ દેશોને ગ્રીન ટેકનોલોજી માટે મદદ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. હવે અમેરિકાના પ્રમુખ જો બાઇડેન રોમ પહોંચી ગયા છે અને તેઓ વિકાસશીલ દેશોને દબાણ કરી રહ્યા છે કે તેમણે ૨૦૫૦ સુધીમાં ઝીરો પ્રદૂષણ માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ.

૨૦૦૯ માં કોપનહેગનમાં જે પરિષદ ભરાઇ તેમાં કાર્બન ઉત્સર્જનને રોકવા માટે વિકસિત દેશો વિકાસશીલ દેશોને વાર્ષિક ૧૦૦ અબજ ડોલરની સહાય આપશે, તેમ ઠરાવવામાં આવ્યું હતું. ૨૦૦૯ થી ૨૦૧૮ ના આંકડા તપાસતાં ખ્યાલ આવે છે કે બ્રિટન દ્વારા ૬.૧ અબજ ડોલરની અને અમેરિકા દ્વારા ૨.૪ અબજ ડોલરની સહાય જ કરવામાં આવી છે. અમેરિકા અને કેનેડા તો ક્યોટો કરારમાંથી બહાર નીકળી ગયા છે, જ્યારે જપાન બીજા રાઉન્ડમાંથી બહાર નીકળી ગયું છે. વળી સમૃદ્ધ દેશો દ્વારા વિકાસશીલ દેશોને જે મદદ આપવામાં આવી છે તેમાંની ૮૦ ટકા લોનના સ્વરૂપમાં છે. અગાઉ જે કેટલીક લોન વિકાસના પ્રોજેક્ટો માટે આપવામાં આવતી હતી તે હવે ગ્રીન લોન તરીકે ગણાવવામાં આવે છે. આ ગ્રીન ટેકનોલોજીના નામે પણ સમૃદ્ધ દેશોની કંપનીઓ પોતાના દેશોમાં નિર્મિત કરવામાં આવેલી યંત્રસામગ્રી ગરીબ દેશોના ગળામાં પહેરાવી દેતા હોય છે.

સમૃદ્ધ દેશો હવે વિકાસશીલ દેશો પર દબાણ લાવી રહ્યા છે કે રોમની પરિષદમાં તેમણે નેટ ઝીરો ઉત્સર્જન માટેનું લક્ષ્યાંક નક્કી કરવું જોઈએ. નેટ ઝીરોનો અર્થ એવો થાય છે કે આજની તારીખમાં દેશમાં જેટલું કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે તે સ્તર જાળવી રાખવું જોઈએ અથવા કઇ સાલથી તે વર્ષ કરતાં કાર્બન ઉત્સર્જન નહીં વધે, તેની જાહેરાત કરવી જોઈએ. ચીને જાહેરાત કરી છે કે તે ૨૦૬૦ ની સાલ સુધીમાં કાર્બન ઉત્સર્જન આજના સ્તરે લાવી દેશે. ભારત ઉપર પણ તેવી જાહેરાત કરવા માટેનું દબાણ થઈ રહ્યું છે, પણ ભારત તેનો પ્રતિકાર કરી રહ્યું છે. ભારતનો મત એવો છે કે પહેલાં સમૃદ્ધ દેશોને તેમનું ઉત્સર્જન ઘટાડવાની ફરજ પાડવી જોઈએ. જો સમૃદ્ધ દેશો પોતાનું ઉત્સર્જન ઘટાડવા તૈયાર ન હોય તો વિકાસશીલ દેશોને તેમ કરવાની ફરજ પાડી શકાય નહીં.

કોઈ પણ દેશે આર્થિક વિકાસ સાધવો હોય તો વિરાટ કારખાનાંઓ ઊભાં કરવાં જોઈએ, અશ્મિભૂત બળતણનો બેફામ ઉપયોગ કરવો જોઈએ અને પૃથ્વીને પ્રદૂષિત કરવી જોઈએ, તે થિયરી પણ મૂળમાંથી શંકાસ્પદ છે. ભૂતકાળમાં ભારતે જે વિકાસ સાધ્યો હતો તે પ્રદૂષણ વધાર્યા વગર જ સાધ્યો હતો. તેના માટે આપણા દેશમાં લઘુ ઉદ્યોગો હતા, જે વિકેન્દ્રિત હતા. તેમાં પેટ્રોલ, ડિઝલ, કોલસા અને વીજળીને બદલે માનવબળનો અને પશુબળનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેને કારણે આજના જેવી બેકારીની સમસ્યા પણ પેદા થતી નહોતી. તેનાથી શોષણ પણ નહોતું થતું. જો વિકાસની ગલત વ્યાખ્યા બદલવામાં આવે તો જ પ્રદૂષણ પર નિયંત્રણ આવી શકે તેમ છે. ભારત આ સંદેશો આખી દુનિયાને આપી શકે તેમ છે, પણ આપણા નેતાઓને જ તેની સમજણ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top