Charchapatra

શું મોંઘવારી માટે પેટ્રોલ – ડીઝલનો ભાવ વધારો એકલો જવાબદાર છે ?

આપણા દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આ મોંઘવારીથી જબરદસ્ત પરેશાન છે. તેમાં રોજેરોજ વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ તેમાં વધારો કરે છે, કારણકે આ બે ઇંધણના ભાવ વધે એટલે આડકતરી રીતે તમામ વસ્તુઓનો ભાવ વધે. પણ શું મોંઘવારી માટે એકલો પેટ્રોલ – ડીઝલનો ભાવ વધારો જવાબદાર છે ? આ લખનારની દ્વષ્ટિએ તેનો જવાબ છે ના. ઘણી બધી કંપનીઓ અમુક રમતોને અને તેમાં પણ ખાસ કરીને ક્રિકેટની રમતને સ્પોન્સર કરે છે. હવે આ સ્પોન્સરશીપ માટે કંપનીઓ જે અધધધ પૈસા ચૂકવે તે રકમ જે તે કંપનીની જે પ્રોડક્ટ હોય તેની કિંમતમાં ઉમેરે, પરીણામે પ્રજાએ જે તે કંપનીની પ્રોડક્ટ એટલા વઘુ ભાવે ખરીદવી પડે.

મોંઘવારી વધવા માટે આ કારણ પણ જવાબદાર છે. બીજું અમુક સેલિબ્રિટીઝ જેવા કે ફિલ્મ અને ટેલિવિઝનના કલાકારો, ક્રિકેટરો અમુક કંપનીની પ્રોડક્ટ માટે મોડલિંગ કરતા હોય છે. તેમને   અઢળક કહો કે અધધધ પૈસા ચૂકવવામાં આવે છે પછી મોડલિંગ કરનાર જે તે પ્રોડક્ટનો પોતે ઉપયોગ કરતો હોય કે નહી કરતો હોય, પણ પ્રજા તેમનું આંધળું અનુકરણ કરે છે. હવે જે તે કંપની આ બધાને મોડલિંગ માટે જે અધધધ પૈસા ચૂકવે છે તે રકમ તેમની કંપનીની પ્રોડક્ટની કિંમતમાં ઉમેરે છે, પરિણામે પ્રજાએ તે પ્રોડક્ટ એટલા મોંઘા ભાવે ખરીદવી પડે છે.

મોંઘવારીના વધારા માટે આ કારણ પણ જવાબદાર છે. અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો બચાવ કરવાનો કોઈ જ આશય નથી કારણકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેઓ આ બંને ઇંધણની મૂળ કિંમત પર જે વધારાના વેરા વસૂલે છે તેમાં થોડો ઘટાડો કરીને પ્રજાને રાહત આપી શકાય તેમ છે. તે ઉપરાંત વ્યાપારી વર્ગની વઘુ પડતી નફાખોરી પણ મોંઘવારી વધવા માટેનું કારણ ગણી શકાય.પરંતું ઉપર જણાવ્યું તેમ મોંઘવારી માટે એકલો પેટ્રોલ – ડીઝલનો ભાવ વધારો જ જવાબદાર છે એવું માનવું ભૂલભરેલું ગણાય એવું આ લખનારનું સ્પષ્ટ માનવું છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top