National

બે પ્રકારનું ભ્રમણ

બાળકોને ભમરડાની રમતમાં ઘણી મઝા પડે છે, એક દોરી વીંટાળી પુરવેગે ભમરડાને જમીન પર ફેંકતા તે ગોળ ગોળ ફરવા માંડે છે અને બે પ્રકારનું ભ્રમણ કરે છે. એક પ્રકારે તે પોતાની ધરી પર ફરતો રહે છે અને સાથે સાથે તે આગળ પણ ફરતા ફરતા વધે છે અને તે તેનું બીજા પ્રકારનું ભ્રમણ બની રહે છે. બાળ સ્વરૂપે જન્મેલા બાળકને પણ રીખતો કે ચાલતો થાય ત્યારે કુદરતી રીતે બે પ્રકારનું ભ્રમણ આજીવન કરવાનું રહે છે. કાળક્રમે થતો શારીરિક વિકાસ તેનું પહેલા પ્રકારનું ભ્રમણ સતત ચાલે છે. પછી અવરજવર દ્વારા બીજા પ્રકારનું ભ્રમણ બની જાય છે. યુવાની વીતી જતા શરીર ઘડપણ તરફ ધકેલાય છે ત્યારે તેમાં દિનપ્રતિદિન થતુ પરિવર્તન પણ એક પ્રકારનું અદૃશ્ય ભ્રમણ સ્વરૂપ છે અને તેવી અવસ્થામાંયે સ્વસ્થ માણસ ચાલતો રહે છે, તે બીજા પ્રકારનું ભ્રમણ બને છે.

બંને પ્રકારના ભ્રમણ એક સાથે જ થાય છે. બે પ્રકારના ભ્રમણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૃથ્વી છે. પહેલા પ્રકારના ભ્રમણથી પૃથ્વીના જે તે ભાગમાં રાત દિવસ થાય છે અને સાથે સાથે ભમરડાની જેમ થતા બીજા પ્રકારના ભ્રમણથી એક વર્ષ સંપન્ન થાય છે. સૂર્ય સામે થતા આ ભ્રમણો વર્ષોની મજલ કાપે છે. આ કુદરતી નિયમ છે અને આવી ગતિ દ્વારા તેની ગણતરી થકી વૈજ્ઞાનિકો તેમના જ્ઞાન અને શોધમાં આગળ વધે છે. માનવના ભ્રમણમાં ગતિ અટકી જાય તો મૃત્યુ નીપજે છે અને જો પ્રલયકાળ આવે અને ત્યારે પૃથ્વીના ભ્રમણની ગતિ અટકી જાય તો પણ વિનાશક પરિણામ આવી શકે. આવા ભ્રમણોની ગતિવિધિથી તો માનવ સંસ્કૃતિનો ઇતિહાસ રચાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top