Comments

પહેલાં કોરોનાએ ભરખ્યો, હવે ‘તૌકતે’એ તારાજી સર્જી..મદદ માટે નેતાઓ શું ભગવાન પણ નથી આવતા?

કોરોનાનો કપરો સમય હજી પૂરો થયો નથી,ક્યારે પૂરો થશે એ પણ ખબર નથી એવામાં તૌકતે વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં એવો ઝંઝાવાત ફેલાવ્યો કે ત્યાં રહેનારા કહે છે કે નેતાઓ તો શું હવે ભગવાન પણ અમારી મદદે નથી આવતા. આખા ગુજરાતનાં લોકો કોરોનામાંથી બેઠા થવા માટે મદદની રાહ જુએ છે ત્યાં સૌરાષ્ટ્રમાં આવેલા તૌકતે વાવાઝોડાએ માનવજીવન સામે જ પ્રશ્નો ઊભા કરી દીધા છે. જો તમે વાવાઝોડા પછીનાં દ્રશ્યો જોયાં હોય તો ખ્યાલ હશે કે ચારે બાજુ તારાજી જ તારાજી દેખાતી હતી. પહેલાં જયારે આવું કોઈ તોફાન આવે કે વાવાઝોડું આવે ત્યારે સમાજસેવી સંસ્થાઓ અને મદદગારો મદદ માટે આવી જતા હતા પણ આ વખતે તો કોરોનાને કારણે સમાજસેવી સંસ્થાઓ તો શું નેતાઓ પણ ખૂબ ઓછા દેખાયા.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તાલુકાઓમાં તૌકતે વાવાઝોડાને પગલે જ્યાં જુઓ ત્યાં નુકસાન અને જનજીવન ઠપ થઇ ગયું હતું. કોડિનાર, ઉના, મહુવા, જાફરાબાદ, રાજુલા સહિતના તાલુકા અને તેની આસપાસના કાંઠા વિસ્તારમાં આવેલાં ગામડાં મહદ્ અંશે સંપર્કવિહોણાં-મદદવિહોણાં હતાં.તૌકતે વાવાઝોડાએ ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના કાંઠા નજીકના વિસ્તારોને 15 કલાકથી વધુ સમય બાનમાં લીધા હતા.આ એ સ્થળો છે જ્યાંથી વાવાઝોડું તૌકતે 100 કિલોમિટરથી વધુ ઝડપી પવન સાથે પસાર થયું હતું.સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત થયા પછી એટલી ખબર પડી છે કે અહીં જનજીવનને ભારે અસરો પહોંચી છે.

તૌકતે વાવાઝોડામાં ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે, તો કેટલાકનાં મકાનો અને મકાનોની છત તૂટી ગઈ છે. જીવનજરૂરી વસ્તુઓની અછત છે.મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. કેટલાક વિસ્તારમાં હવે વીજપુરવઠો ચાલુ થઇ ગયો છે પણ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા આવ્યા ને આટલા દિવસો થયા પછી પણ વીજળી આવવાની રાહ જોઈ રહ્યા છે. આખી સ્થિતિ જોઈ તમે જ વિચારો કે આ વિસ્તારોમાં પહેલાં કોરોના અને હવે વાવાઝોડા સામે અહીંના રહીશો કઈ રીતે ઝઝૂમશે? કોરોનાના કારણે ધંધો રોજગાર તો પહેલાથી જ બંધ હતા અને વાવાઝોડું તો જે ધંધો રોજગારના સ્થાનો હતાં એ પણ હવામાં તાણી ગયા. માણસ જીવે તો જીવે કઈ રીતે ? ધંધા રોજગાર પછી ખેડૂતોની વાત કરીએ તો એક બાજુ કરોના અને હવે વાવાઝોડાએ એમના જીવનની આશ અને ખેતરમાં ઊભેલા પાક બંને છીનવી લીધા છે. વાવાઝોડા પછી જાણવા મળ્યું છે કે મોટા ભાગના નાળિયેરી અને આંબા વૃક્ષો જમીનમાંથી ઉખડીને ફેંકાઈ ગયાં છે. કહેવાય છે કે ઉતાવળે આંબા ન પાકે તો હવે જે ખેડૂતો આંબાની ખેતી અને આંબાના ઝાડ પર નભતા હતા એમના જીવનવહનનું શું?

સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં પણ કેટલાક તાલુકામાં સ્થિતિ અત્યંત મુશ્કેલજનક રહી છે. રાજુલા, જાફરાબાદ તાલુકાઓમાં કાંઠા-વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. કાચાં મકાનો, પતરાં, દીવાલો ધસી પડયાં હતાં. માછીમારોની બોટને પણ નુકસાન થયું છે. સ્થાનિકોનાં મોત પણ નોંધાયાં હતાં તથા કેટલાક ઘાયલ પણ થયા છે. વાવાઝોડા પછી કેમેરા નેતા અને મારા તમારા જેવા લોકોએ ટી.વી. ચેનલમાં જેમ ચેનલ બદલીએ એમ વાવાઝોડાની વાત બદલીને મૂળ કામ તરફ પરત ફરી ગયા છીએ, હા જયારે વાવાઝોડું આવ્યું ત્યારે આપણે ટી.વી. પર જોયું હવે પાછા કોરોનાના આંકડા ગણવા લાગ્યા છીએ,પણ ક્યારેક એ તો વિચારો કે જ્યાં આ વાવાઝોડું પસાર થયું છે,જ્યાં નુકસાની પહોંચાડી છે ત્યાંનું જીવન કેવું હશે? આપણે ચેનલ બદલી શકીએ છીએ, વાવાઝોડામાં નુકસાન પામેલાં લોકો અને એમનું જીવન એટલા ઝડપથી પરિવર્તન નથી લઇ શકતું, એ ખેડૂતો વિષે વિચારો, જેમણે કોરોનાના કપરા સમયમાં કેરીના પાક પર આશા રાખી હશે, એ ખેડૂતો વિષે વિચારો, જેમને મગફળીમાં ભવિષ્યનાં ફળ દેખાયાં હશે.

કેટલાંય ખેડૂત પરિવારોએ એમના પાકની આશાએ એમના આગોતરા જીવનની વ્યવસ્થા વિચારી રાખી હશે, એમના વિચારો અને આશા પર વાવાઝોડાના પવન અને પાણી ફરી વળ્યાં છે.પહેલાં આ બિચારા બાપડાં લોકોને કોરોનાએ માર્યો (ગામડાંમાં કોરોનાની સ્થિતિ ખૂબ ખરાબ છે) હવે પડતા પર પાટુ વાગતું હોય એમ વાવાઝોડાએ માર્યો, આવી સ્થિતિમાં ત્યાં રહેનારાં જાય તો જાય ક્યાં? મદદ માંગે તો કોની પાસે, કેમકે જો ભગવાન મદદ કરતો હોય તો આવી વિપત્તિઓ કેમ આવે,નેતાઓ જો સાચા અર્થમાં મદદ કરતા હોત તો આજે આ લખવાનો વારો જ ન આવ્યો હોત. દર વખતે નુકસાન પછી હવાઈ નિરીક્ષણ કરીને જેમ દૂરથી નેતાઓ સહાય કરે છે એમ કેન્દ્ર સરકારે પણ ગુજરાતને સહાય માટે 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતકોનાં પરિવારજનોને કેન્દ્ર સરકાર બે લાખ રૂપિયાની સહાય આપશે અને ઘાયલોને 50 હજારની સહાય કરશે.પરંતુ મૂળ મુદ્દાની વાત એ છે કે આખરે સહાય મળશે ક્યારે અને કઈ રીતે ? લોકોને તો આશા છે કે કદાચ આ સહાય મળી જશે બસ સહાય સરકારી કાગળોમાં જો ન અટવાય તો..!

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top