SURAT

સુરતના સરથાણામાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર ફાયરીંગ

સુરત(Surat) : સુરત શહેરના સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર નજીક આજે વહેલી સવારે ફાયરીંગની (Firing) ઘટના બની છે. બાઈક (Bike) પર આવેલા બે અજાણ્યા ઈસમો એક વેપારી પર ફાયરીંગ કરી ફરાર થઈ ગયા છે. આ વેપારી મોર્નિંગ વોક (Morning Walk) પર નીકળ્યા હતા ત્યારે બે ઈસમોએ તેમની પર ફાયરીંગ કર્યું હતું. વેપારીના ખભા પર ગોળી વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. વેપારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. ફાયરીંગ થયાની જાણ થતા પોલીસનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

  • પરબ રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા વેપારી હિરેન મોરડીયા પર ગોળીબાર
  • હિરેન મોરડીયાને ખભામાં ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાયા
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
  • અંગત અદાવતમાં હુમલો થયાની આશંકા
  • સરથાણા પોલીસે તપાસ શરૂ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં પરબ રોડ રોડ પર કાવ્યા હાઈટ્સની સામે બનતા નવા હાઈરાઈઝ એપાર્ટમેન્ટની નજીકના રોડ પર રોજ સવારે નજીકના રહીશો ચાલવા નીકળતા હોય છે. રોજિંદા ક્રમ અનુસાર વેપારી હિરેન મોરડીયા પણ આજે શુક્રવારે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. દરમિયાન બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને હિરેન મોરડીયા પર ધડાધડ ગોળીબાર કર્યો હતો. ફાયરીંગના પગલે આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. ચાલવા નીકળેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ ખભામાં ગોળી વાગતા હિરેન મોરડીયા લોહીલુહાણ થઈ ગયા હતા. ફાયરીંગ કરી અજાણ્યાઓ બાઈક પર ભાગી છૂટ્યા હતા. થોડી વાર બાદ સ્થાનિક લોકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી તથા ઇજાગ્રસ્ત હિરેન મોરડીયાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હિરેન મોરડીયાની સારવાર ચાલી રહી છે.

ફાયરીંગની ઘટનાના પગલે સરથાણા પોલીસ સહિત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વેપારી પર ફાયરીંગ શા માટે કરવામાં આવ્યું તે જાણી શકાયું નથી. કોઈ અંગત અદાવતના લીધે હિરેન મોરડીયા પર હુમલો થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ મોરડીયાની સારવાર ચાલી રહી હોય પોલીસ તેમના પરિવારજનોના સંપર્કમાં છે. હિરેન મોરડીયાને કોઈ સાથે દુશ્મની હતી કે કેમ તે જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. આ ઘટના અંગે એસીપી સી.કે. પટેલે કહ્યું કે, 32 વર્ષીય વેપારી હિરેન મોરડીયા સ્ટાર સિટી સોસાયટીમાં રહે છે. સવારે 6.30 કલાકે તે મોર્નિંગ વોક કરી રહ્યો હતો ત્યારે તેના ઘરથી થોડે દૂર બે ઈસમો બાઈક પર આવ્યા હતા અને નજીકથી ફાયરીંગ કર્યું હતું. જેથી હિરેનને ખભાના ભાગે ઈજા થઈ હતી.

Most Popular

To Top