Dakshin Gujarat

વરેલીની મિલમાં કોલસો લઈને રિવર્સ આવતી ટ્રકના પાછલા ટાયર નીચે કામદાર કચડાયો

પલસાણા : પલસાણા (Palsana) તાલુકાનાં વરેલી (Vareli) ગામની રોશની ક્રિએશન મિલમાં (Mill) રાત્રિ પાળીમાં કામ કરી રહેલા કામદારને કોલસો લઈને રિવર્સ આવતી ટ્રકે (Truck) કચડી નાખતા સ્થળ પર જ મોત (Death) નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના (MP) જાંબુઆનો અને હાલ કડોદરાની ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતો પિન્ટુભાઈ ભૂરાભાઈ ભાભોર (ઉ.વર્ષ 27) વરેલી ખાતે આવેલી રોશની ક્રિએશન મિલમાં બોઈલર વિભાગમાં નોકરી કરતો હતો.

  • કોલસાની ટ્રક રિવર્સ આવતા કામદાર કચડાયો
  • પત્ની અને બહેન સાથે મિલમાં નોકરી કરતો યુવક કોલસો નાખવાનું કામ કરતો હતો

બુધવારે સવારે તે તેની બેન રમિલા શાંતુ કટારા અને પત્ની હિમા સાથે મિલમાં નોકરી પર આવ્યા હતા. આખો દિવસ કામ કર્યા બાદ રાત્રિ પાળીમાં કામ કરવા માટે રોકાયા હતા. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પિન્ટુ બોઈલરમાં કોલસો નાખવાનું કામ કરી રહ્યો હતો તે સમયે એક ટ્રક કોલસો ખાલી કરવા માટે ત્યાં આવેલી ટ્રકના ચાલકે પૂરઝડપે ટ્રક રિવર્સમાં લાવતા પિન્ટુને અડફેટમાં લઈ લીધો હતો, તે ટ્રકના પાછલા ટાયર નીચે કચડાય ગયો હતો. અકસ્માતમાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે મૃતકની બહેને કડોદરા GIDC પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાવ પાસે અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતાં બાઇકસવાર આધેડનું મોત
કામરેજ: કીમ કામ કરીને કડોદરા જતાં આધેડને વાવ ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે પાછળથી ટક્કર મારી દેતાં માથામાં ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના સિધી જિલ્લાના દિહલી ગામના વતની અને હાલ નવાગામ ડિંડોલી ખાતે સાંઈનાથ સોસાયટીમાં મકાન નં.61માં રહીને ફિટરનું કામ કરતા અત્યભાન હરિહર પ્રસાદ (ઉં.વ.53) બુધવારે પોતાની હીરો સીડી ડીલક્ષ નં.(જીજે 05 એફટી 9178) લઈને કીમ ખાતે ફિટરનું કામ કરતા માટે ગયા હતા. ત્યાંથી મોટરસાઈકલ લઈને કડોદરા જતા હતા. ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર વાવ ગામ પાસે બપોરના 1 કલાકે અજાણ્યા ટ્રકચાલકે મોટરસાઈકલ સવારને પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાતાં માથા તેમજ શરીર પર ગંભીર ઈજા થતાં સારવાર માટે 108માં સ્મીમેર લઈ જતાં મોત નીપજતાં કામરેજ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધી હતી.

Most Popular

To Top