Madhya Gujarat

સંતરામપુર પાલિકાને ફાયર ફાયટર ફાળવવામાં આવ્યું

સંતરામપુર: સંતરામપુર નગરપાલિકાના ફાયર ફાયટરની પોલ ખુલ્લી પડી ગઇ છે. હાલ શો રૂમમાં લાગેલી આગમાં પાલિકાના સત્તાધિશોએ અદબ પલાઠીવાળી મોંઢા પર આંગળી મુકી બેસી રહેતાં ભારે નુકશાન થયું હતું. આ આગના પગલે નગરજનો પણ સ્તબ્ધ થઇ ગયા હતા અને રહેણાંક વિસ્તારમાં આગ લાગે તો મોટી જાનહાનીનો ભય વ્યક્ત કર્યો હતો. આ બનાવની ગંભીરતાના પગલે કલેક્ટરે તાત્કાલિક લુણાવાડા પાલિકાનું એક ફાયર ફાયટર સંતરામપુરમાં સ્ટેન્ડબાય કરવાનો હુકમ કર્યો છે.

સંતરામપુર નગરપાલિકા પાસે બબ્બે ફાયર ફાયર હોવા છતાં જાળવણીના અભાવે ખરા ટાણે જ બિનઉપયોગી બન્યાં છે. પાલિકા પાસે ન તો જાળવણી માટે કોઇ આયોજન છે કે ન તો કોઇ કુશળ સ્ટાફ. ફાયર બ્રિગેડની રચનામાં સંપૂર્ણ બેદરકારી સંતરામપુર પાલિકાની છતી થઇ છે. સરકારે કરોડોના ખર્ચે આપેલા બે ફાયર ફાયટર બગડે તો તેને ત્વરિત રીપેરીંગ કરાવવામાં પણ પાલિકા ઉણી ઉતરી છે. જેથી નગરમાં ક્યાંય આગનો બનાવ બને તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નુકશાન પણ ઘણું થાય છે. હાલમાં શો રૂમમાં રાત્રિના સુમારે લાગેલી આગમાં પાલિકાનું એક પણ ફાયર ફાયટર કામમાં આવ્યું નહતું. જેથી આગ વધુ પ્રસરી હતી અને શો રૂમના માલીકને વધુ નુકસાન થયું હતું.

સંતરામપુર પાલિકાના સત્તાધિશોની મુદત પુરી થવામાં છે અને હાલ ચૂંટણીના કોઇ અણસાર ન દેખાતાં વહીવટદાર નિમાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જેથી પાલિકાના સત્તાધિશો હાલ ફાયરની સુવિધા આપવામાં ઉદાસીનતા ભરેલી નીતિરીતિ અને ફાયરફાયટરો બગડેલા પડી રાખીને ત્વરીત રીપેરીંગ નહીં કરાવતા નગરપાલિકાના વહીવટ પ્રત્યે રોષ ભડકી રહ્યો છે. આ ઘટનાની સીએમઓ સુધી અને કલેક્ટર મહીસાગર સુધી રજુઆતો કરાતાં પરિસ્થીતી સમજીને કલેક્ટર દ્વારા લુણાવાડા નગરપાલિકાનો એક ફાયરફાયટર સંતરામપુર નગરપાલિકાને ફાળવી આપ્યો છે.

દવાનો છંટકાવ કરવાનુંં ટેન્કર કેમ ન મોકલ્યું ?
સંતરામપુર નગરપાલિકા દ્વારા કોરોના સમયે દવાનો છંટકાવ કરવા માટે મોટું ટેન્કર પાઇપ, મશીન સાથેનું ખરીદવામાં આવ્યું છે. આ ટેન્કર આગ સમયે પાલિકા મોકલી શકી હોત. પરંતુ આવા કપરા સમયે સત્તાધિશોએ અગમ્ય કારણોસર ટેન્કર નહીં મોકલીને મનસ્વી વર્તણૂંક દાખવી છે. આવા ગંભીર બનાવમાં પાલિકાની સંપૂર્ણ બેદરકારી અને નિષ્કાળજી બહાર આવી છે. આ અંગે રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા, વડોદરા ઝોન અને કલેક્ટરને રજુઆત કરીને સમગ્ર બનાવમાં તલસ્પર્શી તપાસ કરાવીને આ ગંભીર બનાવમાં સંતરામપુર નગરપાલિકની બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.

સંતરામપુર પાલિકા દ્વારા ફાયર સ્ટાફની ભરતીમાં લાલીયાવાડી
સંતરામપુર પાલિકા દ્વારા ફાયર ફાયટર માટે ભરતી પ્રક્રિયા રાતોરાત હાથ ધરવામાં આવી છે. પરંતુ તેમાં ગોલમાલ થાય તેવી શંકાઓ ઉઠી છે. આ ભરતીમાં ફાયરમેનનો કોર્સ કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાના બદલે માત્ર હેવી લાયસન્સ હોય તેને ભરતી માટે લાયક ગણતાં ગણગણાટ થઇ રહ્યો છે. હાલ ફાયરફાયટર ડ્રાયવરની ભરતીની જાહેરાત આપી છે, તેમાં ફાયરમેનનો કોર્સ કરેલા અનુભવી ડ્રાયવરની ભરતી થાય તે જરુરી છે. માત્રને માત્ર હેવી વાહન ચલાવનાર અને હેવી લાયસન્સ ધરાવનારની એકલાની ભરતી થાય તે યોગ્ય ન હોઈ. તેથી ફાયરમેનના અનુભવીને હેવીલાયસનસ ધરાવનારની ભરતી થાય તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top