Charchapatra

દેશનું લોકશાહી માળખું જળવાઇ રહેવું જોઇએ

સમગ્ર દેશ અને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દરેક રાજકીય પક્ષનું અંતિમ ધ્યેય મુખ્યત્વે સત્તાપ્રાપ્તિ જ રહે છે, જેને માટે એમના ઘોષણાપત્રમાં અનેક પ્રકારની લોભામણી જાહેરાતો અને વચનો દોહરાવતા રહે છે. લગભગ બધા જ રાજકીય પક્ષો ચૂંટણી પ્રક્રિયાના સમગ્ર સમય દરમિયાન અનેક પ્રકારની લોકહિતની વાતો કરી મતદાતાઓને પોતાના પક્ષ તરફ આકર્ષવાની જાહેરાતો કરી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થવા માંડ્યાં છે. આઝાદીનાં પંચોતેર વર્ષ દરમિયાન આપણે જોયું અને અનુભવ્યું છે કે ચૂંટણી પતી ગયા પછી કોઇ પક્ષ, પક્ષના નેતા કે મતદાતાઓમાંથી ભાગ્યે જ  કોઇ એ ઘોષણાપત્રને યાદ કરે કે કરાવે છે. 

ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ એમનું મોદીની ગેરંટી નામનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. જેનું મથાળું સ્પષ્ટપણે દર્શાવે છે કે એક રાષ્ટ્રીય પક્ષ કરતાં પણ વધુ એક વ્યક્તિકેન્દ્રી ઘોષણાપત્ર વધુ જણાતું હતું. આ મથાળું જોતાં વિચાર આવ્યો કે બી.જે.પી. નેતાગણમાં એવો કોઇ નેતા નથી રહ્યો કે જે એક વિચારધારા આધારિત રાષ્ટ્રીય પક્ષને વ્યક્તિકેન્દ્રી પક્ષમાં રૂપાંતર કરવાના દેખીતા પ્રયત્નો સામે વિરોધ ન નોંધાવી શક્યો? આ ઉપરાંત એવો પણ વિચાર આવે છે કે આ ઘોષણાપત્રનું શીર્ષક ભવિષ્યમાં દેશને લોકશાહીમાંથી અન્ય શાહીમાં રૂપાંતરિત કરવાની શરૂઆત/કરવાની નિશાની કે સૂચન ન હોઇ શકે?

આવો વિચાર એ સંજોગોમાં પણ આવે છે કે સત્તાધારી પક્ષ કોઇ પણ પ્રકારના વિરોધી સૂર  કે જે લોકશાહીનું હાર્દ છે એને સાંખી નથી શકતો એવું ઘણી વાર જોવા મળ્યું છે. સાંસદો કે વિધાનસભ્યો દ્વારા સરકારની અયોગ્ય લાગતી નીતિઓનો સકારાત્મક વિરોધ કરવો એ લોકોએ એમના હિતની જાળવણી માટે ચૂંટેલા સાંસદો કે વિધાનસભ્યોની મૂળભૂત ફરજ છે. આજ લોકો લોકહિત કે રાષ્ટ્રહિતના પ્રશ્નો ઉઠાવવાથી દૂર રહેશે કે કરવામાં આવશે તો લોકશાહીનો મૂળભૂત હેતુ જ મરી પરવારશે. આપણે ઇચ્છીએ અને આશા રાખીએ કે ઘણી લાંબી લડત પછી લોકોને પ્રાપ્ત થયેલ લોકતંત્ર સુપેરે વધુ મજબૂતાઇથી જળવાઇ રહે. અલબત્ત જ્યારે પણ  આ પ્રકારના પ્રયત્નો થયા છે ત્યારે દેશનાં મતદાતાઓએ એમની સૂઝબૂઝનો પરિચય આપ્યો જ છે જેનો ઇતિહાસ સાક્ષી છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top