SURAT

સુરત રેલવે સ્ટેશન નજીક આગ લાગતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા, 45 મિનિટ સુધી…

સુરત: આજ રોજ બપોરે સુરત રેલવે સ્ટેશનથી ઉત્રાણ તરફની દિશામાં એક કિલોમીટરના અંતરે સુમુલ ડેરી પાસે રેલવે ટ્રેકની બાજુમાં ઝાડીઓમાં આગ લાગતા રેલવેના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. રેલવેના કર્મચારીઓ અને આસપાસના લોકોએ 45 મિનિટ સુધી મહેનત કરીને આગને કાબુમાં કરી હતી.

રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશનેથી ઉત્રાણ રેલવે સ્ટેશન તરફ જતી વખતે એક કિલોમીટરના અંતરે સુમુલ ડેરી પાસે આજ રોજ બપોરે દોઢેક વાગ્યાના સુમારે ઝાડીઓમાં આગ લાગી હતી. જીઆરપીના કોન્સ્ટેબલ સંજયભાઈ અને રણજીતભાઈએ આ ઘટના અંગે સ્ટેશન સુપરિન્ટેડન્ટ એ.કે. વર્માને જાણ કરી હતી. એ.કે. વર્માએ ચીફ હેલ્થ ઇન્સ્પેક્ટર કૌશિકભાઈને જાણ કરીને તાત્કાલિક ઘટના સ્થળ પર જઈને આગને કાબુમાં કરવાની સુચના આપી હતી.

કોશિકભાઈ કોન્ટ્રાક્ટના સ્ટાફને લઈને ઘટના સ્થળ પર ગયા હતા. ઝાડીઓમાં આગ આશરે 100 મીટર સુધી ઉત્તર-દક્ષિણ બંને છેડે ફેલાઈ ગઈ હતી. ત્યાં આસપાસના લોકોની મદદથી તેમની પાસેથી જ પાણી મેળવીને આગને કાબુમાં કરી હતી. સ્ટેશન માસ્ટર પી.કે શર્મા પણ ઘટના સ્થળ પર આવી ગયા હતા. આગના કારણે રેલવે ટ્રેક પર અને તેની આસપાસ ધુમાડો ફેલાઈ ગયો હતો. વિઝિબિલીટી ઓછી થઈ ગઈ હતી. જોકે તે સમયે કોઈ ટ્રેનની અવર-જવર ન હોવાથી ટ્રેન વ્યવહારને કોઈ અસર થઈ ન હતી.

સુમુલ ડેરી રોડના એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ફસાયેલાં વૃદ્ધાને બચાવી લેવાયા
સુરત : સુમુલ ડેરી મેઈન રોડની એક બિલ્ડિંગના ચોથા માળે આગ લાગવાની ઘટનાને લઇ ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ફ્લેટમાં એક વયોવૃદ્ધ મહિલા ફસાયા હતા જેઓને રેસ્ક્યુ કરી લેવાયા હતાં. આગ લાગવાથી બિલ્ડિંગના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં ઘટના સ્થળે કતારગામ, માનદરવાજા અને ઘાંચી શેરીની ફાયર હાઇડ્રોલિક ક્રેઇન અને ટેન્કરો સહીતનો ફાયર ફાયટરોનો કાફલો ધસી ગયો હતો અને આગ ઓલવવાની જહેમતમાં લાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ સુમુલ ડેરી મેઈન રોડ ઉપરના આશિયાના બિલ્ડિંગમાં બુધવારે રાત્રે 8:30 વાગે આગ લાગવાની ઘટના બની હતી. બી વિંગના ચોથા માળના ફ્લેટમાં એસીમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ ભડકી હતી. આ ઘટનાના સમયે ફ્લેટમાં રહેતા 75 વર્ષીય હેમલતા બેન મહેતા એકલા જ હતાં. તેમણે આગ લાગવાથી બૂમાબૂમ કરી દીધી હતી. જેથી તેમના પડોશીઓએ આગની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. જેથી કતારગામ, કાપોદ્રા અને ઘાંચી શેરીના વોટર ટેન્કર થતા હાઇડ્રોલિક ક્રેન સહીતના ઉપકરણો સાથેના ફાયરની ટીમ તાત્કાલિક જ ઘટના સથળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચેલા ફાયર વિભાગના અધિકારી ઠાકોર ભાઈએ જણાવ્યું હતું કે, હાઇડ્રોલિક ક્રેઈનના ઉપકરણથી ફાયર ટીમે ફ્લેટમાં ફસાયેલી મહિલાને રેસ્ક્યુ કરવાની કવાયત શરૂ કરી હતી અને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લઇ લીધી હતી. આગ લાગવાથી પીઓપી, ફર્નિચર અને ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. જો કે, આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Most Popular

To Top