Sports

ભાલા ફેંક ખેલાડી અનુ રાની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

યૂજીન: ભારતની (Indian) મહિલા (Women) ભાલા ફેંક ખેલાડી અનુ રાનીએ ગુરૂવારે અહીં પોતાના અંતિમ પ્રયાસમાં 59.60 મીટર ભાલો ફેંકીને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની (World Athletics Championships) ફાઇનલ (Final) માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. અનુ પર શરૂઆતમાં જ બહાર થવાનું જોખમ તોળાયું હતું, કારણકે તેનો પહેલો પ્રયાસ ફાઉલ થયો હતો અને બીજા પ્રયાસમાં તે 55.35 મીટર સુધીનો જ થ્રો કરી શકી હતી. અંતે તે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે જરૂરી 59.60 મીટર સુધીનો થ્રો કરવામાં સફળ રહી હતી.

અનુ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ગ્રુપ બીમાં પાંચમા સ્થાને રહી હતી અને તેણે બંને ગ્રુપમાં આઠમાં શ્રેષ્ઠ પ્રયાસના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ 29 વર્ષિય નેશનલ રેકોર્ડ હોલ્ડર 60 મીટર સુધી પહોંચી શકી નહોતી પણ તેની પાસે શનિવારે થનારી ફાઇનલમાં પોતાના પ્રદર્શનને સુધારવાની તક રહેશે. આ સિઝનનું તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 63.82 મીટર છે. બે કેટેગરીમાં 62.50 મીટર અથવા 12 સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. માત્ર ત્રણ સ્પર્ધક જ 62.50 મીટરના ક્વોલિફાઇંગ માર્કને મેળવી શક્યા હતા.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અનુ રાની બીજીવાર ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ
ભારતની અનુ રાની ભાલા ફેંકમાં ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહી છે અને સતત બીજીવાર તે આ સ્પર્ધાની ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ છે. 2019માં તે દોહામાં રમાયેલી પાછલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 61.12 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં આઠમા સ્થાને રહી હતી.

નીરજ ચોપરા આજે વહેલી સવારે ભાલા ફેકના કવોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે
ભારતનો ઓલિમ્પિક્સ ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા શુક્રવારે ભારતીય સમય અનુસાર સવારે 5.25 વાગ્યે પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડના ગ્રુપ એમાં ભાગ લેશે. ટોક્યો ઓલિમ્પિક્સના સિલ્વર મેડલિસ્ટ ચેક પ્રજાસત્તાકના જાકુબ વાલદેચ અને લંડન ઓલિમ્પિક્સ 2012ના ગોલ્ડ મેડલિસ્ટ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના કિશોન વોલકોર્ટ પણ તેના જ ગ્રુપમાં છે. ક્લોલિફિકેશન રાઉન્ડ પછી ફાઇનલ રવિવારે યોજાશે.

પારૂલ ચૌધરી 5000 મીટરની દોડમાં 17માં સ્થાને રહી ફાઇનલમાં સ્થાન મેળવતા ચુકી
મહિલાઓની 5000 મીટરની દોડમાં ભારતની પારૂલ ચૌધરી હીટ નંબર 2માં 15 મિનીટ 54.03 સેકન્ડના સમય સાથે 17માં અને કુલ 31માં સ્થાને રહીને ફાઇનલમાં સ્થાન મેળવી શકી નહોતી. પોતાની પહેલી જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પારૂલ ફાઇનલ સુધી પહોંચી નહોતી પણ તેના પરિવારે એવો મત દર્શાવ્યો હતો કે પહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે અને હવે પછી તે આનાથી સારું કરશે.

Most Popular

To Top