Charchapatra

ફિલ્મ- ટી.વી.થી સંસ્કારસમૃધ્ધિ નહીં આવે

પહેલાં વ્યક્તિને સંસ્કાર તેનાં માતા-પિતા અને શિક્ષકો તરફથી મળતા, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓ પછી વ્યક્તિને ફિલ્મ- ટી.વી., મોબાઈલ વિગેરેથી વિચારો મળવા લાગ્યા છે. પહેલાં શબ્દ-હરીફાઈઓ યોજાતી, તેમાં લેખકોના જાણવા જેવા અનુકરણીય વિચારો પ્રસિધ્ધ થતા. ઝાંપા બજાર મેઈન રોડ રાંદેરવાલા હાડવૈદ્યની બાજુમાં એક દુકાન હતી. ત્યાંથી હજારોની સંખ્યામાં ફોર્મ વેચાતાં કે વહેંચાતાં. ગમે તેમ પણ વ્યક્તિ વિચાર કરતી. વાક્યોના અર્થ સમજતી અને પોતાના યોગ્ય લાગે એવા વિચારોનો અમલ પણ કરતી. દૈનિકો, સામયિકો પણ, સારા વિચારો, સંસ્કારોના લખાણો પ્રગટ કરતાં, તેમાં ‘‘ગુજરાતમિત્ર’’શ્રેષ્ઠ હતું.

ઘણી વાર સબ-એડીટર મથાળાં બાંધીને પણ વાચકની રુચિ જગાડતાં અને હેવાલો વાંચવા ફરજ પાડતાં. અમારા જીવનમાં ‘ગુજરાતમિત્ર’નો ફાળો વિશાળ છે. આવા સંસ્કારની બે ઘટના મારા જીવનમાં બની ગઈ. પ્રથમ ઘટનાનું સ્થળ: આનંદમહેલ રોડ પર એક મહિલા ડેન્ટીસ્ટનું દવાખાનું. તા.12-03-2022 મારે એક દાઢ કઢાવવી હતી. મારા પૌત્રને સાથે લઈ ગયો. દાઢ નીકળી. હું સ્પોર્ટસ શુઝ પહેરી ગયેલો, તેથી દાક્તરના વેઈટીંગ રૂમમાં ખુરશી પર બેસી દોરી બાંધવા બેઠો, પરંતુ ટાઈલ્સ લીસી કે ખુરશી સ્થાયી રહે નહીં એટલે મારો પૌત્ર મારા પગ પાસે પલાંઠી મારી બેસી ગયો અને દોરી બાંધવા લાગ્યો. દાક્તર સાહેબ પોતાના ટી.વી. પર્દા પર આ જોતા હશે એટલે બહાર આવ્યા અને પૌત્રને ઉદ્દેશી બોલ્યા ‘‘દાદાનો બહુ ડાહ્યો દીકરો છે.’’પૌત્રના આ ઉમદા સંસ્કાર હતા. બીજી ઘટના તા. 6-11-2022ના રોજ ઉર્દૂ-હિન્દીના કવિ શાહજહાં ‘સાદ’ની ખબર કાઢવા તેમને ઘેર રાંદેર રોડ ગયો. ત્યાં ખબર કાઢી વાતો કરતા હતા.

વાતમાં તેમની મોટી દીકરી જે પી.એચ.ડી. કરે છે તે પણ સામેલ થઈ. હું રવાના થતો હતો. જોડા પહેરવા પગ તેમાં મૂક્યો, પરંતુ જગ્યાની અનુકૂળતા ન હોઈ, બુટની દોરી બંધાતી ન હતી. પેલી દીકરી જે વળાવવા પાસે ઊભેલી તે કહે, ‘‘ઊભા રહો અંકલ, હું દોરી બાંધી દઉં છું.’’હવે આ પી.એચ.ડી વાળી દીકરી પાસે આવી સેવા લેવાતી હશે? મેં ગમે તેમ કરી પગ જોડામાં નાંખ્યો. દોરી બહાર લટકવા દેવાનું જોખમ લઈ સ્કુટર પર પગ મૂકી દોરી બાંધી. પરંતુ આ પી.એચ.ડી કરતી દીકરીના સંસ્કાર હૃદયને સ્પર્શી ગયા. સંસ્કાર એ સમૃધ્ધિ છે. તે પેદા કરવી જોઈએ અને જે સંસ્કારસમૃધ્ધિ પેદા થઈ હોય, તે જાળવી રાખવી જોઈએ.
સુરત     – ભરત પંડ્યા       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્મિત
ચહેરાના હાવભાવથી પણ વ્યક્તિત્વને ઓળખ મળે છે. મન-હૃદયના ભાવ ચહેરા પર પ્રગટ થાય છે. હર્ષ-ખુશી, દુઃખ-દર્દ, ડર-ભયની છાપ અલગ અલગ ઉજાગર થતી હોય છે. કેટલાક વ્યક્તિના ચહેરા ધીર-ગંભીરતા પ્રગટ કરે તો કેટલાકના ચહેરા હસમુખા દેખા દે છે. કટાક્ષયુક્ત ભાવની પણ ઓળખ મળે. ફોટોગ્રાફર કહે, ‘સ્માઈલ પ્લીઝ’ તો પણ હાસ્ય ન આવે એમ પણ બને. સારી તસવીર માટે હાસ્ય આવકાર્ય બને. દરેક વ્યક્તિને હસવાનો અંદાજ પણ જુદો જુદો હોય છે. આજે જે વાત કરવી તે એ છે કે, કેટલીક વ્યક્તિના ચહેરા પર હંમેશ હાસ્ય રહે છે, જે બીજા વ્યક્તિને પ્રોત્સાહન આપે છે. એવું કામ કરીએ કે બીજાના ચહેરા પર સ્મિત જોઈ શકીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top