Business

2011ની સરખામણીએ આ વખતે ઇમ્પેક્ટ ફીના દરોમાં 50 ટકાનો વધારો : ઘરેબેઠા અરજી કરી શકાશે

સુરત: ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ રાજ્ય સરકાર દ્વારા વધુ એક વખત ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટના (Impact) કાયદાને પગલે લાખો મિલકતદારોને સીધો લાભ થશે. અલબત્ત, ૨૦૧૧ની તુલનામાં મિલકતદારોએ ઈમ્પેક્ટ ફી માટે વધારે રકમ ચૂકવવાનો વારો આવશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ઈમ્પેક્ટના વટહુકમમાં ૨૦૧૧ની તુલનામાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય રેસિડેન્સમાં પાર્કિંગની જગ્યા માટે જંત્રીના ૧૫ ટકા અને નોન-રેસિડેન્સમાં પાકિંગની જગ્યા વાપરવા બદલ ૩૦ ટકા જંત્રીની રકમ નક્કી કરવામાં આવી છે. આ સિવાય પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા રેરા હેઠળ જે પ્રોજેક્ટ્સને નોટિસ પાઠવવામાં આવી છે તેવાં બાંધકામોને ઈમ્પેક્ટના કાયદા હેઠળ આવરી લેવામાં આવશે નહીં.

સને-૨૦૦૧ અને ૨૦૧૧ બાદ વધુ એક વખત આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગત ૧૭ ઓક્ટોબરના રોજ ઈમ્પેક્ટનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. સુરત સહિત રાજ્યભરમાં લાખો ગેરકાયદે મિલકતદારો ઈમ્પેક્ટના કાયદાને પગલે પોતાની મિલકતો કાયદેસર કરાવવા માટે દોડધામ કરી રહેલા નજરે પડી રહ્યા છે. ત્યારે હવે આ અંગેની નીતિ-નિયમો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. ઈમ્પેક્ટના વટહુકમમાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૧ ઓક્ટોબર-૨૦૨૨ પહેલાનાં બાંધકામોને ઈમ્પેક્ટનો લાભ મળશે અને આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અલબત્ત, આ વખતે ઈમ્પેક્ટની ફીમાં સરકાર દ્વારા ચોક્કસપણે વધારો કરવામાં આવ્યો છે. પાર્કિંગ સિવાયનાં ગેરકાયદે બાંધકામો માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફીમાં ગત વર્ષની તુલનામાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ ૫૦ સ્ક્વેર મીટર સુધીનાં બાંધકામો માટે ૩ હજાર રૂપિયા, ૫૦થી ૧૦૦ સ્ક્વેર મીટર માટે ૩ હજાર વત્તા ૩ હજાર રૂપિયા, ૧૦૦ સ્ક્વેર મીટરથી ૨૦૦ સ્ક્વેર મીટર સુધી માટે ૬ હજાર વત્તા છ હજાર હજાર રૂપિયા અને આ રીતે જ ૨૦૦ સ્ક્વેર મીટરથી ૩૦૦ સ્ક્વેર મીટરનાં બાંધકામો માટે ૧૨ હજાર રૂપિયા સહિત છ હજાર રૂપિયા વધારાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

આ સિવાય ૩૦૦ સ્ક્વેર મીટરથી વધુનાં ગેરકાયદે બાંધકામો માટે ૧૮ હજાર રૂપિયાની ફી સાથે પ્રત્યેક સ્ક્વેર મીટર દીઠ ૧૫૦ રૂપિયા વધારાના ચૂકવવાના રહેશે. આ રીતે જ પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરનારાઓએ પણ ૨૦૧૧ની તુલનામાં ૫ ટકા વધારે રકમ ચૂકવવાની રહેશે. ૨૦૨૨ના ઈમ્પેક્ટના કાયદા હેઠળ રેસિડેન્સમાં પાર્કિંગનો વપરાશ કરનારા મિલકતદારોએ જંત્રીના ૧૫ ટકા, જ્યારે નોન-રેસિડેન્સ મિલકતદારોએ જંત્રીના ૩૦ ટકા ફી ભરવાની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઈમ્પેક્ટના કાયદાના અમલ માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને પગલે ઈમ્પેક્ટનો લાભ લેનારા મિલકતદારોએ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ અંગે વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર ઈમ્પેક્ટનો લાભ લેવા ઈચ્છુક અરજદારોએ ઈ-નગર પોર્ટલ પર લોગ ઈન કર્યા બાદ અરજીપત્રક અને તેને આનુસાંગિક દસ્તાવેજો-પુરાવાઓ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે અને આ માટેની નિર્ધારિત ફીની ચૂકવણી પણ પોર્ટલ મારફતે જ કરવાની રહેશે. ઈમ્પેક્ટના કાયદાનો ઓનલાઈન અમલ કરવાને કારણે અરજદારોને પહેલી વખત સરકારી કચેરીઓમાં ધક્કા ખાવામાં નિશ્ચિતપણે મુક્તિ મળશે.

Most Popular

To Top