Gujarat Main

કચ્છ હાઇવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, ડિવાઈડર કુદી કાર ટ્રક સાથે અથડાઈ, એક જ ગામના ચાર યુવાનોના મોત

સુરેન્દ્રનગર(Surendranagar): અમદાવાદથી કચ્છ જતા હાઈવે (AhmedabadKutchHighway) પર આજે તા. 7 ડિસેમ્બરની સવારે ભયાનક અકસ્માત (Accident) થયો હતો. અહીં આઈશર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં એક જ ગામના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત ધ્રાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે થયો હતો. હળવદ તાલુકાના ચાર જણા ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગ આટોપીને ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે કુડા ચોક્ડી પાસે તેઓને કાળ આંબી ગયો હતો. આ ચાર લોકોની કાર કુડા ચોકડી પાસે પહોંચી ત્યારે ડિવાઈડર કૂદીને સામેથી આવતી આઈસર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે જ કારમાં બેઠેલાં ત્રણના મોત નિપજ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્રણ જણા સારવાર હેઠળ છે. એક જ ગામના ચાર યુવાનોના મોત થતા ગામ હિંબકે ચઢ્યું છે.

ઈજાગ્રસ્તોને 108 માં તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ દોડી ગઈ હતી. મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ : કાનજીભાઈ ભૂપતભાઈ (ઉં.વ.17), ઉમેશભાઈ જગદીશભાઈ (ઉં.વ. 15), કરશનભાઈ ભરતભાઈ (ઉં.વ. 24), કિરણભાઈ મનુભાઈ સુરેલા (ઉં.વ.17 તમામરહે. ગોલાસણ ગામ તાલુકો હળવદ)

ઈજાગ્રસ્તોના નામ : અમીતભાઈ જગદીશભાઈ, કાનાભાઈ રાયધનભાઈ સુરેલા, સુરેશભાઈ શંભુભાઈ ધામેચા

Most Popular

To Top