SURAT

સુરતમાં શ્વાનનો આતંક: બૂમાબૂમ થતાં બચી ગઈ નહીં તો ઘરઆંગણે જ 6 વર્ષની બાળકીને રખડું શ્વાન ફાડી..

સુરત(Surat): શહેરમાં રખડતાં કૂતરાંઓનો (StrayDog) ત્રાસ હજુ ઓછો થયો નથી. આજે લિંબાયત વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર રખડતાં શ્વાને હૂમલો (DogAttack) કર્યો હોવાની ઘટના બની છે. ઘર આંગણે રમતી બાળકી પર રખડતા શ્વાને હુમલો કરતા ફળિયામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પરિવારે જણાવ્યું હતું કે દીકરીએ બુમાબુમ ન કરી હોત તો શ્વાને તેને ફાડી ખાધી હોત.

પીડિત બાળકીના પિતા જાફર મસ્જિદ મન્સૂરીએ જણાવ્યું હતું કે, પોતે પરિવાર સાથે લિંબાયતના સુભાષ નગરમાં રહે છે. ગઈકાલે રાત્રે ત્રણ બાળકો પૈકી 6 વર્ષની સમૈયા ઘર આંગણે અન્ય બાળ મિત્રો સાથે રમી રહી હતી. ત્યારે અચાનક ત્યાં રખડતું શ્વાન આવી ગયું હતું અને રમતી સમૈયા પર હુમલો કરી દીધો હતો. શ્વાને સમૈયાના ગાલને કરડી ખાધું હતું. તેથી સમૈયાએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના મોઢામાં ફસાયેલી સમૈયાને છોડાવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે દીકરીના ગાલમાં શ્વાને દાંત ઘુસાડી દીધા હતા. શરીરના અન્ય કોઈ અંગ પર બાચકા ભર્યા નથી. સમયસર દીકરી ને લોકોની મદદ મળી રહેતા જીવ બચી ગયો હતો. જો થોડું મોડું થયું હોત તો શ્વાન મારી દીકરીને ફાડી ખાધી હોત. બાળકીના પિતાએ વધુમાં કહ્યું કે તાત્કાલિક નજીકના ડોક્ટર પાસે સમૈયાને લઈ ગયા હતા. ખાનગી ડોક્ટરે સમૈયાને સિવિલમાં લઈ જવાની સૂચના આપી હતી. સિવિલના ટ્રોમાં સેન્ટરમાં ડોક્ટરોએ નાની સર્જરી કરવી પડે એવી આશા વ્યક્ત કરી હતી. જોકે હાલ સમૈયાને ડોક્ટરો ચેક કરી રહ્યા છે.

લિંબાયતની સોસાયટીમાં શ્વાન બીજા લોકોને કરડવા પ્રયાસ કર્યો
બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે ઘટના બાદ શ્વાન આખી સોસાયટીમાં બધા પાછળ દોડીને બાચકા ભરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારા ભાભી પણ બચી ગયા હતા. ત્રણ સંતાનોમાં તનીયા (ઉ.વ.13), દનીયાલ (ઉ.વ.8) અને નાની દીકરી સમૈયા છે. સમૈયા ધોરણ-1માં અભ્યાસ કરે છે. હાલ તબિયત સારી છે. પોતે ઓટો રીક્ષા ડ્રાઇવર છે.

Most Popular

To Top