Charchapatra

ખેડૂત આંદોલન

ખેડૂતો ફરી વખત રસ્તે ઊતરેલા છે.  મોદી સરકાર કોઈ પણ આંદોલનને નિર્દયપણે કચડી નાખવા માટે જાણીતી છે.  કોઈ પણ આંદોલન કરવા પાછળનો હેતુ કંઈક ને કંઈક “માંગણી” હોય છે,  પરંતુ અગાઉના ખેડૂત આંદોલનમાં અજાયબ વાત એ હતી કે સરકાર ત્રણ કૃષિ કાનૂન ખેડૂતોને આપવા (થોપવા) માંગતી હતી,  જે ખેડૂતોને મંજૂર ન હોઈ આંદોલન કરવા રસ્તે ઊતરેલા.  અગાઉનું આંદોલન ત્રણ શરતોએ સમેટાયેલું.  એક એમ.એસ.પી. નક્કી કરવાની, બે આંદોલન દરમિયાન ખેડૂતો પર થયેલા કેસો પરત લેવાના અને ત્રણ મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર ચૂકવવાનું,  પરંતુ આજકાલ બહુ ઉછળતો શબ્દ (ઝૂમલો) “મોદી કી ગેરંટી” અગાઉના ખેડૂત આંદોલનમાં પ્રચલિત ન હતો, એટલે ત્રણ શરતોનું પાલન ન થતાં, ખેડૂતોએ પુનઃ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો.

અગાઉના ખેડૂત આંદોલનમાં લગભગ 700 જેટલા ખેડૂતોનો ભોગ, તથાકથિત સંવેદનશીલ મોદી સરકારમાં લેવાયો,  છતાં એ મોદી સરકારે કહ્યું હતું કે,  ખેડૂતો કંઈ અમારા લીધે થોડા મર્યા છે!  અગાઉના ખેડૂત આંદોલનને નિર્દય અને ક્રૂર રીતે કચડી નાખવા માટે મોદી સરકારે જે હથકંડા અપનાવેલા એવા જ પ્રયોગો અત્યારના આંદોલનને કચડી નાખવા માટે પણ કરવામાં આવી રહ્યા છે.  ખેડૂતો દિલ્હીમાં ન પ્રવેશે એટલા માટે બેરીકેટ, રસ્તાઓમાં જાળી,  ખીલા અને આ વખતે ડ્રોન મારફત અશ્રુ ગેસ છોડવા જેવા પ્રયોગો પણ થઈ રહ્યા છે,  જાણે ખેડૂતો આતંકવાદી હોય,  આવું તો ચીન અને પાકિસ્તાન બોર્ડર પર પણ નથી થતું.

અગાઉની ચૂંટણીમાં ડંફાસ મારવામાં આવેલી કે,  સરકાર ખેડૂતોની આવક ડબલ કરશે પરંતુ અત્યારે સીનારીઓ એવો છે કે સરકારે ખેડૂતોને વર્ષે ₹6,000 નું (ફક્ત)  રાહત પેકેજ આપવું પડે છે.  કોઈ પણ ઉત્પાદનની કિંમત ઉત્પાદક જ નક્કી કરતાં હોય છે, તો પછી ખેડૂતોએ પણ પોતાના ઉત્પાદનની કિંમત જાતે જ નક્કી કરવી જોઈએ.  જો ખેડૂતો આંદોલન માટે એકત્રિત થઈ શકતાં હોય,  તો પોતાનું ઉત્પાદન ઉપભોક્તા સુધી પહોંચાડવા માટે સંગઠિત થાય તો પોષણક્ષમ ભાવ જ નહીં,  પણ નફાકારક ભાવ પણ મળી શકે એમ છે. આવું થાય તો સરકાર પાસે એમ.એસ.પી. માંગવાની જરૂરત જ ઊભી ન થાય.
સુરત-    પ્રેમ સુમેસરા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top