આખરે 27 દિવસ બાદ કોરોનાના કેસનો આંક 1000ની નીચે, નવા 903 કેસ નોંધાયા

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે. અગાઉ કોરોનાની બીજી લહેર શરૂ થતા જ કોરોનાના કેસમાં સતત વધારો જ થતો ગયો હતો. ફેબ્રુઆરી માસમાં કોરોનાના કેસ પ્રતિદિન 50થી પણ ઓછા નોંધાતા હતા. પરંતુ બીજી લહેરમાં કેસ રોજ વધવાની સાથે નવા રેકોર્ડ જ બનતાં રહ્યાં. એક તબક્કે રોજિંદા કેસનો આંક 2000થી પણ વધુ નોંધાતો હતો. પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં શુક્રવારે સુરતમાં કોરોનાના 1000થી પણ ઓછા કેસ નોંધાયા હતા. કેસનો આંક 1000થી ઓછો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

છેલ્લે 10મી એપ્રિલે 913 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને શુક્રવારે છેક 27 દિવસ બાદ શહેરમાં 1000થી ઓછા 903 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને શહેરમાં કુલ આંક 99,367 પર પહોંચ્યો છે. તેમજ વધુ 8 મોત સાથે કુલ મૃત્યુઆંક 1487 પર પહોંચ્યો છે. તો બીજી બાજુ શહેરમાં વધુ 1670 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 85,748 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 86.29 ટકા પર પહોંચ્યો છે.

કયા ઝોનમાં કેટલા કેસ?

ઝોન કેસ

સેન્ટ્રલ 70
વરાછા-એ 64
વરાછા-બી 62
રાંદેર 233
કતારગામ 115
લિંબાયત 72
ઉધના 74
અઠવા 213

Related Posts