Charchapatra

શિષ્ટાચાર , આપણું સંસ્કારી વલણ…..

વિદેશમાં આપણને મેનર્સ અને શિસ્ત વધુ જોવા મળે છે . નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિને તમે મદદરૂપ થાવ એટલે જરૂર આપણા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યા વિના રહેશે નહીં . શિષ્ટાચાર દ્વારા તેઓ સામેની વ્યક્તિનો પ્રેમ જીતી લેતા હોય છે .જ્યારે આપણે ત્યાં કમનસીબી એ છે કે આપણામાંના દરેક જણ આ કલામાં માનતા નથી. આપણે આ બાબતમાં ઘણા જ કંજૂસ છીએ .આભાર માનવો એ માનવતા ની નિશાની છે. પ્રતિભા સંપન્ન, વિલક્ષણ વ્યક્તિ ક્યારેય શિષ્ટાચારની બાબતમાં પોતાનો વિનય , વિવેક કે સૌજન્ય ગુમાવતો નથી .માણસના જીવનમાં કંઈ કેટલાય પ્રસંગો બનતા હોય છે ત્યારે શિષ્ટાચારની તક મળે છે, જે ગુમાવવા જેવી નથી . આપણા શિસ્ત વર્તનથી હકારાત્મક અનુભવ જ થશે એવું નથી . કેટલીય વ્યક્તિઓ વિવેકહીન હોય છે.

તે નકારાત્મક અભિગમથી જ વર્તે છે. સામેની વ્યક્તિની લાગણીને હસી કાઢે છે છતાં આપણે આપણા સંસ્કાર કે નમ્રતા ચૂકવા ન જોઈએ . પ્રસંગ ગમે તે હોય , માફી થી લઈને આભાર, અભિનંદન દિલસોજી સુધીના , સુખ-દુઃખમાં આપણું પ્રદાન સારા આચરણ વાળું હોય તો અલગ જ ઓળખ ઊભી થાય છે .આપણા માટેનો આદર અને લાગણી નો ભાવ ઉભરાય છે. જરૂરી હોય તો સહ્રદય માફી માંગવામાં કે ક્ષમા યાચના માટે ક્ષોભ પણ ન અનુભવો . કામ સરળ નથી પણ સમય વીતી જાય જાય પછી અર્થ વિહીન થઈ જાય છે .

હાલના કોરોના કાળમાં કોરોના ગ્રસ્ત – પથારીવશ વ્યક્તિને , તેમના નિકટના સ્વજનોને , મિત્રોને ખાસ આશ્વાસન ભર્યા શબ્દો, હુંફ, શક્ય હોય તો સહાય કરવી એ પણ શિષ્ટાચાર જ છે . મારી કે અન્ય કોઈની લાગણીઓ, પ્રાર્થના, શુભ વિચારો કે હકારાત્મક અભિગમથી દુ:ખી વ્યકિતનું દર્દ કંઈ દૂર નથી જવાનું ,એવું કયારેય ન વિચારો. આપણે હકારાત્મક ભાવાવરણ તૈયાર કરી, સારાં વાઈબ્રેશન પહોચાડી શુભ ઈચ્છવાનું છે. કર્મ કરવાનું છે. ફળ અંગે ન વિચારો. તો , નથી લાગતું કે શિષ્ટાચારમાં કંજુસાઈ કરવા જેવી નથીનથી !!
સુરત – અરૂણ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top