Gujarat

નર્મદા ડેમમાંથી દરરોજ 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટનું થઇ રહેલું વીજ ઉત્પાદન

ગાંધીનગર : નર્મદા (Narmada) જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૫મી જુલાઇ, ૨૦૨૨ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે ૧૨૬.૬૬ મીટરે નોંધાઇ છે. અને દર કલાકે ૧૦ થી ૧૨ સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે ડેમમાં ૧.૩૦ લાખ ક્યુસેક પાણીના (Water) જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૬૧૦૧.૩૨ મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલો છે. છેલ્લા એક સપ્તાહથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન (Electricity production) થઇ રહ્યું છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં ૦.૫ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ દરરોજ સરેરાશ રૂા.૧૦ લાખની કિંમતનુ ૦.૫ મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૩,૫૦૦ ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

Most Popular

To Top