Gujarat

બધા વિક્રમો તોડી ફરી એક વખત ભાજપાની સરકાર બનશે : અમિત શાહ

ગાંધીનગર : સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. સીએમ પટેલે વધુમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના સોંગદનામાંમાં પોતાની 8.22 કરોડની સ્થાવર – જંગ મિલકત જાહેર કરી હતી. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર સંપત્તિ 4.59 કરોડની દર્શાવી છે. આજે સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અડાલજ ત્રિ મંદિર ખાતે દર્શને ગયા હતા. જ્યાં તેમણે સીમંધર ભગવાનની પૂજા કરી હતી. તે પછી સીએમ પટેલ પ્રભાત ચોક ગયા હતા. અહીં તેમણે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની સાથે રોડ શો યોજ્યો હતો.

ઘાટલોડિયા મધ્યસ્થ કાર્યાલય ખાતે સભાને સંબોધન કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીના ઉમેદવાર પત્રક ભરવા ખૂબ મોટી સંખ્યામાં જુદા- જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. 1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જ્યો છે. ભાજપના કાર્યકરો પર ગુજરાતની જનતાની અસિમ કૃપા રહી છે. જ્યારે ગુજરાતની જનતા સામે બે હાથ ફેલાવ્યા ત્યારે તેમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. 1990થી એક પણ ચૂંટણી કે જે લોકસભાની હોય કે વિધાનસભાની ગુજરાતની પ્રજાએ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે. 2022ની ચૂંટણીમાં પણ જેને જે હિસાબ કિતાબ કરવો હોય તે કરી લે બધા વિક્રમો તોડી ફરી એક વખત ભાજપાની સરકાર બનશે. 1995 થી 2022 આ સમયગાળો માત્ર ગુજરાત નહીં પણ દેશભરના લોકતાંત્રિક ઇતિહાસની અંદર શાસન કેવી રીતે થાય તેનું ઉદાહરણ સાબિત કરવાનો સમય છે.

શાહે કહ્યું હતું કે આ એ જ ગુજરાત છે કે જેણે 1985 થી 1995 સુધી દસ વર્ષ સુધી કોમી હુલ્લથી પીડાતુ, પિખાતી વેદનાનો અનુભવ કર્યો છે. 365 દિવસમાં 250 દિવસ તો કરફ્યુ રહેતો હતો અને આજે 20 વર્ષના છોકરાને ખબર પણ નહી હોય કે કરફ્યુ કોને કહેવાય. પહેલા જે રમખાણોએ ગુજરાતની છબી બગાડી તે રમખાણો હવે ભૂતકાળ થઇ ગયા છે. આજે કોઇની હિમંત નથી કે ગુજરાતમાં કાંકરીચાળો કરે. પહેલા ગુજરાતમાં તૃષ્ટીકરણનો માહોલ હતો. આજે ન્યાયનો માહોલ બનાવવાનું કામ ભાજપે કર્યુ છે. 2013 થી 2022 નો સમય જનતાના વિશ્વાસના આધારે પરિણામ લાવવાનો પ્રયાસ કર્યો છે. ગામડામાં પહેલા સાત કલાકથી વધારે વિજળી નહોતી મળતી. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં આજે 24 કલાક વિજળી મળે છે. કોંગ્રેસની સરકાર પહેલા ગાંધીનગરથી રાજકોટ પાણીની ટ્રેન મોકલતા હતા. ગુજરાતમાં નર્મદા યોજના પુરી કરી અને ગુજરાતમાં ભાજપની સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યુ છે.

કોંગ્રેસ 1990 થી સત્તામાં જ નથી તો કામ કેવી રીતે બોલે : અમિત શાહ
અમિત શાહે જણાવ્યું હતું કે હું ઘાટલોડિયાથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યો છું, આ વિસ્તારને બનતા મે જોયો છે. આજે રસ્તાઓ, બ્રિજ, ગટર, વિજળી, પાણીના કામો આજે ગુજરાતના દરેક શહેરોમાં થયા છે. આજે કોંગ્રેસીઓ દરેક ચૂંટણીમાં કહે છે કે અમારી સરકાર બનશે અને આ વખતે તો બેનરો માર્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે. પણ આ કોંગ્રેસ તો 1990 થી સત્તામાં જ નથી. કામ કેવી રીતે બોલે. ભાજપે કરેલા દરેક કામો પર કોંગ્રેસે તેની જાહેરાતમાં સોનિયાબહેનના ફોટા લગાડી લખી દીધા આ ગુજરાતને કોંગ્રેસ શું સમજે છે ? સોમનાથથી અયોધ્યા યાત્રા લઇ નીકળ્યા હતા અને આખા દેશમાં સંદેશ મોકલ્યો હતો કે મંદિર વહી બનાયેગે. પ્રભુ શ્રી રામના જન્મ સ્થળે ભાજપે મંદિર બનાવ્યુ. કોંગ્રેસ વાળા પાછા આપણને કહે કે મંદિર વહી બનાયેગે તિથિ નહી બતાયેંગે…. પણ કોંગ્રેસીયાઓને કહેજો કે જાન્યુઆરી 2024માં રામ મંદિરના દર્શન કરી શકશે. ભાજપે લોહીનું એક ટીપુ વહાવ્યા વગર મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું છે. ભાજપે જમ્મુ કાશ્મીરથી કલમ 370 ને એક ઝાટકે નાબુદ કરી નાખી. આજે આપણુ કાશ્મીર આન, બાન અને શાન સાથે ભારત માતાના મુગટ મણીની જેમ ભારત સાથે જોડી દીધું છે. ભાજપે ત્રિપલ તલાકનો કાયદો લાવી મુસ્લિમ બહેનોની જીંદગી સુધારી દીધી છે.

Most Popular

To Top