Comments

આર્થિક સામાજિક સંદર્ભનાં પુસ્તકો

વેકેશનમાં વાંચવા માટે પુસ્તકો વિશે ઘણા તજજ્ઞમિત્રો સંદર્ભગ્રંથ ભલામણ કરતા હોય છે. આપણે પણ આજે ઘર-કોલેજોમાં વસાવવા જેવાં તથા સામાજિક આર્થિક બાબતો માટે વક્તવ્ય, શોધપત્ર, સેમિનાર કરવા જતા અધ્યાપકો, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદ કરે તેવાં બે-ત્રણ પુસ્તકો તરફ ધ્યાન દોરવું છે. ખાસ તો આ એવાં સંદર્ભ પુસ્તકો છે, જે ગુજરાતમાં અનેક પ્રકારે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં બધા જ વિષયના વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેમ છે. કારણ કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આર્થિક, સામાજિક, ઐતિહાસિક બાબતો સંદર્ભે પ્રશ્નો પુછાતા હોય છે અને ગુજરાત સરકારનાં વિવિધ ખાતાંઓ માટે જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે મહદ્ અંશે જવાબનો આધાર ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ અને પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનાં પુસ્તકો જ મુખ્ય સંદર્ભ ગણાય છે.

યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડની સ્થાપનાનો મુખ્ય હેતુ જ ઉચ્ચ શિક્ષણ માટે માતૃભાષામાં સંદર્ભગ્રંથો પ્રકાશિત કરવાનો હતો. ગુજરાતભરની કોલેજ લાયબ્રેરીમાં વિવિધ વિષયના સંદર્ભ ગ્રંથો આ યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત પુસ્તકો જ છે. 1970 થી કાર્યરત આ બોર્ડ વચ્ચે થોડા સમય માટે પુસ્તક પ્રકાશનમાં ધીમું પડ્યું, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી ફરીથી તેને વેગવંતું બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. ખાસ તો જૂના, મૂલ્યવાન સંદર્ભગ્રંથો જે અપ્રાપ્ય અને આઉટ ઓફ પ્રિન્ટ હતાં તે પુનર્મુદ્રિત કરીને બહાર પડ્યા છે. માટે જિજ્ઞાસુ શિક્ષકો, અધ્યાપકોને વિનંતી કે ગ્રંથનિર્માણ બોર્ડમાં નવાં પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવે અને જરૂરી પુસ્તકો મેળવે!

સ્પર્ધાત્મક પરીક્ષા અને ગુજરાત સાથે સામાજિક આર્થિક નિસ્બત ધરાવનારા સૌ માટે ‘‘ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ’’વસાવવાની ભલામણ છે. ડૉ. મંજુલાબહેન દવે લેન્ગ લિખિત આ પુસ્તકની 2021 માં જ નવી આવૃત્તિ આવી છે. જે ગુજરાતની પાયાની ભૌગોલિક અને આર્થિક ઓળખાણ મેળવવામાં મદદરૂપ થાય તેમ છે. ઔદ્યોગિક વિકાસ થકી આર્થિક વિકાસનો મંત્ર ભારત જેવા અનેક દેશોએ સ્વીકાર્યો છે ત્યારે ‘‘ઔદ્યોગિક અર્થશાસ્ત્રના પાયાના સિધ્ધાંતો સમજવા ખૂબ જરૂરી છે. ગુજરાતમાં એક માત્ર આધારભૂત પુસ્તક ડૉ. હરજીવન સુથારનું ‘‘ઔદ્યોગિક અર્થશાસ્ત્ર’’હતું. જે ઘણા સમયથી અપ્રાપ્ય હતુ. ગ્રંથનિર્માણ બોર્ડના સત્તાવાળાનું ધ્યાન દોરતાં હવે આ પુસ્તક નવા ટાઈપ સાથે ઉપલબ્ધ થયું છે. અર્થશાસ્ત્ર વિષય ભણાવતી તમામ શાળા કોલેજો માટે ઉપયોગી અને આવશ્યક આ પુસ્તક છે.

સુરતના પ્રકાશક દ્વારા ડૉ. ગૌરાંગ ડી. રાઝી સંપાદિત પુસ્તક ‘‘ગુજરાતનું અર્થતંત્ર’’ગુજરાતના જાહેર જીવનમાં લખતાં, બોલતાં કે શોધ-સંશોધનમાં કામ કરતા સૌ એ રાખવા જેવું છે. આ પુસ્તકોમાં ગુજરાતના જુદા જુદા આર્થશાસ્ત્રના યુવાન અધ્યાપકોએ મહેનતપૂર્વક લખેલા લેખો છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે તેમાં આંકડાઓની આર્થિક માહિતી આધાર-પુરાવા સાથે આપવામાં આવી છે. માટે ગુજરાતના અર્થતંત્રની આ ‘‘હેન્ડબૂક’’છે. આવું જ હેમંતકુમાર શાહનું પુસ્તક ‘ભારતીય અર્થતંત્ર’અને નાની પુસ્તિકા ‘‘આમુખ્ય’’ઉપયોગી સંદર્ભગ્રંથ છે.

શિક્ષણના લેખોની યાત્રામાં આજે આ પુસ્તકો માટે લખવાનું કારણ એ છે કે આજે જાહેર જીવનમાં વાચન-ખાસ તો આધારભૂત માહિતી સાથેનું વાચન ઘટતું જાય છે અને દેશ-પ્રદેશની ચટપટી વાતો દ્વારા વાહ-વાહીનો દોર વધતો જાય છે. ઘણી વાર આર્થિક, સામાજિક સંશોધન કરતા વિદ્યાર્થીએ સાંભળવા કોઈક મળે. અખબારોમાં વાર્તાઓ હોય અને આધારભૂત આંકડા તો કોઈક જૂદું જ કહેતા હોય! આ સંદર્ભે રાજકારણથી ઉપર ઊઠીને ગુજરાતની સાચી ઓળખ કેળવવામાં આ પુસ્તકો મદદ કરશે. અને હા, ગ્રંથનિર્માણ બોર્ડના ગુજરાત અને ભારતના ઈતિહાસ સ્થળો ઓળખ વિષયનાં પુસ્તકો તો છે જ, જે જનરલ નોલેજના પેપરનો આધાર બને છે. શાળા કોલેજોમાં ક્વિઝ માટે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થાય તેવાં આ પુસ્તકો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top