National

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અનુભવાયા ભૂકંપના આંચકા, કેન્દ્રબિંદુ ગ્વાલિયરમાં નોંધાયું

નવી દિલ્હી: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢમાં (Chhattisgarh) શુક્રવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપ સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી (Gwalior) 28 કિમી દૂર હતું. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હોવાનું કહેવાય છે.

દિલ્હી તેમજ ઉત્તર ભારતના ભાગોમાં તીવ્ર ભૂકંપના આંચકા
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના સમાચારો દેશના લગભગ ચારેય ખૂણામાંથી આવી રહ્યા છે. તુર્કી બાદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ ભારત, ચીન સહિતના દેશોમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. તેમને જણાવી દઈએ કે મંગળવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 6.6 તીવ્રતાના ભૂકંપ બાદ મંગળવારે રાત્રે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ભાગોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 10.17 કલાકે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જો કે આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપના આંચકા બાદ રાત્રે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના અહેવાલ મુજબ, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 133 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં હતું, જેની ઊંડાઈ 156 કિમી હતી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 21ના મોત
તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે આવેલા ભૂકંપમાં ભારતમાં કોઈ નુકસાન થયું નથી, પરંતુ ભૂકંપના કારણે શ્રીનગરમાં કેટલાક ઘરોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપના કારણે કેટલાક ઘરોમાં તિરાડ પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભારતમાં ભૂકંપને લઈને કોઈ જાનહાનીનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી. પરંતુ આ ભૂકંપે પાડોશી દેશમાં અનેક લોકોના જીવ લીધા છે. આ સપ્તાહની શરૂઆતમાં મોટા ભાગના પાકિસ્તાન અને પડોશી અફઘાનિસ્તાનમાં આવેલા 6.5ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક ગુરુવારે વધીને 21 પર પહોંચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે દૂરના વિસ્તારોમાંથી વધુ આઠ મૃત્યુ નોંધાયા છે. દક્ષિણ એશિયામાં મંગળવારે આવેલા ભૂકંપમાં અફઘાનિસ્તાનમાં 10 જ્યારે પાકિસ્તાનમાં 11 લોકોના મોત થયા હતા. સેંકડો ઘરોની છત ધરાશાયી થવાને કારણે 130થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. સૌથી વધુ નુકસાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયું છે જે અફઘાનિસ્તાનની સરહદને અડીને છે.

Most Popular

To Top