Business

PTA – MEG પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાગુ નહીં થતાં કાપડ મોંઘુ થતાં અટકશે : ચેમ્બર

સુરત: કેન્દ્ર સરકારે યાર્નનાં રો મટિરિયલ PTA – MEG ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી (Dumping duty) લાગુ કરવાની દરખાસ્ત ફગાવતા સ્થાનિક સ્પિનર્સ, વિવર્સ, ટ્રેડર્સ સહિત સમગ્ર ટેક્સટાઇલ ચેઇન અને એન્ડ યુઝર્સ ગ્રાહકને મોટી રાહત મળી છે. ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR)એ કુવૈત,સઉદી અરેબિયા અને અમેરિકાથી આયાત થતાં રો મટિરિયલ (Raw material) પર 10 થી 20 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાના ચુકાદાને કેન્દ્ર સરકારે ફગાવી દીધો હતો.

આ નિર્ણય લેવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર.પાટીલ, ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશ, ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંહ અને ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશિનો ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ આભાર વ્યક્ત કર્યો છે. બોડાવાલા એ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી સૌથી વધુ લાભ ડોમેસ્ટિક સ્પિનર્સને મળશે.PTA – MEG પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ નહીં થતાં કાપડ મોંઘુ થતાં અટકશે. જો યાર્નનાં મુખ્ય રો મટિરિયલ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગતે તો કાપડ મધ્યમ વર્ગીય લોકોની ખરીદ શક્તિ બહાર જતે.

  • ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સીઆર.પાટીલ અને દર્શના જરદોશનો આભાર વ્યક્ત કર્યો
  • જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગતે તો કાપડ મધ્યમ વર્ગીય લોકોની ખરીદ શક્તિ બહાર જતે

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી જે સ્પીનરો MEG – PTA ખરીદી યાર્ન બનાવતા તેઓ સારી ક્વોલિટીનો એમઇજી-પીટીએ ઈમ્પોર્ટ કરી શકશે અને સારી ક્વોલિટીનું યાર્ન બનાવી શકશે. મોટી કંપનીઓ દ્વારા DGTRમાં 10 થી 20 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લગાવવા અંગેની પિટિશન કરી હતી. એની સામે SGCCI, ફિઆસ્વી, ફોગવા અને વિવિંગ સોસાયટીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ટેક્સટાઇલ ઉદ્યોગના વિશાલ હીત માટે ચેમ્બરે ટેકનિકલી રજૂઆત કેન્દ્ર સરકાર અને ડીજીટીઆરમાં મુકી હતી. ચેમ્બરની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી કમિટી ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી વિવર્સ કરતાં મોટો લાભ યાર્ન ઉત્પાદક ડોમેસ્ટિક સ્પિનર્સને થશે. ભવિષ્યમાં તેઓ રિંગ બનાવી યાર્નનાં ભાવ કૃત્રિમ ઊંચાઈએ નહીં લઈ જાય અને સમગ્ર બજાર ડિમાન્ડ અને સપ્લાય પર રહે તો ટેક્સટાઇલ ચેઇનનું ભવિષ્ય ઊજળું દેખાશે. ચેમ્બર વિસકોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ડીજીટીઆરની ભલામણ સામે પણ કાનૂની લડત આપી રહ્યું છે.

Most Popular

To Top