Columns

દુઃખી મન મેરે… સુન મેરા કહના…

તાની ખુશમિજાજ, આનંદદાયક મનોસ્થિતિની આપણને કિંમત નથી હોતી. પરિણામે નાની નાની ક્ષુલ્લક વાતો પર મનથી દુઃખનો અનુભવ કરતા રહીએ છીએ અને પછી મનથી દુઃખી થઈને ગાઈએ છીએ, ‘‘દુઃખી મન મેરે… સુન મેરા કહના… જાહાઁ નહીં ચેના.. વહાઁ નહીં રહના…’’ અરે ભાઇ! વાસ્તવમાં સૃષ્ટિમાં દુઃખ જેવી કોઈ ચીજ જ નથી. વ્યક્તિની અજ્ઞાનતા જ દુઃખનું કારણ છે. ઘણી વખત જીવન વ્યવહારમાં યથાર્થ સમજને અભાવે આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. દુઃખનું કારણ આપણી સ્વયંની અજ્ઞાનતા. આપણે એ અજ્ઞાનતામય મનને સાચી સમજાદારી સાથે જ્ઞાનસભર વિચારોથી ભરી દઈએ તો..? અજ્ઞાનતાથી ભરેલું પાત્ર ધીરે ધીરે સાચી સમજના વિચારોથી ભરાઈ જશે અને પછી…? દુઃખી વિચારો ગાયબ.

પ્રથમ પગથિયું એ કે આપણે ભૂતકાળને વિચારોથી વાગોળવાનું હંમેશ માટે ભૂલતા જઈએ. ઉભરાઈ ગયેલા દૂધ પર આંસુ સારવાનું બંધ કરીએ. એમાંથી સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવી ભવિષ્ય માટે પુરુષાર્થના પ્રયાસમાં લાગી જઈએ. પ્રગતિના પંથે આગળ વધીએ. બીજું પગથિયું એ કે વ્યક્તિ ભવિષ્યની ચિંતા કરતા પણ દુઃખી થયા કરે છે. ફળની જરા પણ આશા રાખ્યા વગર ‘ગીતા’ના ઉપદેશ અનુસાર પુરુષાર્થરૂપી કર્મ કર્યે જાઓ. બસ સમય પર કર્મફળ અવશ્ય મળશે જ એ સનાતન સત્ય છે. હાથ પર હાથ રાખી બેસી રહેવાથી કે પુરુષાર્થને ખૂણામાં રાખવાથી ક્યારેય કર્મફળ મળવાનું નથી. સાવધાન રહો, સતર્ક બનો.

ત્રીજું પગથિયું એ છે કે તદ્દન મહત્ત્વહીન વસ્તુ-પદાર્થ તરફ માનવીની આસક્તિ પણ દુઃખને આમંત્રણ આપે છે કારણ કે જો તે વસ્તુ ન મળે તો વ્યક્તિ દુઃખી થઈ દેવદાસ જેવો બની બેસે છે. જે વસ્તુ સમય પર ધીરજ રાખવાથી મળવાની જ છે તેની નાહક માનવી ચિંતા કર્યા કરે છે. સકારાત્મક વિચાર પરિવર્તનથી જ છૂટકારો મેળવી શકાય છે. ચોથું પગથિયું છે – ગભરાટમાં વ્યક્તિ દુઃખી થતો રહે છે. ડૉકટરે શરીરનું નિદાન કરી જણાવ્યું કે તમને ગૅસની ટ્રબલ છે, યોગ્ય દવા લેવી જરૂરી છે. ડૉકટરની આ વાતથી તે ભાઈ તો જાણે કે ‘હાર્ટઍટેક’ આવી જશે તો? એવા ભયના ઓથારમાં વધારે બીમાર થવા લાગ્યો. અરે ભાઈ ડૉકટરે જ્યારે ગૅસ ટ્રબલ દૂર થવાની દવા લઈ સારા થઈ જશો એવી હૈયા ધરપત આપી પછી હાર્ટફેઇલ સુધીની વાતથી નાહકના ભયમાં દુઃખી ન થવાય.

પાંચમું પગથિયું એ છે કે માનવી મનથી ઇર્ષાના દાવાનળમાં બળી મરતો અને દુઃખી થતો રહે છે. માનવી જ્યારે પોતાનાથી મહેનત ન થતી હોય અને ઉન્નતિ ન કરી શકતો હોય અને તેનો મિત્ર ખૂબ મહેનતથી સાચા અર્થમાં ઉન્નતિ કરતો હોય ત્યારે ઇર્ષાળુ માણસ ઇર્ષાથી દુઃખી થતો રહે છે. હંમેશાં ઇર્ષાનો અવગુણ મનમાંથી કાઢી નાખવો હોય તો સામેવાળી વ્યક્તિને શુભ ભાવના સાથે તેની ઉન્નતિની શુભકામનાની પ્રેરણા લઈ સ્વયમ્ દિલથી મહેનત કરવા લાગી જાવ. બસ મહેનત કરવાના સમયગાળામાં ઇર્ષાના વિચારો આપોઆપ બાષ્પીભવન થતા જોશો અને આનંદનો અનુભવ કરશો. છઠ્ઠું પગથિયું એ પણ છે કે માનવી પોતાના જ સંસ્કૃતિ કક્ષ દ્વારા વિશાળ હૃદયના માણસને ઓળખી શકતો નથી.

બીજાની નાની-મોટી ભૂલો માટે જરા પણ ક્ષમાભાવ ન રાખવાથી માનવી પોતે જ દુ:ખી થતો રહે છે. આવા સમયે જરૂર છે બીજાની ભૂલોને ક્ષમાદાન આપવાની, વિશાળ હૃદય સાથે ઉદાર મનની. તો જ ધીરે ધીરે કાળક્રમે બદલાની ભાવના ભૂલાતી જશે અને તેની જગ્યાએ ક્ષમાભાવ વહેતો રહેશે. સાચી શાંતિનો અનુભવ કરશો. સાતમું પગથિયું એ છે કે વ્યક્તિ હીન ભાવનાથી ઘેરાયેલો રહેવાથી દુઃખી થતો રહે છે. બીજા પાસે મોટરકાર હોય અને પોતાની પાસે સાઈકલ સવારી હોય, બીજા પાસે સારાં સારાં કપડાં હોય અને તમારી પાસે લઘર-વઘર કપડાં હોય ત્યારે પોતાને હીનતાના ભાવથી દુઃખી અનુભવીએ છીએ. આપણે આપણી વર્તમાન પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરીએ છીએ, તેમાં સંતોષનો ગુણ હોવો જોઈએ.

અર્થાત્ હીનતાના વિચારોના સ્થાને સંતોષનો સદગુણ ભરપૂર હોવો જોઈએ. તો જ હીનતાની ભાવના ભગાડી શકશો. આમ, સાત પગથિયાંઓ આપણે સફળતાપૂર્વક ચઢી શકીએ તો ચોક્કસપણે અનુભવ કરી શકશો કે મારા જેવો સુખી બીજો કોઈ નથી. મિત્રો, આપણે અવગુણરૂપી આપણી અંદર છુપાયેલા દુશ્મનોને શોધી કાઢીને ‘દુઃખી મન મેરે…’ ગીત ગાવાનું પણ ભૂલી જઈએ. એને સકારાત્મક વિચારોની અસરથી ખતમ કરીને સુખ-શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરીને વિજયી બનીએ અને આપણા પરિવારને પણ આ સાત પગથિયાંની પા-પા પગલી પડાવીએ અને સુખના રાષ્ટ્ર માટે પ્રેરણાસ્રોત બનીએ. ઓમ શાંતિ…

Most Popular

To Top