Comments

રાહુલને મોદી બનવું છે?

ચૂંટણીઓ પહેલાં મુખ્યપ્રધાનો બદલાય જ અને તેમાં કાંઇ નવું નથી. ભારતીય જનતા પક્ષે ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતમાં બતાવ્યું તેમ તેની પાસે વધુ મોટા પ્રત્યાઘાત વગર મુખ્ય પ્રધાન બદલવાની ક્ષમતા છે અને તે પણ મોદીની સત્તા અને સંગઠનના શિસ્તની સંસ્કૃતિને કારણે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી પાસે પક્ષનું કોઇ પદ નથી. પણ રાહુલ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે કોંગ્રેસમાં મુખ્ય કર્તાહર્તા છે. તેમની માતા સોનિયા ગાંધી પક્ષના વચગાળાનાં પ્રમુખ છે પણ કોંગ્રેસનો કારભાર તેમણે તેમનાં સંતાનો પર છોડી દીધો છે.

હવે કોંગ્રેસની મત મેળવવાની વિશ્વસનીયતા જોખમાતાં રાહુલ ગાંધી મોદીની જેમ પક્ષ પર નિયંત્રણ મેળવવાનો વ્યાયામ કરે છે. પંજાબમાં વધુ મોભાદાર રીતે મુખ્ય પ્રધાનની ફેરબદલ થઇ શકી હોત પણ રાહુલે નકકી કર્યું હતું કે ૭૯ વર્ષના કેપ્ટન અમરિન્દરસિંહને પદ  પરથી હઠાવવા જોઇએ કારણ કે તે તેમને ગમતા નથી. ૨૦૧૭ માં પંજાબની ચૂંટણી પછી રાહુલ કેપ્ટન અમરિન્દરસિંહને બીજી મુદત માટે મુખ્ય પ્રધાન બનાવવા ખંચકાટ સાથે સંમત થયા હતા પણ કેપ્ટન અમરિન્દરસિંહે પક્ષને બીજી વાર  વિજય અપાવ્યો હતો. કેપ્ટન અમરિન્દરિસંહ પક્ષમાં બહુ ઓછી જોવા મળતી રાષ્ટ્રીય સ્તરે આદરપાત્ર વ્યકિત છે જે તેની લશ્કરી સેવાઓ, મધ્યમમાર્ગી રાજકારણ અને મળતાવડા સ્વભાવને આભારી છે.

એ સાચું છે કે કેપ્ટન અમરિન્દરસિંહની લોકપ્રિયતામાં તાજેતરનાં વર્ષોમાં ઘટાડો થયો છે અને આ પરિસ્થિતિમાં સુધારો જરૂરી હતો પણ મુખ્ય પ્રધાન સામે નહીં પણ સાથે કામ કરવાથી વધુ સારાં ફળ મળી શકયાં હોત. આખરે તો કોંગ્રેસે નબળી કામગીરી કરનાર મુખ્ય પ્રધાનોને પણ નભાવ્યા છે અને ચૂંટણીમાં તેમની વિશ્વસનીયતા ચકાસવાની તક આપી છે. રાહુલે આ કામ નહીં કર્યું કારણકે તેને કેપ્ટન અમરિન્દર સિંહનો સ્વાયત્ત અભિગમ નહીં ગમ્યો. પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ તેમની સાથે ગોઠતું નહોતું. તેથી તેમણે ભારતીય જનતા પક્ષમાંથી માત્ર મુખ્યપ્રધાન ને પછી આવેલા નવજોતસિંહ સિધ્ધુને પ્રોત્સાહન આપ્યું.

નવજોતસિંહ સિધ્ધુને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે નિમણૂક આપ્યા પછી તેને રાહુલ અને પ્રિયંકાએ મુખ્યપ્રધાનની સત્તાનું અવમૂલ્યન કરી કેપ્ટન અમરિન્દરસિંહ સામે બળવો કરવાનું કોંગ્રેસના ધારાસભ્યોને લીલી ઝંડી આપવા દીધી અને બન્યું પણ એવું જ. છ મહિના માટે પણ મુખ્ય પ્રધાન બનવા માટે ઘણા જાટ શીખ નેતાઓ તૈયાર હતા. આથી તેમણે દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીને નવા મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા. રાહુલ અને પ્રિયંકા માને છે કે તેમણે આ પગલું ભરી શાસનવિરોધી લાગણીને નિયંત્રણમાં રાખી છે.

ચીન્નીના કહેવા મુજબ ૩૨% દલિતોની વસ્તી ધરાવતા પંજાબમાં પ્રથમ દલિત મુખ્ય મંત્રી તરીકે મારી પસંદગી થઇ તે કુનેહભર્યું પગલું છે પણ તેનાથી ચૂંટણીમાં જીતવાની કોંગ્રેસની તક આંચકી લેનાર પક્ષની નબળી વ્યવસ્થામાં કોઇ ફેર નથી પડતો. તેણે પક્ષના જૂના જોગી અને નેહરુ-ગાંધી પરિવાર વચ્ચે રાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ વધાર્યો છે. કોંગ્રેસ જે માત્ર ત્રણ જ રાજયોમાં સત્તા પર છે તેમાંય પંજાબ એક છે. કેપ્ટન અમરિન્દરસિંહે નવજોતસિંહ સિધ્ધુને રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાની તરફી સંસ્થા સાથે સંકળાયેલો હોવાનું ગણાવી પ્રશ્ન કર્યો છે કે સિધ્ધુનું વજન કેટલું?

પક્ષમાં નવી નેતાગીરીને આગળ વધારવાની એક વાત છે અને તે પ્રક્રિયામાં કટોકટી પેદા કરવી તે બીજી વાત છે. કોંગ્રેસને આ પરિવર્તન કેટલું ભારે પડી શકે છે તે આગામી દિવસોમાં ખબર પડશે, પણ પક્ષને પાછો લડાયક મિજાજમાં લાવવાનું કામ કપરું છે તે અત્યારે દેખાઇ રહ્યું છે. કેપ્ટન અમરિન્દરસિંહ કોંગ્રેસની બહાર રાજકીય વિકલ્પો શોધી રહ્યા છે. તેમને માટે નવું કંઇ બનાવવાનું સહેલું નહીં હોય તો ય કોંગ્રેસ માટે માર્ગ કઠીન થઇ જશે. કેપ્ટન અમરિન્દર સિંહની ગેરહાજરી માત્રથી કોંગ્રેસ લથડિયાં ખાઇ શકે છે. તેમની મધ્યમમાર્ગી છાપ, બિનસાંપ્રદાયિક અભિગમ અને રાષ્ટ્રવાદી વાતો કોંગ્રેસ માટે બંધબેસતી થાય છે.

બીજી તરફ સિધ્ધુ અને ચન્ની શીખોની ધાર્મિક સમસ્યાઓ બાબતમાં ઉશ્કેરણી કરી રહ્યા છે અને વિરોધ પક્ષ શિરોમણિ અકાલીદળ અને વિદાય લેનાર મુખ્યપ્રધાન કરતાં મુઠ્ઠી ઊંચેરા દેખાવાની કોશિશ કરી રહ્યા છે. સિધ્ધુ કોંગ્રેસમાં રહેલા ભયંકર જોકર જેવો કેટલાકને લાગે છે. કોંગ્રેસ જીતે તો તે મુખ્યપ્રધાન પદ માંગશે. અકાલીદળે ખેડૂત કાયદાના મામલે કેન્દ્ર સરકારમાંથી પીછેહઠ કરી છે ત્યારે કોંગ્રેસ એકતાને નામે સરળતાથી જીતી શકે છે. છેલ્લો જે નાટક થયો તેનાથી અકાલી દળને નવું  જીવન મળી શકે છે અને આમ આદમી પક્ષને નવી આશા મળી શકે છે અને કોંગ્રેસ તેની ગડમથલમાં જ વ્યસ્ત રહી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top