Columns

પ્રાર્થના કરું છું …

એક ભાઈ, નામ નિખીલભાઈ …સતત કામમાં રહે …ઘર અને કુટુંબના બધાનું ધ્યાન રાખે ….બધાને મદદ કરવા તૈયાર રહે …..બધાને માન આપે…કોઈને કઠોર શબ્દ ન કહે ….. ભગવાનના ભક્ત પણ ખરા…રોજ સવારે મંદિરે જાય… પણ નિખીલભાઈની એક વિચિત્ર રીત…. દિવસમાં ગમે ત્યારે… કોઈપણ કામ કરતા હોય ત્યારે ..કોઈ પૂછે શું કરો છો તે તેઓ જવાબ આપે કે ‘પ્ર્રાર્થના કરું છું….’ આ જવાબ સાંભળી પ્રશ્ન પૂછનાર આશ્ચર્યમાં મુકાઈ જાય કે અહીં ક્યાં મંદિર છે અને ક્યાં હાથ જોડાયેલા અને આંખો બંધ છે…તો આ વળી કેવી પ્રાર્થના …..?????

એક વખત નિખીલભાઈ ફોન પર વાત કરી રહ્યા હતા અને વર્ષો જુનો મિત્ર આવ્યો અને પૂછ્યું, ‘શું કરે છે દોસ્ત’ જવાબ મળ્યો ‘પ્ર્રાર્થના કરું છું….’ મિત્ર મૂંઝાઈ ગયો….કે આ કેવો જવાબ!!!!!  મિત્રના મનની મૂંઝવણ દુર કરવા માટે હસતાં હસતાં નિખીલભાઈ બોલ્યા ‘ભાઈ સાંભળ અને સમજ મારા માટે માત્ર ભગવાનની મૂર્તિ સામે ઉભા રહીને …હાથ જોડીને …આંખો બંધ કરી …પાઠ કરવા કે કંઇક માંગવું કે કંઇક આપવા માટે અરજી કરવી પ્રાર્થના નથી.’ મિત્રે તરત પૂછ્યું, “તો શું ફોનમાં વાત કરવી પ્રાર્થના છે !?!” નિખીલભાઈ હસ્યા અને બોલ્યા, “દોસ્ત, કોઈને મદદ કરવી પ્રાર્થના છે …અને અત્યારે ફોન પર હું એક જરૂરિયાત મંદ વિદ્યાર્થીની ફી માટે વાત કરી રહ્યો હતો ..એટલે પ્રાર્થના કરી રહ્યો હતો …દોસ્ત સતત સારું અને હકારાત્મક વિચારવું પ્રાર્થના છે …કોઈના પણ માટે સારું ઇચ્છવું પ્ર્રાર્થના છે … અને હું સતત લોકો માટે સારું વિચારી પ્રાર્થના જ કરતો રહું છું.”

આટલું બોલી નિખીલભાઈ ઉભા થયા મિત્રને પ્રેમથી ભેટ્યા અને પછી જાતે તેના માટે કોફી બનાવી …..મિત્રે કહ્યું, “ રહેવા દે તું શું કામ બનાવે છે?મંગાવી લે.”તો વળી તેમને જવાબ આપ્યો, “કેમ રહેવા દે… મને પ્રાર્થના કરવા દે ….મિત્રને પ્રેમથી ભેટવું ….મિત્ર કે સ્વજન માટે કંઇક બનાવવું કે તેમને કામ લાગવું મારે મન પ્રાર્થના છે.” મિત્ર સાથે ઘણી વાતો કરી પછી તેને વળાવતા નિખીલભાઈએ કહ્યું, “આવજે દોસ્ત ..ફરી મળતો રહેજે ..તારું ધ્યાન રાખજે ..સંભાળીને જજે ..પહોંચીને ફોન કરજે….અને વળી ઉમેર્યું આ પણ મારે મન પ્રાર્થના છે.” મિત્ર હસ્યો અને ભેટીને આવજો કહેતા બોલ્યો, “બીજાની મદદ કરવી …ચિંતા કરવી …સતત સારી ભાવના બધા માટે રાખવી… હકારત્મક રહેવું ….સ્નેહથી ઉમળકાથી મળવું …આ બધું એક પ્રાર્થના છે તે હું આજે શીખ્યો અને આ પ્રાર્થના હવે હું પણ સતત કરતો રહીશ.”
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top