Columns

અડધી રાત્રે ઊંઘ ઊડી જાય છે? આહારની ખોટી રીતો જવાબદાર હોઈ શકે

ઘણી વાર સરસ રીતે ઊંઘ આવી ગયા બાદ અચાનક અડધી રાત્રે ઊંઘ ઊડી જતી હોવાનું અનુભવાય છે. ઘણા લોકો આ સરખી ફરિયાદ કરતા હોય છે. નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે રાત્રે ચા – કોફી પીવાથી ઊંઘ ઊડી જાય છે અથવા એસિડિટી થવાથી, છાતીમાં બળતરા થવાથી પણ રાત્રે ઊંઘ ઊડી શકે છે. વળી, વધુ પડતી વિચારશીલતા, ચિંતા, સ્ટ્રેસ, ઉત્તેજના જેવા મનોવૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોઈ શકે પરંતુ આ ઉપરાંત અન્ય પણ કારણો છે, જે રાત્રે ઊંઘ ઊડી જવા માટે જવાબદાર હોઈ શકે. ખાનપાનની કેટલીક અયોગ્ય આદતો અને કેટલીક ખોટી જીવનશૈલી આ માટે કારણભૂત હોઈ શકે.

તો આવો આજે આ કારણો સમજીએ… વધુ પડતાં ચરબી ધરાવતાં ફાસ્ટફૂડ – જંક ફૂડ:-
આ પ્રકારનો આહાર તત્કાલીન પેટને સેચ્યુરેટેડ ચરબીથી ભરી દે છે પરંતુ પછી તેને પચાવવા માટે ઇન્સ્યુલીનનો મોટો જથ્થો ઉત્પન્ન થાય છે જેના કારણે અડધી રાત્રે બ્લડ શુગર અત્યંત ઓછી થઈ જાય છે અને અડધી રાત્રે ઊંઘ ઊડી જાય છે. એથી રાત્રે ડિનરમાં ખૂબ મોડેથી પીઝા, બર્ગર, મટન, બટાકાની ચિપ્સ જેવા પદાર્થો ટાળવા જોઈએ.

તીખો તમતમતો આહાર :-
અથાણાં, ગરમ મસાલા ધરાવતો ખોરાક, ટામેટાંનો સોસ, આથાવાળો ખોરાક જેવા પદાર્થો જો રાત્રે મોડેથી લેવામાં આવે તો તેને પચાવવા માટે જઠરમાં મોટી માત્રામાં હાઈડ્રોકલોરીક એસિડ ઉત્પન્ન થાય છે. આ એસિડ છાતીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને અડધી રાત્રે ઊંઘ ઉડાડી શકે છે. આથી, રાત્રે જમવાનું બને એટલું સાદું અને પચવામાં સરળ હોય એવું હોવું જોઈએ.

કેફિન:-
કોફીનું કેફિન રાતની ઊંઘ ઉડાડવા માટે જવાબદાર સાબિત થઈ શકે. લોકો કોફીથી ઊંઘ નહિ આવે એમ સમજીને રાત્રે કોફીને બદલે કોકો પીવાનું પસંદ કરે છે પરંતુ એ સમજી લેવું જરૂરી બને કે કોકોમાં પણ સારી એવી માત્રામાં કેફિન હોય છે જેથી તે પણ ઊંઘ ઊડી જવા માટે જવાબદાર હોઈ શકે.

મૂત્રાશય ભરાઈ જવું :-
સંધ્યાકાળ બાદ ખૂબ વધુ પ્રમાણમાં પાણી પીવાથી રાત્રિના સમયે મૂત્રાશય ભરાઈ જતાં મૂત્રત્યાગ માટેની શંકા જતા ઊઠી જવું પડે છે. આવા સંજોગોમાં રાત્રિ ભોજન બાદ વધુ પાણી ન પીતાં માત્ર ગળું ભીંજાય એટલું પાણી જ પીવું. બાકી આખા દિવસ દરમ્યાન દર થોડી મિનિટે થોડું પાણી પીને આખા દિવસની પાણીની જરૂરિયાત પૂરી કરવી. આમ, થોડા ફેરફારો રાત્રે ગાઢ નિદ્રા લાવવામાં મદદરૂપ થઈ શકે.

આલ્કોહોલ :-
માન્યતા એવી છે કે દારૂના સેવનથી ઊંઘ આવે છે પરંતુ હકીકતમાં સંશોધનો અનુસાર, આલ્કોહોલ લીધાના ૪ થી ૫ કલાક બાદ અજંપો ( રેસ્ટલેસનેસ) અનુભવાય છે. આ અજંપાને પરિણામે ઊંઘ ઊડી જાય છે.
ગ્રીન ટી :-
ગ્રીન ટી મેટાબોલિઝમને ઝડપી બનાવે છે. આખા દિવસ દરમ્યાન મેટાબોલિઝમ ઝડપી કરવા માટે ગ્રીન ટી સહાયક છે પરંતુ રાત્રે જ્યારે મેટાબોલિઝમને શાંત કરવાની જરૂર હોય છે, તો એવા સમયે ગ્રીન ટી ચયાપચયની ક્રિયા ઝડપી બનાવશે જેથી ઊંઘ ઊડી જશે.

રાત્રે કસરત કરવી :-
કસરત કરવાનો યોગ્ય સમય સવારે જ્યારે શરીર પૂરતો આરામ મેળવી લે પછી છે. ઘણા લોકો સમયના અભાવે કે અન્ય કારણોસર રાત્રે જમ્યા પછી કસરત કરવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં ભોજન બાદ જે એનર્જીનો ઉપયોગ પાચન માટે થવો જોઈએ એ એનર્જી એક્સરસાઇઝમાં વપરાઈ જાય છે અને એથી ખાધેલો ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી. આ અપૂરતો પચેલો આહાર થોડા કલાક પછી ગેસ ઉત્પન્ન કરે છે જે છાતીમાં ગભરામણ ઉત્પન્ન કરી અડધી રાત્રે ઊંઘ ઉડાડી શકે છે. એથી રાત્રે કસરત કરવાનું ટાળવું જોઈએ.

Most Popular

To Top