Columns

જીવનને કર્તવ્યનાં કુસુમોથી નવપલ્લવિત બનાવો…!

અંજનાબેન સવારથી ઊઠે ત્યારથી કાંઇ ને કાંઇ કામ કરતા જ હોય. વાળીઝૂડી આંગણું સાફ કરી બાગમાં ફૂલછોડને પાણી પાઇને રસોડામાં પહોંચે, રસોડું તો જાણે એમના માટે સ્વર્ગ, એના એ જ લોટ, દાળ, શાક અને મસાલા હોય પણ એમાંથી રોજ નવી નવી વાનગી બનાવે. થાળીમાં નવા નવા રૂપરંગ, સ્વાદવાળી વાનગીઓ પીરસાય, બધા આનંદથી આરોગે. અનિકેત મમ્મીના આ ગુણથી ખૂબ પ્રભાવિત હતો. પરંતુ તેની પત્ની અનુપમાને સાસુની આ રીતભાત જરા પસંદ નહોતી. એ સાસુના આવાં કામોમાં જરાયે રસ ન લે, મદદ તો કરવાની વાત દૂર રહી. ઉપરથી બબડાટ- ‘મમ્મીને તો આખો દિવસ કામ જ કામ દેખાય છે. એમને જીવન જીવતા જ કયાં આવડે છે? મને તો એમને કામ કરતા જોઇને જ થાક ચઢી જાય છે.’

અનિકેત અનુપમાને ઘણી વાર સમજાવતો. ‘‘મમ્મી એકલા બધું કરે છે તો તું જરા કામ કરવા લાગ ને? રૂમમાં નવરી બેસીને શું કરે છે?’’ ‘‘ના, મારાથી એ ન બને, જોઇએ એટલા નાસ્તા બજારમાં મળે છે અને ઘરકામ માટે-બાગકામ માટે, આડાંઅવળાં કામ માટે કામવાળા બાઇઓ-નોકર મળી રહે છે. તેઓ તો નકામા કુટાઇ છે, એમને બીજો કોઇ શોખ નથી તો કામ કર્યા કરે, ઘરનાં બધાં આવાં ફાલતુ કામ માટે હું મારા શોખોને પડતા મૂકું? કદાપિ નહીં મને એવાં ખોટાં વૈતરાં કરવા પસંદ નથી.’’
‘‘અનુપમા, બસ કર, મમ્મી જે કરે છે તે વૈતરું નથી.

એ જે કરે છે તેથી તો આપણી જિંદગી રસભરી અને તાજગીભરી બને છે. તારામાં મા જેવું ગૃહિણીપણું કયાં છે? ઘરને સ્વર્ગ બનાવવાની કળા સ્ત્રીને હસ્તગત હોવી જોઇએ. પણ અનુ, તને તો ઘરનાં કામમાં કે પરિવારના સભ્યોમાં કોઇ રસ જ નથી. હું તારો પતિ છું. તને મારા પર લાગણી કેટલી? તને કોઇ દિવસ એમ થાય છે ચાલ અનિકેત આજે તને ભાવતી સરસ ડીશ બનાઉં! હસીખુશીને મારી સાથે કે મમ્મી સાથે તેં કોઇ દિવસ વાત કરી છે? ચાલો મમ્મી હું આવી ગઇ છું. તમારે હવે કોઇ કામ કરવાની જરૂર નથી. તું મારી ‘મમ્મી’ ને ‘મમ્મી’ કહીને બોલાવતી નથી. તને મારા ગમા અણગમાની કોઇ પરવાહ નથી. જાણે તું આ ઘરમાં પરાયી થઇને જીવી રહી છે. અનુ આ તારા સ્વભાવથી આપણા દામ્પત્યજીવન પર અસર થશે! તું કેમ સમજતી નથી?’’

દીકરા અનિકેતને દુ:ખી જોઇ માતા અંજનાબેન, પિતા મહેશભાઇ પણ દુ:ખી થતાં. એક દિવસ તેમણે અનિકેતને પાસે બેસાડી સમજાવ્યો. ‘‘બેટા, તારી વાત ગમે તેટલી સારી હોય પણ એની પર ઠોકી ના બેસાડાય. તું આધુનિક વિચારસરણીને ઓળખ, અનુ સ્વભાવની સાવ જિદ્દી છે અને તું જે વારંવાર એને ટોકી રહ્યો છે, એનાથી એ વધારે ઉગ્ર બને છે. તું જે મારું દૃષ્ટાંત આપે છે, મારી સાથે સરખાવે છે તેથી એ વધારે અક્કડ બને છે. તે માટે અનુ મારા જેવી બને એ વાત જ છોડી દે…!’’
‘‘મમ્મી! આટલી ગંભીર વાત હું છોડી દઉં? મારા સારા વિચારોને પડતા મૂકું? મારા સહજીવનનું શું? આપણા બધાની સરળતાની એને કોઇ કિંમત જ નથી? હું એનાં મા-બાપને બોલાવી બધી વાત કરી એને લઇ જવા આજે જ ફોન કરું છું. આપણે એનો વિચાર કરવાનો. આપણા સૌનો વિચાર એણે પણ કરવો જોઇએ ને? આપણે એના આ સ્વભાવને કયાં સુધી સહન કરીશું?’’

પિતા મહેશભાઇએ અનિકેતને સમજાવતા કહ્યું, ‘‘બેટા, જિંદગી બહુ લાંબી છે, તું ધીરજ રાખ, શાંતિ જાળવ, સમય આવે અનુ પણ નરમ પડશે, સમજશે. એ જેવી છે તેવી તેનો તું પ્રેમથી સ્વીકાર કર, તેની સાથે હળવાશ અને આનંદથી વર્તન કર, બેટા! તારી મમ્મીની રીતે તું બહુ વરસો જીવ્યો હવે તું અનુપમાની રીતે જીવ…! એક વાર અનુ તારી સાથે તાદાત્મ્ય સાધશે પછી એ તારી રીતે જીવશે. ધીમે ધીમે એને મન તારી ખુશી એ જ એની ખુશી થઇ પડશે. તું થોડોક કોમળ બન, સંબંધ બંધાયો એટલે પ્રેમ પાંગરે જ એવું નહિ. જીવનભરનો સાથ નિભાવવા પ્રયત્ન કરવો પડે.’’

આ બધી વાતો ચાલતી હતી તેવામાં અનુની સખી ઝીલુ આવી. અનુ ઉપર હતી એટલે સાસુ અંજનાબેને આવકાર આપી બેસાડી. થોડી વાતો ચાલી. અંજનાબેને ઝીલુને પૂછયું, ‘‘તમે શું કરો છો, કયાંક જોબ કરો છો?’’ ‘‘ના રે ના હું કયાંયે જોબ કરતી નથી. હું માત્ર ગૃહિણી છું, કશું કામ કરતી નથી છતાં નિરાંત પણ નથી. ઘરમાં શું કામ ન હોય? સૌની સેવામાં હાજર. કોઇની ચા બનાવો, કોઇનું મોળું દૂધ, કોઇનું ગળ્યું દૂધ, કોઇની કોફી સાથે ગરમ નાસ્તો. કોઇની સવારની સ્કૂલ-કોલેજ. કોઇને જિમમાં જવાની ઉતાવળ. વચ્ચે વચ્ચે બાની બૂમો તો ચાલુ જ. પૂજામાં બેઠાબેઠા રામધૂનને બદલે કશીક બીજી જ ધૂન મચાવે. વહુ… મારું કેસરપીસ્તાનું દૂધ તૈયાર છે ને?

ઓર્ડર પર ઓર્ડરો- એટલામાં પીન્ટુને તૈયાર કરવાનો ટાઇમ, રિક્ષાવાળો આવી જશે તેનો ગભરાટ… બાળકોના નાસ્તાના ડબ્બા ભરવાના- મને ગરમ નાસ્તો બનાવવો ગમે. તેથી આમ જ દસ વાગી જાય. પછી બાર વાગે ઘરનાં સૌનો જમણવાર ચાલે. બપોરે જરા આડા પડયા ન પડયા ને બેંકના કામ, બધાં બિલો ભરવા જવાનાં કામ- શાક લાવવાનું- ચૂંટવાનું અને સાંજના બધા ઘેર આવે ત્યારે તેઓની સેવામાં હાજર રહેવાનું. જોઇ સ્ત્રીઓની દિનચર્યા. હવે તમે જ બોલો હું જોબ કરવા કેવી રીતે જાઉં? મને તો ઘરનાં કામ દોડી દોડી કરવા ગમે છે. છોકરા મોટા થઇ જશે ત્યારે કોઇ જોબ કરવા વિચારીશ પણ હાલમાં તો મારે માટે ઘર-વર અને બાળકો, કામ એ જ સર્વસ્વ છે. એમાં મને આનંદ છે. ઝીલુની વાત અનુ પણ સાંભળતી હતી, તેને સમજાયું કે દરેક ગૃહિણી જોડે ઘરનાં કામો તો જોડાયેલાં હોય જ છે.

તો વાચક મિત્રો! દીકરીઓ વહુ તો બની જાય છે પણ તેને ઘર સંભાળતા પણ આવડવું જરૂરી છે. જીવનમાં કામ કરવાનો કંટાળો ન હોવો જોઇએ. માણસ અને તેના દ્વારા થતા કામને એકબીજાથી અલગ પાડી શકાશે નહિ. માણસ માત્ર તેના કામથી ઓળખાય છે. જીવનરૂપી બાગમાં દરેકને માણસનું કામ વહાલું છે. ગમે તેટલા ભણેલા હોય, રૂડારૂપાળા હોય પણ કોઇ કામ જ ન કરતા હોય તો તે કોઇને ય ગમતા નથી. સમાજમાં એની કોઇ કિંમત નથી. ઘર હોય કે ઓફિસ, પિયર હોય કે સાસરું સર્વત્ર કામની જ બોલબાલા છે. કામને આપણી પસંદગીનું બનાવતા શીખવું પડે. કામ પ્રત્યે ઉદાસીનતા અને આળસ એ માનવીના વિકાસ અને પ્રગતિ આડેના સૌથી મોટા અવરોધો છે. કામ એ તો આપણું જીવન છે. જીવનની સીધીસાદી પરિભાષા- કામ કર્યા વગરનું વ્યર્થ જીવન એટલે મૃત્યુ, કંટાળો દૂર કરી, ચેતના, સ્ફુર્તિ અને જાગૃતિ જીવનમાં ભરો તો જીવન સુગંધી બની જશે!
સુવર્ણરજ
પોતાની જાતને કોઇ પણ કામમાં વ્યસ્ત રાખો કારણ કે વ્યસ્ત માણસને દુ:ખી થવાનો પણ સમય હોતો નથી.

Most Popular

To Top