Madhya Gujarat

ડાકોર પાસે હાઈવે રોડ પરના ડિવાઈડર તુટતાં જોખમી બન્યાં

ડાકોર : ડાકોર નજીકથી પસાર થતાં ઈન્દોર હાઈવે પરના ડિવાઈડર છેલ્લાં ઘણાં સમયથી તુટેલી હાલતમાં હોવાછતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરાતું નથી. જેને પગલે માર્ગ પર મોટા અકસ્માતો સર્જાવાની ભિતી સેવાઈ રહી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર નજીકથી ઈન્દોર હાઈવે પસાર થાય છે. આ હાઈવે પર થોડા સમય અગાઉ ડિવાઈડર બનાવવામાં આવ્યાં હતાં. આ ડિવાઈડર હાલ, ઠેર-ઠેર તુટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે. તુટેલાં ડિવાઈડરના પથ્થરો રસ્તા પર ફેલાઈ ગયાં છે. જેને પગલે આ માર્ગ પરથી પસાર થતી વખતે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ મામલે કેટલાક વાહનચાલકો તેમજ જાગૃત નાગરીકો દ્વારા આર.એન્ડ.બી વિભાગને જાણ કરવામાં આવી છે.

તેમછતાં આર.એન્ડ.બી વિભાગ દ્વારા હાઈવે પરના તુટેલા ડિવાઈડરનું સમારકામ કરાવવાની તસ્દી લેવામાં આવી નથી. જેને પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે રખિયાલ ગામના કુલદીપ પટેલ જણાવે છે કે, અમે જ્યારે રાત્રીના સમયે રખિયાલ ગામની ફાટક પાસેથી ડાકોર જઈએ છે ત્યારે રસ્તા પર આવી ગયેલા ડિવાઈડરના તુટેલાં પથ્થરોથી અકસ્માતનો ભય સતાવે છે. આ ડિવાઈડર છેલ્લાં ઘણાં સમયથી તુટેલી હાલતમાં હોવા છતાં ડાકોર આર.એન્ડ.બી વિભાગના અધિકારીઓની આંખ ઉઘડતી નથી. અધિકારીઓ જાણે મોટા અકસ્માત સર્જાવાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે આર.એન્ડ.બી વિભાગના અધિકારી સોનીભાઈને ફોન કરતાં, તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

Most Popular

To Top