રાજસ્થાનના થાર રણ નજીકના એક નાનકડા ગામમાં ભયંકર દુકાળ પડ્યો. સતત ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો, કૂવાઓ સુકાઈ ગયા, પશુધન મરવા લાગ્યું અને ગામલોકોના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ ઊપસી આવી. ગામના મુખિયાએ નિર્ણય લીધો કે નવો, ઊંડો કૂવો ખોદવો પડશે. ગામના મજબૂત યુવાનોની ટીમ બનાવવામાં આવી. એમણે એક જગ્યા પસંદ કરી અને ખોદકામ શરૂ કર્યું. દિવસો સુધી પરસેવો પાડ્યો, ૨૫-૩૦ ફૂટ ઊંડે પહોંચ્યા, પણ માટી સૂકી જ રહી — પાણીનું નામોનિશાન નહીં. થાકેલા અને નિરાશ યુવાનોએ કહ્યું, ‘ લાગે છે આ જગ્યા ખોટી છે, ચાલો બીજે નસીબ અજમાવીએ.’ એમણે એ ૩૦ ફૂટ ઊંડે સુધી ખોદાયેલો ખાડો છોડી દીધો અને થોડે દૂર બીજી જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું.
ફરી એ જ વાત બની — ૨૦ ફૂટ સુધી ખોદ્યું પણ પાણી ન મળ્યું, વધુ ૫ ફૂટ ખોદ્યું પછી હરિને જગ્યા બદલી. આમ છ અલગ-અલગ જગ્યાએ તેમણે પાણી શોધવાના પ્રયત્નો કર્યા. દરેક વખતે ૨૫ થી ૩૦ ફૂટ ઊંડે ખોદીને, થાકીને છોડી દીધા…પાણી મળ્યું નહિ અને મહેનત બધી નકામી ગઈ. મહિનાઓ વીતી ગયા, પાણી વિના ગામની હાલત વધુ ખરાબ થતી ગઈ. બધા ગામલોકો ગામના સૌથી અનુભવી વૃદ્ધ ખેડૂત પાસે ગયા અને બધી વાત જણાવી અને કોઈ માર્ગ દેખાડવા કહ્યું….. વૃદ્ધ ખેડૂતે કહ્યું, ‘મને દેખાડો તમે કઈ જગ્યાએ કૂવો ખોદવાની કોશિશ કરી છે.’
વૃદ્ધ ખેડૂતે જોયું કે છ અલગ અલગ ખાડા ખોદયેલા હતા. તેમણે દરેક ખાડાની ઊંડાઈ માપી અને પછી બધા યુવાનોને ભેગા કરી કહ્યું: ‘તમે લોકોએ કુલ મળીને લગભગ ૧૬૦ થી ૧૮૦ ફૂટ જમીન ખોદી છે — પણ છ અલગ-અલગ જગ્યાએ વહેંચીને. જો તમે આ બધી મહેનત એક જ જગ્યા પર કેન્દ્રિત કરી હોત, તો કદાચ ક્યારનું પાણીનું ઝરણું ફૂટી નીકળ્યું હોત. તમારી સમસ્યા મહેનતની કમી નહોતી, તમારી સમસ્યા હતી ધીરજની કમી અને સતત દિશા બદલવાની આદત.”
ગામલોકોએ વૃદ્ધ ખેડૂતની સલાહ લઇ પહેલાં ૩૦ ફૂટના ખાડાને વધુ ખોદવાનું શરૂ કર્યું અને નક્કી કર્યું કે ગમે તે થાય, અટકીશું નહીં. ૪૦ ફૂટ……. ૬૦ ફૂટ,…… યુવાનો થાકે તો વડીલો પણ કામ ચાલુ રાખતા …. સ્ત્રીઓ અને બાળકો પણ થોડી વાર મદદ કરતા ૭૦ ફૂટ….૮૦ ફૂટ… અને છેવટે, ૯૦ ફૂટની ઊંડાઈએ, મીઠા પાણીની સેર ફૂટી નીકળી. આખું ગામ ખુશીથી ઝૂમી ઊઠ્યું. આ વાત સમજાવે છે કે સાથે મળીને કામ કરવાથી સફળતા મળે જ છે અને મહત્ત્વની વાત કે ઘણી વાર સફળતા ફક્ત થોડાં ડગલાં દૂર જ હોય છે, પણ આપણે નિરાશ થઈને દિશા બદલી નાખીએ છીએ. સાચી પ્રગતિ ઘણી જગ્યાએ છીછરું ખોદવાથી નહીં, એક જગ્યાએ ધીરજથી ઊંડું ખોદવાથી થાય છે.જીવનમાં સફળ થવા એક સાચી દિશામાં એકધારી મહેનત કરવી જરૂરી છે.