Comments

શરદ પવારે પક્ષનું ભંગાણ અટકાવ્યું?

નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના સ્થાપક શરદ પવારે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખપદેથી રાજીનામું આપતાં તેમના નેતાઓ અને કાર્યકરોને આઘાત લાગ્યો હતો. આત્મકથા ‘લોક માઝી સંગતિ’ની બીજી આવૃત્તિના વિમોચન પ્રસંગે તા. ત્રીજી મેએ તેમણે આ સનસનાટીભરી અને આઘાતજનક જાહેરાત કરી હતી. આ અણધારી જાહેરાતથી પક્ષમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો અને ટોચના નેતાઓએ પવારના નિર્ણયનો વિરોધ કર્યો. પક્ષના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ જયંત પાટિલ અને ધારાસભ્ય જીતેન્દ્ર આપ્ટે તો પડી ભાંગ્યા. પ્રફુલ્લ પટેલ અને છગન ભૂજબળ જેવા વરિષ્ઠ નેતાઓએ તો તેમના નિર્ણયનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો! પછી પક્ષની નેતાગીરીએ સર્વાનુમતે રાજીનામું ફગાવી દીધું અને પક્ષનો અખત્યાર સંભાળી લેવા કહ્યું.

પવાર એક બાહોશ રાજકારણી છે તેમાં કોઇ શંકા નથી. રાજકારણમાં પોતાની અડધી સદીની કારકિર્દી દરમ્યાન તેઓ એક કુશળ ખેલાડીની જેમ પત્તાં રમ્યા છે. આ વખતે પણ આ વાત એટલી જ સાચી છે. શરદ પવારનો નિર્ણય સ્વીકારનાર જણાયેલા એક માત્ર નેતા શરદ પવારના ભત્રીજા અને રાજકીય વારસદાર અજીત પવાર હતા. તાજેતરમાં તેમની હિલચાલ પરથી એવી અટકળે એવો વેગ પકડયો હતો કે તેઓ પક્ષમાં ભંગાણ પાડી ભારતીય જનતા પક્ષ સાથે હાથ મિલાવે.

ભારતીય જનતા પક્ષના મહારાષ્ટ્ર સરકારના સાથી એકનાથ શિંદે સુપ્રીમ કોર્ટમાં ‘સેના વિ. સેના’નો મુકદ્દમો હારી જાય અને અન્ય પંદર ધારાસભ્યો સાથે ગેરલાયક ઠરે તો ઉતરવા માટેનું પત્તું ભારતીય જનતા પક્ષે અજીત પવારમાં જોયું હતું.
પવારે અજીત પવારને ભારતીય જનતા પક્ષમાં જોડાઇ પક્ષમાં ભાગલા પાડતાં રોકવા માટે આ નાટક કર્યો હતો? પવાર છેલ્લાં 25 વર્ષથી નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના પ્રમુખ છે. લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં પવારે રાજીનામું આપ્યું તેનાથી વિરોધ પક્ષના ઘણા નેતાને આશ્ચર્ય થયું છે. રાહુલ ગાંધી, સીતારામ યેચુરી, ઉદ્ધવ ઠાકરે અને તામિલનાડના મુખ્ય પ્રધાન એમ.કે. સ્તાલિને પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચી લેવા કહ્યું હતું.

છેલ્લા એકાદ મહિનાથી મહારાષ્ટ્રનું રાજકારણ અજીતની ફરતે ઘુમરાતું રહ્યું છે. અટકળો એવી ચાલતી હતી કે અજીત મુખ્ય પ્રધાન બનવા ભારતીય જનતા પક્ષ સાથે હાથ મિલાવવાની કોશિશ કરે છે. ગુસપુસ એવી પણ ચાલતી હતી કે અજીતની સાથે નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના ઘણા મોટા નેતાઓ પણ આ ઝુંબેશમાં જોડાયા છે. તેમાં પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળ અને ધનંજય મુંડેનાં નામ બોલાતાં હતાં. એવો દાવો કરાયો હતો કે અજીત પવારે 40થી વધુ ધારાસભ્યોની સહી પણ મેળવી છે. 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં ભારતીય જનતા પક્ષ સાથે બાથ ભીડવા વિરોધ પક્ષોને સાથે લાવવામાં શરદ પવાર રાષ્ટ્રીય ભૂમિકા ભજવવા તૈયાર થતા હતા તે સમયે અંદરખાને આ બધું રંધાતું હતું.

મહારાષ્ટ્રમાં પીછેહઠ કરવી પડે તેનો અર્થ એ થાય કે રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેમનો પ્રભાવ ઘટે. પક્ષના અંદરના લોકોએ કહ્યું હતું કે પવારે પક્ષના નેતાઓને કહી દીધું હતું કે જેમને ભારતીય જનતા પક્ષ સાથે રહેવું હોય તે પોતાનો નિર્ણય લેવાને સ્વતંત્ર છે. હું પક્ષ સાથે રહીને લડીશ. શરદ પવાર અજીતને બતાવી શકયા છે કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ પર મારો હજી પ્રભાવ છે. તેથી અજીત કોઇ પણ જાતનો બળવો કરે તો તેણે લોઢાના ચણા ચાવવા પડશે. શરદની દીકરી સુપ્રિયા સુળેની ચડતી વધુ સરળ રહેશે કારણ કે તે નેશનાલિસ્ટ કોંગ્રેસના કોઇ નેતા માટે જોખમરૂપ નથી.

કાકાને હાથે અગાઉ અનેક વાર પછડાટ ખાઇ ચૂકેલા અજીતને આગામી થોડા દિવસોમાં નેશનાલિસ્ટ કોંગ્રેસનો ટેકો આપનાર ધારાસભ્યોની સંખ્યા ઘટતી જશે. પક્ષના પવારને વફાદાર વરિષ્ઠ નેતાઓને સુપ્રિયા સાથે વધારે ફાવશે. પવાર અજીતને કાબૂમાં લઇ શકશે તો 2024 સુધીમાં તેને કહ્યાગરો બનાવી શકશે. પરિણામે પક્ષમાં સુપ્રિયાનું સ્થાન સલામત બનશે. પવારે મહાવિકાસ અઘાડીમાં પોતાના મહત્ત્વ અને કોંગ્રેસ તેમજ ઉદ્ધવ ઠાકરેની શિવ સેનાના પોતાના ગઠબંધનના સાથીદારો પરના પોતાના પ્રભાવનો કયાસ કાઢી લીધો છે.

2019થી ચાલતા આ લાંબા નાટકમાં અનેક નાટયાત્મક ચડઉતર આવી છે. અજીતે રાતોરાત મુખ્ય પ્રધાનપદની લાલચમાં ફડનવીસની છાવણીમાં રાતોરાત કૂદકો માર્યો અને ભારતીય જનતા પક્ષને સરકાર રચવામાં મદદ કરવા પોતે પક્ષમાં ભંગાણ નહીં પાડી શકે તેવું લાગતાં પાછા ફર્યા. પણ નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના રાજકીય ભવિષ્યને ઉજળું બનાવવા આ નાટકથી કંઇક વિશેષ જરૂરી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ ધીમે ધીમે પણ ચોક્કસપણે લોકોમાંથી પકડ ગુમાવી રહ્યો છે. તેથી જ અજીતને લાગે છે કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષે 2024ની વિધાનસભાની ચૂંટણી જીતવી હશે તો પોતાને વ્યવસ્થિત કરવો પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top