Columns

‘ધ કેરાલા સ્ટોરી’વડે હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવાની રમત રમાઈ રહી છે

મે મહિનાની પાંચમી તારીખે દેશભરમાં રજૂ થયેલી સુદીપ્તો સેન દિગ્દર્શિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’એ પ્રથમ ત્રણ દિવસમાં લગભગ ૩૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે; પરંતુ કેરળ રાજ્યમાં તેને બહુ નબળો પ્રતિસાદ મળ્યો છે. તે ઉપરાંત તમિલનાડુના થિએટર એસોસિયેશને આ ફિલ્મ ઉપર રોક લગાવી છે તેમજ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન શ્રીમતી મમતા બેનરજીએ પણ પોતાના રાજ્યમાં આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જેની રિલીઝ પહેલાથી જ તેના ઉપર વિવાદ છંછેડાયો હતો તેવી ‘ધ કેરાલા સ્ટોરી’તેની રિલીઝ પછી પણ વિવાદોથી પર રહી નથી શકી.

એક બાજુ આ ફિલ્મને દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જાહેર સહકાર છે તો બીજી બાજુ અન્ય દરેક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને સોશ્યલ મિડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક પક્ષ આ ફિલ્મને મુસ્લિમો પ્રત્યેનો ધિક્કાર, સામાજિક વૈમનસ્ય અને હિન્દુ ધ્રુવીકરણ ફેલાવવાના હથિયાર તરીકે ગણાવી રહ્યો છે ત્યારે બીજો પક્ષ તેને લોકોની આંખો ખોલનાર અને સરકાર દ્વારા છૂપાવાયેલી વાસ્તવિકતાને જાહેર કરનાર ડોક્યુમેન્ટરી તરીકે ઓળખાવી રહ્યો છે.

અન્ય મુદ્દાની ચર્ચા કરતાં પહેલાં આપણે આ ફિલ્મની કથા જાણી લઈએ. કેરળના જુદા જુદા પ્રાંતોની ત્રણ યુવતીઓ; શાલિની, ગીતાંજલિ અને નિમાહ તેમની મિત્ર અસિફા સાથે નર્સિંગમાં અભ્યાસ કરતી હોય છે. અસિફા એક મુસ્લિમ ગેંગની સભ્ય છે, જેમનો ખાનગી પ્લાન ભારતીય અને ખાસ કરીને હિન્દુ યુવતીઓને ફસાવીને તેમને ઇસ્માલિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇસીસ)ની આતંકવાદી બનાવવાનો છે. અસિફા તેની ત્રણ બહેનપણીઓનું ધીમે ધીમે બ્રેઈનવોશ કરે છે. ‘અલ્લાહ જ એક સાચા ભગવાન છે અને તે દરેકનું રક્ષણ કરે છે’, તેવી વાતો વડે અસિફા ત્રણેય યુવતીઓને ઈસ્લામ ધર્મ સ્વીકારવા પ્રેરે છે. સમજાવટ, ધમકી, પ્રેમ અને બનાવટી અત્યાચારો વડે છેવટે શાલિની ફાતિમા બને છે અને એક મુસ્લિમ યુવકની સાથે નિકાહ પઢે છે.

નિકાહ બાદ શાલિની તેના શોહર સાથે અફઘાનિસ્તાન જાય છે, જ્યાં તેને બળજબરીપૂર્વક આઇસીસમાં દાખલ કરી દેવામાં આવે છે. તેની બે મિત્ર સમયસર ચેતી જાય છે; પરંતુ આ ચક્રવ્યૂહમાંથી બચવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડે છે. શાલિની ઉર્ફે ફાતિમા આ આખી કથા એક ફ્લેશ બેકમાં કહે છે. તેનું કહેવું છે કે ‘હું આઇસીસની આતંકવાદી છું તેના કરતાં કયા સંજોગોમાં હું આતંકવાદી બની તે જાણવું વધારે જરૂરી છે.’આ ફિલ્મનો પાયો ધર્માંતરણ, લવ જિહાદ અને યુવતીઓના અપહરણ ઉપર આધારિત છે, પરંતુ કથાને પદ્ધતિસર રીતે મુસ્લિમોની વિરુધ્ધમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મ મેકિંગની દષ્ટિએ ‘ધ કેરાલા સ્ટોરી’અત્યંત નબળી ફિલ્મ છે.

એવું લાગે છે કે ‘ધ કેરાલા સ્ટોરી’કેરળના લોકો માટે નથી પરંતુ દેશનાં અન્ય રાજ્યોના દર્શકો માટે છે, જેઓ કેરળ સરકારની નબળાઈઓ જોઈ શકે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કેરળ જ એકમાત્ર રાજ્ય છે જ્યાં હાલમાં કોમ્યુનિસ્ટ સરકાર છે. તે ઉપરાંત કેરળ કદાચ દેશનું એકમાત્ર રાજ્ય છે, જેણે ધાર્મિક ધ્રુવીકરણ નથી અપનાવ્યું. કેરળના મુખ્ય પ્રધાન શ્રી વિજયનના કહેવા મુજબ ‘ધ કેરાલા સ્ટોરી’ના ટ્રેલરને જોતાં એવું લાગે છે કે આ ફિલ્મ ધાર્મિક ધ્રુવીકરણને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી છે તેમ જ તે કેરળ ઉપર દર્શકોના મનમાં ધિક્કાર જન્માવી શકે છે.

કેરળની આગામી ચૂંટણીઓમાં ભાજપની તરફેણમાં પરિણામો આવે તે માટે આ ફિલ્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એવું શ્રી વિજયનનું કહેવું છે. અનેક વિશ્લેષકોનું કહેવું છે કે ‘ધ કેરાલા સ્ટોરી’માં દરેક ક્ષણે મુસ્લિમો પ્રત્યે ધિક્કાર ઊભો થાય તેવાં દશ્યો છે. મુસ્લિમોની દરેક ક્રિયાઓ જેવી કે હિજાબ પહેરવો, નમાજ પઢવી વગેરેને ફિલ્મમાં હલકા કૃત્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે, તેવું લાગે છે.

ફિલ્મના પ્રચારમાં અનેક વાર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેરળમાંથી ૩૨,૦૦૦ યુવતીઓનું અપહરણ કરીને આઇસીસને વેચી દેવામાં આવી છે. ફિલ્મ દરમ્યાન લવ જિહાદનો ભોગ બનેલી યુવતી નિમાહ પોલીસની સામે એમ કહે છે કે કેરળની ૩૨,૦૦૦ જેટલી યુવતીઓ ગુમ થઈ ગઈ છે તથા બિનસત્તાવાર આંકડો તો ૫૦,૦૦૦ થી પણ વધુ છે. નિમાહ કહે છે કે કેરળના એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના કહેવા મુજબ આવતાં ૨૦ વર્ષમાં કેરળ એક મુસ્લિમ રાજ્ય બની જશે. તે ઉપરાંત અન્ય એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમેન ચાંડીના કહેવા મુજબ દર વર્ષે લગભગ ૨,૮૦૦ થી ૩,૨૦૦ જેટલી કેરળની યુવતીઓ ધર્માંતરણ કરે છે. જો કે જ્યારે પોલીસ નિમાહને સાબિતી આપવા કહે છે ત્યારે તેનો જવાબ છે કે ‘‘વાત જો સાબિત ન કરી શકાય એનો અર્થ એવો નથી કે તે ખોટી છે.’’

‘ધ કેરાલા સ્ટોરી’ના ટ્રેલર વિરુધ્ધ જ્યારે કેરળ હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે હાઇ કોર્ટ દ્વારા ફિલ્મના નિર્માતાને જણાવવામાં આવ્યું હતું કે તે ફિલ્મને ફક્ત તથ્યો આધારિત જ રજૂ કરે. હાઇ કોર્ટે પોતે કહ્યું હતું કે ૩૨,૦૦૦ યુવતીઓના આંકડામાં કોઈ તથ્ય નથી અને તેથી આ આંકડાને દૂર કરવામાં આવે. ફિલ્મના ટ્રેલરમાંથી આ આંકડો હટાવી દેવામાં આવ્યો હતો અને ફક્ત ત્રણ જ યુવતીઓનો આંકડો મૂકવામાં આવ્યો હતો. આ ૩૨,૦૦૦ નો જાદુઇ આંકડો આ ફિલ્મની સાથે વણાઈ ગયો છે, પરંતુ તેના નિર્માતા કે દિગ્દર્શક, કોઇની પાસે એ ક્યાંથી આવ્યો તેની સાબિતીઓ નથી.

હકીકતમાં દિગ્દર્શક સુદીપ્તો સેનના કહેવા મુજબ ‘‘૩૨,૦૦૦ નો આંકડો મનસ્વી (arbitrary) છે તેમ જ તેના હોવા કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી.’’ફિલ્મના અંતમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ૩૨,૦૦૦ યુવતીઓના ‘ધર્માંતરણ’વિષે આરટીઆઇ કરવામાં આવી હતી, જેના જવાબમાં સરકાર દ્વારા એક વેબ્સાઇટનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ નિર્માતાઓને તેના ઉપરથી કોઈ માહિતી મળી નહોતી. અહીં સવાલ એ થાય છે કે જ્યારે નિર્માતાઓ પાસે ગુમ થયેલી યુવતીઓની સંખ્યાના પુરાવા જ નથી ત્યારે તેઓ ૩૨,૦૦૦ યુવતીઓ ગુમ થઈ હોવાનો દાવો ક્યા પુરાવાઓને આધારે કરી રહ્યા છે? તે ઉપરાંત, યુવતીઓનું ‘ધર્માંતરણ’થવું અને યુવતીઓ ‘ગુમ’ થવી, એ બે બાબતોમાં કોઈ ફરક ખરો? તેનો જવાબ ફિલ્મના નિર્માતા પાસે પણ નથી.

‘ધ કેરાલા સ્ટોરી’ને ભાજપશાસિત અને હિન્દુ બહુમતીવાળાં રાજ્યોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, પરંતુ તેનાથી વિરુદ્ધ વિપક્ષી શાસન ધરાવતાં રાજ્યોમાં ફિલ્મનો પ્રતિભાવ ઠંડો રહ્યો છે. આ ફિલ્મ કળાના પ્રદર્શનને બદલે સંઘની હિન્દુત્વવાદી વિચારધારાનો અને ભાજપના હિન્દુ ધ્રુવીકરણનો પ્રચાર હોય તેવું લાગી રહ્યું છે. ‘ધ કેરાલા સ્ટોરી’એ ‘ધ કાશ્મીર ફાઇલ્સની’ સિક્વલ છે, એવું પણ અમુક વિચારકો કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો જબરદસ્ત પ્રચાર કરવામાં આવ્યો હતો. તે ફિલ્મ અત્યંત હિંસક હોવા છતાં અનેક શાળા અને કોલેજોમાં તેને બતાવવામાં આવી હતી.

‘ધ કેરાલા સ્ટોરી’માટે પણ એ જ પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ જોઈને આવ્યા બાદ મુસ્લિમો માટે ભારોભાર ધિક્કાર અને તે રાજ્યની સરકાર પ્રત્યે તિરસ્કાર ન જાગે તો જ નવાઈ. ભાજપ સમયાંતરે પોતાની વૉટબેંક મજબૂત બનાવવા માટે અનેક સાધનોનો સહારો લેતી હોય છે. ‘ધ કેરાલા સ્ટોરી’ પણ તેનો જ એક ભાગ છે. આ ફિલ્મમાં જે કિસ્સાઓ બતાડવામાં આવ્યા છે તે સાચા હોય તો પણ તેનો સંદેશો સાચો જણાતો નથી.

Most Popular

To Top