Columns

ચીનનાં બલૂને કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો હતો?

અમેરિકાએ ચીનનાં કથિત જાસૂસી બલૂનને આકાશમાં ફૂંકી માર્યું તેને કારણે ચીન અને અમેરિકા વચ્ચેના તંગ સંબંધો વધુ તંગ બન્યા છે. ચીન દ્વારા હવામાનનો સર્વે કરવાના ઇરાદાથી ત્રણેક સ્કૂલ બસ જેટલું કદ ધરાવતાં બલૂનો માત્ર અમેરિકાના નહીં પણ દુનિયાભરના આકાશમાં મોકલવામાં આવે છે. ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં ભારતનાં આકાશમાં પણ આવું બલૂન દેખાયું હતું, પણ સરકારે તેને લઈને કોઈ ઉહાપોહ કર્યો નહોતો. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે પણ આવું બલૂન દેખાયું હતું, પણ ટ્રમ્પે તેનો વિરોધ કર્યો નહોતો. હવે અમેરિકાના ચીન સાથેના સંબંધો તંગ હોવાને કારણે અમેરિકાએ તેનું બલૂન દરિયામાં તોડી પાડ્યું છે. હવે નિષ્ણાતો સવાલ પૂછી રહ્યા છે કે ચીનનાં બલૂને કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો હતો કે નહીં? કારણ કે ઘણા દેશોના સેટેલાઇટો દુનિયાના આકાશમાં ઘૂમી રહ્યા છે. તેમાં પણ જાસૂસી ઉપકરણો હોય છે. જો સેટેલાઇટનો વિરોધ નથી કરવામાં આવતો તો બલૂનનો વિરોધ કેમ કરવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ દરેક દેશની દરિયાઇ સીમા ૧૨ નોટિકલ માઇલની હોય છે, જે ૨૨ કિલોમીટર જેટલી થવા જાય છે. જ્યાં સુધી આકાશનો સંબંધ હોય છે ત્યાં સુધી પોતાના આકાશ ઉપર દરેક દેશનો અધિકાર હોય છે. કોઈ પણ દેશની મંજૂરી વગર તેના આકાશમાં કોઈ વિમાન ઉડાડી શકાતું નથી, પણ આકાશની સીમા ક્યાં સુધી છે? તે બાબતમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ સ્પષ્ટ નથી. લશ્કરી અને નાગરિક વિમાનો ૪૫,૦૦૦ ફીટ (૧૩.૭) કિલોમીટર કરતાં વધુ ઊંચાઈએ ઉડતા નથી. સુપરસોનિક જેટ કોન્કોર્ડ વિમાન ૬૦,૦૦૦ ફીટ (આશરે ૧૮ કિલોમીટર) ની ઊંચાઇ સુધી જાય છે. સેટેલાઇટ આશરે ૧૫૦ કિલોમીટરની ઊંચાઈએ ઉડતા હોય છે. જો કોન્કોર્ડ વિમાન ઉડાડવા તે દેશની પરવાનગી લેવી પડતી હોય તો બલૂન ઉડાડવા માટે પણ લેવી જોઈએ, પણ ચીન આ બાબતમાં અમેરિકાના દાવા સાથે સંમત થવા તૈયાર નથી.

દુનિયામાં સદીઓથી ગરમ હવા ભરેલા બલૂનનો ઉપયોગ લશ્કરી અને નાગરિક હેતુઓ માટે થતો આવ્યો છે. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં અને ૧૯મી સદીના પૂર્વાર્ધમાં તેનો ઉપયોગ દુશ્મન દેશો ઉપર બોમ્બમારો કરવા માટે પણ થતો હતો. ગરમ હવા ભરેલા બલૂનનો ઉપયોગ ઉતારુઓનું વહન કરવા માટે પણ કરવામાં આવતો હતો. ૧૯૩૭માં અમેરિકાના આકાશમાં હિન્ડનબર્ગ નામનાં એરશીપનો અકસ્માત થયો તે પછી મુસાફરોના વહન માટે બલૂનનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો. જોકે પહેલાં અને બીજાં વિશ્વ યુદ્ધમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આજના કાળમાં બોમ્બમારા માટે મિસાઇલનો ઉપયોગ વધુ થતો હોવાથી બલૂનની ઉપયોગિતા ઓછી થઈ ગઈ છે, પણ તેનો ઉપયોગ હવામાનના માપન માટે અને જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. બલૂન કોઈ જગ્યા પર વધુ સમય સુધી સ્થિર રહી શકતું હોવાથી તેનો જાસૂસી માટે ઉપયોગ થાય છે. ચીનના દાવા મુજબ તેનું બલૂન ભૂલથી અમેરિકાના આકાશમાં ખેંચાઈ ગયું હતું, કારણ કે ડ્રોનની જેમ તેને રિમોટ વડે કન્ટ્રોલ કરી શકાતું નથી. આ દાવાની અમેરિકા ચકાસણી કરી રહ્યું છે.

ચીનના પિપલ્સ લિબરેશન આર્મી દ્વારા દુનિયાભરમાં હવામાનનો સર્વે કરવાને બહાને ગરમ હવા ભરેલાં બલૂનો મોકલવામાં આવે છે. ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તાઇવાનના આકાશમાં ચાર બલૂનો એક સાથે દેખાયાં હતાં. તાઇવાનના કહેવા મુજબ તે બલૂન ચીની લશ્કરના મિસાઇલ વિભાગ દ્વારા છોડવામાં આવ્યું હતું. તાઇવાન તે બાબતમાં બહુ ઉહાપોહ મચાવવા નહોતું માગતું, માટે સરકારે નિવેદન બહાર પાડી દીધું હતું કે તે બલૂન હવામાનના અભ્યાસ માટે છોડવામાં આવ્યું હતું. તે જ મહિને જ્યાં અમેરિકા દ્વારા મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ ઊભી કરવામાં આવી છે તે હવાઇ ટાપુ ઉપર પણ ચાઇનીઝ બલૂન જોવા મળ્યું હતું.

૨૦૨૦ના જૂનમાં ઉત્તર જપાનના સેન્ડાઇ શહેરમાં પહેલવહેલી વખત ચીની બલૂન જોવા મળ્યું હતું. અત્યાર સુધી દુનિયાના તમામ દેશો માનતા હતા કે ચીની બલૂન હવામાનના અભ્યાસાર્થે છોડવામાં આવે છે, માટે તેનો વિરોધ કરવામાં આવતો નહોતો. તાઇવાનના હવામાન ખાતાંના એક અધિકારી કહે છે કે હવામાનનો અભ્યાસ કરવા માટે છોડવામાં આવતાં બલૂનો કદમાં નાના હોય છે. અમેરિકામાં જે બલૂન મળી આવ્યું તે બહુ મોટું હતું. ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં ચીની મીડિયાનો હેવાલ હતો કે ચીને હાઇપર સોનિક મિસાઇલનું પરીક્ષણ કરવા માટે વધુ ઊંચાઇએ ઉડતાં બલૂનનો ઉપયોગ કર્યો હતો. આ શંકાનું સમાધાન કરવા અમેરિકાએ ચીની બલૂન તોડી પાડ્યું છે. હવે તેના કાટમાળનો અભ્યાસ કરીને તથ્ય શોધવામાં આવશે. ચીન દ્વારા જે બલૂનો છોડવામાં આવે છે તેનો ઉદ્દેશ હવામાનવિષયક માહિતી કે જાસૂસી માહિતી એકઠી કરવા પૂરતો મર્યાદિત નથી. એશિયાના એક સંરક્ષણ નિષ્ણાતના જણાવ્યા મુજબ ચીન તેનો ઉપયોગ ક્ષિતિજ પારના અવકાશી પદાર્થો જોઈ શકે તેવી રડાર સિસ્ટમ વિકસાવવા માટે પણ કરી રહ્યું છે.

જો હવામાં કે સમુદ્રમાં કોઈ મિસાઇલ છોડવું હોય તો તેના માટે હવાની ઘનતાનો પણ તાગ મેળવવો પડે છે, જેમાં ઊંચાઇ પર ઉડતાં બલૂનો ઉપયોગી પુરવાર થાય છે. ચીન દ્વારા તાજેતરના મહિનાઓમાં બલૂનનો ઉપયોગ વધારી દેવામાં આવ્યો હોવાનું જણાય છે. ભૂતકાળમાં ચીની મીડિયા દ્વારા તેના બલૂન કાર્યક્રમનો અનેક વાર પ્રચાર પણ કરવામાં આવતો હતો, કારણ કે બલૂનનો ઉપયોગ બિનલશ્કરી હેતુઓ માટે કરવામાં આવતો હતો. ૨૦૧૫માં ચીન દ્વારા નાગરિકોનું વહન કરતું યુઆનમેન્ગ નામનું વિરાટ બલૂન હવામાં તરતું મૂકવામાં આવ્યું તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. ગયાં વર્ષના સપ્ટેમ્બરમાં ૫-જીનું બેઝ સ્ટેશન લઈ જતું બલૂન હવામાં છોડવામાં આવ્યું તેની પણ જાહેરાત કરવામાં આવી હતી.

૨૦૧૯માં તિબેટના ઉચ્ચ પ્રદેશનો અભ્યાસ કરવા માટે એરોસ્ટેટ તરીકે ઓળખાતાં બલૂનો છોડવાનું શરૂ કરવામાં આવ્યું તેનો પણ ચીની મીડિયામાં ખાસ્સો પ્રચાર કરવામાં આવ્યો હતો. પરંતુ આજકાલ અમેરિકામાં મળી આવ્યું તેવાં બલૂનો બાબતમાં ચીની મીડિયા મૌન સેવી રહ્યું છે. આ બલૂનો હવામાનનો ડેટા એકઠો કરવા ઉપરાંત લશ્કરને ઉપયોગી માહિતી પણ એકઠી કરતા હોય છે. આ બલૂનો સેટેલાઇટ કરતાં બહુ ઓછી ઊંચાઈએ ઉડ્ડયન ભરતા હોવાથી તેના કેમેરા વધુ સચોટ તસવીરો ઝડપી શકે છે. જો ચીન જેવા દેશો દ્વારા તેના કરાતા રહસ્યમય ઉપયોગ પર અંકુશ મૂકવો હોય તો તે માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં વધુ સ્પષ્ટતા કરવી જરૂરી બની જાય છે.

અમેરિકા દાયકાઓ સુધી વિશ્વમાં નેતાના સ્થાન પર રહ્યું હતું. હવે અમેરિકા મંદીની ઝપટમાં સપડાયું છે. રશિયા પણ યુક્રેન પર હુમલો કરવા દ્વારા અમેરિકાની દાદાગીરીને પડકારી રહ્યું છે. ચીન આ યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે સામેલ નથી, પણ પરોક્ષ રીતે તે રશિયાને મદદ કરી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ પણ ચાલી રહ્યું છે. આ સંયોગોમાં ચીનનાં બલૂનને તોડી પાડીને તેની જાહેરાત કરવા દ્વારા અમેરિકાએ ચીનને લલકાર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રીની સંભવિત ચીન મુલાકાત કેન્સલ કરવાને કારણે આ ઘટનાની ગંભીરતા વધી ગઈ છે. જે રીતે રશિયા-અમેરિકા વચ્ચે ઠંડું યુદ્ધ ચાલી રહ્યું હતું તેવું ઠંડું યુદ્ધ હવે ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયું હોય તેમ લાગે છે.         
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top