Entertainment

ધાકડથી કંગના ફરી ધાક બતાવશે

કંગનાએ હમણાં થોડા દિવસ પહેલાં જ ‘લોક અપ’ની સકસેસ પાર્ટી કરી. 72 દિવસ ચાલેલો આ શો ગયા અઠવાડિયે જ પૂરો થયો. કંગના કહે છે કે ઓટીટી પર મારો પહેલો જ શો ખૂબ સફળ ગયો છે. તેણે લોકઅપ ટ્રોફી જીતવા મુનાવર ફારુકીને પણ અભિનંદન પાઠવ્યા હવે તે તેની બહુ પ્રતિક્ષિત ‘ધાકડ’ સાથે ધાક જમાવવા તૈયાર છે. છેલ્લે તેની ‘મણિકર્ણિકા: ધ કવિન ઓફ ઝાંસી’ સફળ ગઇ હતી. ‘જજમેન્ટલ હે કયા’, ‘પંગા’, ‘થલાઇવી’માં તે માર ખાય ગઇ એટલે ‘ધાકડ’ તેના માટે ખૂબ જ મહત્વની ફિલ્મ છે. તેણે આ થોડા વર્ષોમાં અભિનયથી વધારે બોલવાથી ધાક જમાવવા પ્રયત્ન કર્યો છે પણ જો તે ફિલ્મની એકટ્રેસ નહોય તો લોકો તેને સાંભળે નહીં. તેણે પરદા પર ગુમાવેલી ધાક ફરી મેળવવાની છે. કંગના લડાયક મિજાજની છે અને દરેક ફિલ્મોમાં જોર લગાડી દે છે.

હવે તો તે બિન્દાસ બનીને એકદમ બોલ્ડ દૃશ્યો પણ આપે છે. ફિલ્મનો પ્રેક્ષક શું માનગે છે તેની તેને ખબર છે. અંગત જિંદગીના નિયમો તે ફિલ્મોમાં લાદતી નથી. ‘તેજસ’ ફિલ્મમાં તે એરફોર્સ ઓફીસર બની છે તો લાગે પણ છે. તે એકના એક પાત્રોથી પોતાને ઓળખાવતી નથી. ટિસ્કા ચોપરા તેને મુકત આત્મા ધરવતી ઓરી જિનલ ક્રિયેટિવ ગણે છે. કંગનાની ટેલેન્ટ વિશે કોઇને શંકા જ નથી એટલે જ તો ‘ફેશન’, ‘કિવન’, ‘તનુ વેડ્‌સ મનુ’ ‘મર્ણિકર્ણિકા…’ માટે પુરસ્કારો જીતી ચુકી છે. ઘણું વહેલું કહેવાય એવું પદ્મશ્રીનું સન્માન પણ તેણે પ્રાપ્ત કર્યું છે. પરંતુ પ્રેક્ષકો ભૂતકાળને નથી જોતા. રજૂ થતી ફિલ્મનો જો ઇમ્પેકટ ન પડે તો ગમે તેટલા એવોર્ડ મેળવ્યા હોય તેનો અર્થ નથી.

કંગના હવે પુરુષ કેન્દ્રી એટલે કે હીરો કેન્દ્રી ફિલ્મોમાં કામ નથી કરતી. આ તેની મર્યાદા પણ છે અને વિશેષતા પણ છે. ચાહે ‘ફેશન’ની સોનાલી ગુજરાલ હોય કે ‘રાઝ: ધ મિસ્ટરી કન્ટ્‌ન્યુઇસ’ની નંદિતા ચોપરા યા ‘વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ’ની રેહના કે ‘તુન વેડસ મનુ’ની તનુજા. તે ઇન્ડેપ્થ ભૂમિકામાં વધારે અસરદાર રહે છે. ‘તનુ વેડ્‌સ મનુ’ અને ‘કિવન’ની સફળતા પછી તે કંગના કેન્દ્રી ફિલ્મો તરફ વળી ગઇ. આ તેનું સાહસ છે. હવે ‘ધાકડ’માં ફરી તેણે એવું જ જોખમ લીધું છે. આમાં તેણે એકશન બાબતે ય પાછુ વળીને જોયું નથી. ‘મણિકર્ણિકા’થી એક જૂદી એકશન આ ફિલ્મમાં છે. હમણાં તે લડાયક પાત્રો જ ભજવે છે ચાહે ‘થલાઇવી’ની જે. જયલલિતા હોય યા તેની પહેલાં ‘ક્વિન’, ‘તનુ વેડ્‌સ મનુ’ હોય હવે ‘અપરાજિતા અયોધ્યા’માં અને ‘સીતા ધ ઇનકાર્નેશન’માં પણ તે સ્ત્રીના લડાયકરૂપને રજૂ કરશે. બસ, તેની ફિલ્મમાં તમે અક્ષય, અજય, રણવીર, રણબીર જેવા સ્ટાર્સને જોઇ નહીં શકશો. તે ‘ઇમરજન્સી’ ફિલ્મ બનાવી રહી છે તેમાંય ઇંદિરા ગાંધીની ભૂમિકામાં છે. •

Most Popular

To Top