Entertainment

દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની IPL માં એન્ટ્રી: નવી ટીમ ખરીદવા બોલી લગાવશે

મુંબઇ : IPLની બે નવી ટીમો માટે 25 ઓક્ટોબરે યોજાનારી હરાજી પ્રક્રિયા રસપ્રદ બની રહેવાની સંભાવના છે. IPLમાં સામેલ થનારી બે ટીમો માટે બોલી લગાવવા માટે અદાણી ગ્રુપ, આરપી સંજીવ ગોયન્કા ગ્રુપ સહિતના મોટા બિઝનેસ ગૃહોની સાથે જ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલીએ પણ તેમાં રસ દાખવીને ટેન્ડર દસ્તાવેજ ખરીદી લીધા હોવાના અહેવાલો સામે આવ્યા પછી હવે એક નવા અહેવાલ એવા આવ્યા છે કે બોલિવુડ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહે (Ranveer Sinh) પણ IPLની ટીમ ખરીદવા માટે બોલી લગાવવાનો નિર્ણય કર્યો છે.

IPLમાં સામેલ થનારી બે ટીમોમાં અમદાવાદ, લખનઉ અને પુણેમાંથી કોઇ બે ફ્રેન્ચાઇઝી સામેલ થશે અને તેની હરાજીમાંથી બીસીસીઆઇને (BCCI) 7થી 10 હજાર કરોડ રૂપિયાની કમાણી થવાનો એક અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.

  • આઇપીએલમાં સામેલ થનારી બે ટીમોની હરાજીમાં મોટા બિઝનેસ ગૃહોની સાથે જ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક અને દીપિકા-રણવીર સામેલ થતાં બોલી રસપ્રદ બનવાની સંભાવના

મીડિયા અહેવાલો અનુસાર અત્યાર સુધી અદાણી અને ગોયન્કા ફેવરિટ ગણાતા હતા પણ હવે નવા નામો સામેલ થવાથી આ બંને ફેવરિટ રહ્યા નથી. માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલીએ ટેન્ડર દસ્તાવેજ લઇ લીધા છે.

જો કે વિદેશી કંપનીની એક ફર્મ ભારતમાં હોવી જરૂરી હોવાથી તેમનો નંબર લાગવાની સંભાવના ઓછી છે. અત્યાર સુધીમાં ટેન્ડર દસ્તાવેજ અદાણી ગ્રુપ, ટોરન્ટ ફાર્મા, અરબિન્દો ફાર્મા, આરપી સંજીવ ગોયન્કા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા, જિન્દાલ સ્ટીલ, આંત્રપ્રિન્યોર રોની સ્કુવાલા તેમજ ત્રણ પ્રાઇવેટ ઇક્વીટી પ્લેયર દ્વારા ખરીદાયા છે અને હવે દીપિકા-રણવીરનું પણ તેમાં નામ સામેલ થયું છે.

નોંધનીય છે કે IPL માં આ વર્ષે 2 નવી ટીમ ઉમેરાવાની છે. જેની બેઈઝ પ્રાઈઝ 2000 કરોડ રાખવામાં આવી છે. પરંતુ આ બે નવી ટીમોમાંથી 8000થી 10,000 કરોડમાં વેચાય તેવી ગણતરી રાખવામાં આવી રહી છે. ટીમ ખરીદનાર દર વર્ષે 2000થી 3000 કરોડની આવક મેળવતા હોય છે. જ્યાં સુધી બોલિવુડની વાત કરવામાં આવે તો આ અગાઉ શાહરૂખ ખાન અને જુહી ચાવલા કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR), પ્રિતી જિન્ટા પંજાબ સુપર કિંગ્સ તથા શિલ્પા શેટ્ટી રાજસ્થાન રોયલ્સની માલિક છે. જો દીપિકા અને રણવીર સિંહ એક ટીમ ખરીદે છે, તો IPL માં બોલિવુડના વધુ એક સુપરસ્ટાર કપલનું આગમન થશે. જેથી IPL માં ગ્લેમર વધી જશે. વળી, દીપિકાના પિતા પ્રકાશ પાદૂકોણ બેડમિન્ટન ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેથી દીપિકાને સ્પોર્ટ્સમાં વધારે રસ છે. અને રણવીર સિંહ તેના સ્પોર્ટસ પ્રત્યેના લગાવ અને એનર્જી માટે જાણીતો છે.

Most Popular

To Top