Sports

દિલ્હી સામે હારતા પંજાબની પ્લેઓફની સંભાવનાને ફટકો

ધર્મશાળા : આઇપીએલમાંથી (IPL) બહાર થઇ ગયેલી દિલ્હી કેપિટલ્સે (DC) આજે અહીં પોતાની છેલ્લી મેચમાં રાઇલી રોસોની 37 બોલમાં 82 રનની તોફાની ઇનિંગની સાથે પૃથ્વી શોની અર્ધસદી, ડેવિડ વોર્નરના 46 તેમજ ફિલ સોલ્ટના 26 રનની મદદથી 2 વિકેટે 213 રન બનાવીને મૂકેલા 214 રનના લક્ષ્યાંક સામે લિયામ લિવિંગસ્ટોનના પ્રયાસ છતાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 198 રન સુધી જ પહોંચતા દિલ્હી કેપિટલ્સની 15 રને જીત થઇ હતી.

લક્ષ્યાંક આંબવા માટે મેદાને પડેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી, જો કે તે પછી પ્રભસિમરન સિંહ અને અથર્વ તાઇડેએ મળીને 50 રનની ભાગીદારી કરી હતી. પ્રભસિમરન 22 રન કરીને આઉટ થયો હતો. અહીંથી અથર્વ અને લિયામ લિવિંગસ્ટોને બાજી સંભાળીને 78 રનની ભાગીદારી કરી હતી. અથર્વ 42 બોલમાં 55 રન કરીને રિટાયર્ડ આઉટ થયો હતો. લિવિંગસ્ટોને એકલા હાથે પંજાબને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો અને તે છેલ્લા બોલે અંગત 94 રને આઉટ થયો હતો અને દિલ્હીએ 15 રને જીત મેળવી હતી.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને વોર્નર અને પૃથ્વીએ પાવરપ્લેમાં બોર્ડ પર વિના વિકેટે 61 રન મૂકીને મજબૂત શરૂઆત અપાવી હતી. વોર્નર 31 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો ત્યારે સ્કોરબોર્ડ પર 94 રન હતા. તે પછી પૃથ્વી અને રોસોએ અર્ધશતકીય ભાગીદારી કરી હતી અને પૃથ્વી 38 બોલમાં 54 રન બનાવીને આઉટ થતા દિલ્હીએ 148 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. અહીંથી રોસોએ આક્રમક બેટીંગ કરીને સોલ્ટ સાથે અંતિમ 5 ઓવરમાં સ્કોરમાં 65 રન જોડ્યા હતા. રોસો 37 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 82 અને સોલ્ટ 14 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

Most Popular

To Top