Dakshin Gujarat

બુટલેગરો જપ્તા જ નથી, હવે દમણથી દરિયાઈ માર્ગે હોડીમાં લવાતો દારૂ ઝડપાયો

દમણ: દમણ (Daman) ના કડૈયા પોલીસ (Police) મથકની થોડે દૂર દરિયા અને નદીના સંગમ સ્થાન પાસે અમુક ઈસમો હોડી મારફતે ગુજરાતમાં (Gujarat) દારૂની (Alcohol) તસ્કરી કરી રહ્યા હોય અને હોડીમાં (Boat) મોટી માત્રામાં દારૂ મુકી રહ્યા હોય એ પ્રમાણેની બાતમી એક્સાઈઝ વિભાગને મળી હતી. જેના આધારે એક્સાઈઝ વિભાગની ટીમ ઉપરોક્ત સ્થળ પર પહોંચી અચાનક છાપો મારતા બુટલેગરો હોડીમાં દારૂ ભરી તેના એન્જીનને સ્ટાર્ટ કરી ગુજરાત તરફ જવાની ફીરાકમાં જ હતા કે ટીમે તુરંત હોડીને અટકાવી દીધી હતી.

એક્સાઈઝ વિભાગે હોડીમાં બેઠેલા બુટલેગરો પકડે એ પહેલાં જ તેઓ નદીમાં કુદી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હોડીમાંથી રૂ.1.60 લાખની 124 પેટી દારૂની સાથે હોડીને જપ્ત કરવાની કાર્યવાહી કરી તેનો માલિક કોણ અને ક્યાંનો છે એ દિશા તરફ આગળની તપાસ હાથ ધરી છે.

બીલીમોરા ગોયંદી વાઘરેચ કાવેરી નદીના પુલ પરથી 65 હજારનો દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયા, 2 વોન્ટેડ
નવસારી, બીલીમોરા : બીલીમોરા ગોયંદી વાઘરેચ કાવેરી નદીના પુલ ખાતેથી એક કાર (નં. જીજે-21-એએ-7345)ને રોકી તપાસ કરી હતી. જેમાંથી નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને 65,600 રૂપિયાની વિદેશી દારૂની 760 નંગ બાટલી મળી આવતા ગણદેવી તાલુકાના છાપરા ગામે મંદિર ફળીયામાં રહેતા માલવ નરેશભાઈ પટેલ અને મોરલી ગામે તળાવ ફળીયામાં રહેતા રક્ષય ચીમનભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે માલવ અને રક્ષયની પૂછપરછ કરતા મોહનભાઈ નામના ઇસમે દારૂ ભરાવી આપ્યો હતો અને ગણદેવી તાલુકાના કલમઠા ગામે રહેતા વીરૂએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે મોહનભાઈ અને વીરૂને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 2.50 લાખની કાર અને 32 હજાર રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 3,47,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

એંધલ નજીકથી બગડેલા કાંદાની આડમાં લઇ જવાતો સવા આઠ લાખનો દારૂ ઝડપાયો
નવસારી : નેશનલ હાઇવે નંબર 48 ઉપર એંધલ ગામ પાસેથી બગડેલા કાંદાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ભરેલા ટેમ્પાની ઝડપી પાડવામાં એલસીબી સફળ રહી હતી. દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો હતો જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

નેશનલ હાઇવે નંબર 48 ઉપર એંધલ ગામના ગેટ પાસેથી એક આઈસર ટેમ્પો (નં. જીજે-13-એડબ્લ્યુ-4007)માં દારૂની હેરાફેરી થવાની હોવાની બાતમી નવસારી લોકલ ક્રાઇમબ્રાન્ચને મળી હતી. જેના આધારે બાતમી મુજબના ટેમ્પાને અટકાવીને તપાસ કરતાં તેમાં બગડેલા કાંદાનો જથ્થો હતો. આ જથ્થો હટાવતાની સાથે ટેમ્પામાંથી રૂપિયા 8,14,800ની કિંમતની દારૂની 1860 બાટલીઓ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે પ્રાયવિલા સોસાયટીમાં રહેતા ઉદયકુમાર ઉર્ફે શુનિલ મહેશભાઇ ચંદ્રવંશીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં તેણે આ દારૂ સુરતના બાબુ મારવાડીએ ભરાવી આપ્યો હતો તેમજ સુરતના મુકેશ સહાનીને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ કેસમાં પોલીસ કુલ રૂપિયા 18.26 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Most Popular

To Top