SURAT

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરે વેસુના રહીશોને માથું ખંજવાળતા કરી દીધા!

સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર (Smart Meter) ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પહેલાં પ્રયોગમાં આ સ્માર્ટ મીટરે ગ્રાહકોને માથું ખંજવાળતા કરી દીધા છે. વેસુના એક વીજ ગ્રાહકના ઘરે સ્માર્ટ મીટર ફીટ થયા બાદ ડીજીવીસીએલની એપ્લીકેશનમાં ગ્રાહકે રકમ જમા કરી હતી, પરંતુ તે રકમ ધડાધડ કપાવા લાગી હતી, તેથી ગ્રાહક ચિંતામાં મુકાઈ ગયા હતા અને હોબાળો મચાવી દીધો હતો. વીજકંપનીના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ સમસ્યાનો નિકાલ કર્યો હતો.

  • એપ્લીકેશન ડાઉનલોડ કરી રકમ જમા કરતા જ વેસુના રહીશના રૂપિયા મીટર કરતા વધુ સ્પીડે કપાવા લાગ્યા, તપાસ કરતા બહાર આવ્યું કે પાછલી રકમ બાકી હતી
  • સ્માર્ટ મીટર અંગેની કોઈપણ સમસ્યા અંગે ડીજીવીસીએલની એપ્લીકેશન અને હેલ્પલાઈન નંબર 19123 પર ફરિયાદ કરી શકાશે

મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પીપલોદ (Piplod) ડિવિઝનમાં સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે. પહેલાં તબક્કામાં સુમન શેલ, સુમન ઉદય અને સુમન રૂદ્રના 3000 ફ્લેટમાં સ્માર્ટ મીટર ફીટ કરાયા છે. મીટર ફીટ થયા બાદ ડીજીવીસીએલની એપ્લીકેશન ડાઉનલોડ કરી એડવાન્સ રકમ જમા કરી ઉપયોગ શરૂ કરાયો છે. પરંતુ કેટલાંક ગ્રાહકોને સ્માર્ટ મીટરથી પરેશાની થઈ રહી છે.

વેસુના સુમન ઉદયના એક ફ્લેટ ધારકે જમા કરેલી રકમમાંથી 300 રૂપિયા કપાઈ ગયા હતા, તેથી તે ચિંતામાં મુકાયો હતો. અન્ય ગ્રાહકોના પણ રૂપિયા કપાવા લાગતા સુમન ઉદયના ફ્લેટધારકોએ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. તાત્કાલિક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ દોડી જઈ સમસ્યાનો નિકાલ કર્યો હતો.

આ મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર જયેશભાઈ કેદારીયાએ કહ્યું કે, પ્રતિ દિન 16 રૂપિયા લેખે તે ગ્રાહકના રૂપિયા કપાતા હતા, તેથી વધારે રકમ કપાઈ રહી હોવાની ફરિયાદ આવી હતી. તપાસ કરતા એવી હકીકત બહાર આવી હતી કે ગ્રાહકની પાછલી રકમ બાકી હતી. તે કપાઈ રહી છે.

એક અઠવાડિયામાં 6 ફરિયાદ આવી
ચીફ એન્જિનિયર કેદારીયાએ કહ્યું કે અત્યાર સુધીમાં 3000 સ્માર્ટ મીટર ફીટ કરાયા છે. છેલ્લાં એક અઠવાડિયામાં 6 ફરિયાદ આવી છે. મોટા ભાગે રૂપિયા વધારે કપાતા હોવાની રાવ ઉઠે છે. જોકે, પાછલી રકમ બાકી હોવાથી તેવું થાય છે. તમામ ફરિયાદોનો સેઈમ ડે નિકાલ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદોના નિકાલની સ્પેશ્યિલ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

પાછલી રકમ બાકી હશે તો ચાર હપ્તામાં કપાશે
ચીફ એન્જિનિયર કેદારીયાએ વધુમાં કહ્યું કે, સ્માર્ટ ફીટ કરાયા બાદ પાછલી જૂના મીટર પરના બિલ બાકી હશે તો તેવા કિસ્સામાં ચાર માસિક હપ્તામાં તે રકમ કપાશે. હવે બિલ જનરેટ થતા નહીં હોય ગ્રાહકને એપ્લીકેશનમાં તેની ડે ટુ ડે ઈફેક્ટ દેખાશે.

સ્માર્ટ મીટર અંગેની સમસ્યાની ફરિયાદ આ રીતે કરવી
સ્માર્ટ મીટર અંગે કોઈ ફરિયાદ હોય તો ડીજીવીસીએલની એપ્લીકેશન પરથી ઓનલાઈન ફરિયાદ કરવી અથવા તો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના હેલ્પલાઈન નંબર 19123 પર ફોન કરવો. રોજે રોજનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લઈ ફરિયાદનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top