Gujarat

બીપરજોય એલર્ટ: કાંડલા પોર્ટ ખાલી કરી દેવાયું, તંત્રએ જરૂરી તમામ સામાન લઈ લોકોને ખસી જવા કહ્યું

ભૂજ: (Bhuj) બિપરજોય વાવાઝોડાને (Cyclone) લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. ત્યારે કચ્છમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. 1998માં કચ્છમાં કાંડલા બંદર (Kandla Port) પર આવેલા મહાવિનાશક વાવાઝોડાને કારણે થયેલ નુકસાનને ધ્યાનમાં લઈ વહિવટી તંત્રએ કાંડલા પોર્ટ ખાલી કરાવી દીધું છે. બીજી તરફ કચ્છના મુંદ્રા, માંડવી, જખૌ પોર્ટ પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અતિ તિવ્ર વાવાઝોડાની આગાહીને પગલે લોકો પણ ચિંતામાં મુકાયા છે અને લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા દોટ મુકી છે. સાથે જ લાઈટ, પાણી તેમજ અન્ય વપરાશની વસ્તુઓનું સંગ્રહ કરવાનું પણ શરૂ કર્યું છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથેજ પોર્ટને સંપૂર્ણ રીતે ખાલી કરી દેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. પોર્ટ પર કામ કરતા લોકોને પોતાનો જરૂરી સામાન લઈ આસપાસના અન્ય ગામોમાં ચાલ્યા જવા માટે કહી દેવાયું છે. આ તરફ કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે. હાલ કચ્છના કાંઠા વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે હવાની સંભાવનાને પગલે મોટા હોર્ડિગ્ઝ નીચે ઉતારવાનું શરૂ કરી દેવાયું છે. તો બીજી તરફ લોકો પોતાના મકાન પર લગાવેલી સોલાર પેનલ પણ ઉતારવા લાગ્યા છે. તેના માટે વધુ રૂપિયા આપીને કોન્ટ્રાક્ટરો પાસેથી સોલાર પેનલ ઉતારવામાં આવી રહી છે.

આ તરફ 15 અને 16 જૂનના રોજ કચ્છમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા વચ્ચે તંત્રએ કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવી છે. કચ્છમાં એનડીઆરએફની 2 તેમજ એસડીઆરએફની 2 ટુકડીઓ તૈનાત કરી દેવાઈ છે. નલિયા ખાતે એક-એક ટીમ જ્યારે માંડવી ખાતે એનડીઆરએફની એક ટીમ મુકવામાં આવી છે. ભુજમાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કાંડલા બંદર પર 1998માં થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખીને દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સંપૂર્ણ ખાલી કરી દેવાયું છે. અહીં પોર્ટ પ્રશાસન દ્વારા વેસલ્સની તમામ એક્ટિવિટી બંધ કરી કાર્ગો હેન્ડલિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. કંડલા પોર્ટ પરથી દરરોજ લગભગ 30થી વધુ શિપની અવરજવર થાય છે જેનું સંચાલત હાલ પુરતું અટકાવી દેવાયું છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડાં સામેની કચ્છ જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક મળી હતી. વાવાઝોડા પૂર્વે અને પછીની તૈયારીઓ અંગે વિગવાર જાણકારી મેળવીને અધિકારીઓને આરોગ્યમંત્રીએ માર્ગદર્શન પુરું પા઼ડ્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઝીરો કેઝ્યુઆલટીને પ્રાથમિકતા આપીને એકબીજા સાથે સંકલન સાધીને કામગીરી કરો. પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું કે, વાવાઝોડા બાદ રોડ રસ્તાઓ, વીજળી, મેડિકલ સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક તેમજ પાણી પુરવઠા વ્યવસ્થા ગણતરીના કલાકોમાં પુન:સ્થાપિત થાય તે ખૂબ જ જરૂરી છે.

Most Popular

To Top