Top News

ક્રુડ ઓઈલનાં ભાવમાં ઉછાળો, ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થશે આટલો વધારો…

નવી દિલ્હી: છેલ્લા એકાદ મહિનાથી યુક્રેન(ukrain)અને રશિયા(russia)વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે, જેમાં અમેરિકા (us)સહિત પશ્ચિમી દેશો યુક્રેનની પડખે ઉભા રહ્યા હતા અને રશિયાના સૈન્ય ઓપરેશનનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં, યુક્રેન ઉપર રશિયાએ હુમલા ચાલુ રાખતા અમેરિકા તથા પશ્ચિમી દેશો દ્વારા રશિયા ઉપર એક પછી એક આર્થિક પ્રતિબંધો ફરમાવવા લાગ્યા હતા. આ સૈન્ય ઓપરેશન શરૂ થતાની સાથે જ ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો શરૂ થઇ જવા પામ્યો હતો. જેમાં અમેરિકા અને યુરોપિયન દેશો ક્રુડ ઓઇલ(crude oil) ઉપર પ્રતિબંધ ફરમાવશે તેવી સંભાવનાની પાછળ ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ(price)માં જોરદાર ઉછાળો આવ્યો હતો અને બ્રેન્ટ ક્રુડ ઉછળીને રૂ. 140 ડોલર બોલાઇ ગયું હતું.

આ દરમ્યાન યુક્રેને નાટોના સભ્યપદને સ્વીકારશે નહિં, તેવી જાહેરાત કરી હતી અને રશિયા સાથે વાટાઘાટો શરૂ કર્યો હતો, પરંતુ હજુય બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ચાલુ છે, પણ કોઇ નિષ્કર્ષ દેખાતો નથી. જેના લીધે ક્રુડ ઓઇલના ભાવમાં તોફાની વધઘટ જોવા મળી રહી છે. આમ, આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં ભડકાથી ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ દાઝયા ઉપર ડામ જેવી થઇ રહી છે. ક્રુડ ઓઇલની પ્રતિકુળ અસર પડશે તેને ધ્યાનમાં રાખીને ભારતના અર્થતંત્રને પડનારી પ્રતિકુળ અસરથી રેટિંગ ગ્રેડને ઘટાડવામાં આવ્યું છે.

14 વર્ષની ઉંચી સપાટી વટાવી
ક્રેડિટ સુઇસની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રનું રેટિંગ ઓવરવેઇટ હતું, તેને ડાઉનગ્રેડ કરીને અંડરવેઇટ કરી દીધું છે. રશિયાના ઓઇલનો સપ્લાય અટકી જવાની દહેશતથી ક્રુડ ઓઇલની કિંમતમાં ભડકો થયો હતો અને 14 વર્ષની ઉંચી સપાટીએ 140 ડોલરની સપાટી વટાવી ગયો હતો. આ લાલચોળ તેજીની વિપરીત અસર કરન્સી બજારમાં પણ જોવા મળી હતી અને ડોલરની સામે રૂપિયો તૂટીને 77 સુધી પહોંચી ગયો હતો. આમ, ભારતને બેવડો ફટકો પડી રહ્યો છે. રૂપિયાના મુલ્યનું ધોવાણ અને આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલના ભાવમાં ભડકો પેટ્રોલ-ડિઝલના ભાવને આસમાને લઇ જાય તેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે.

જો યુદ્ધ અટકે તો સ્થિતિ કાબુમાં આવી શકશે
બીજી તરફ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શ્રીલંકામાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારો કરી દીધો છે. જેમાં પેટ્રોલમાં લિટરદીઠ રૂ. 50 અને ડિઝલમાં લિટરદીઠ રૂ. 75નો વધારો ઝીંકી દીધો છે. જે સાચુ ચિત્ર બતાવી રહ્યું છે. ભારતમાં ક્રુડ ઓઇલની તેજી અને રૂપિયાના મુલ્યમાં ઘટાડો થવાના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ પ્રતિ લિટર રૂ. 200 સુધી પહોંચી જશે તેવી ચિંતા વ્યક્ત કરાઇ રહી છે. જોકે, રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થતંત્રને વિપરીત અસર પડનારી છે, તેની પાછળનું મુખ્ય કારણ ક્રુડ ઓઇલનો તોતિંગ ભાવ વધારો અને રૂપિયાના મુલ્યમાં થઇ રહેલા ઝડપી ઘટાડાને કારણે છે. જો આવનારા દિવસોમાં યુક્રેન-રશિયાનો તણાવ અટકી જાય અને રશિયા ઉપરથી આર્થિક પ્રતિબંધો હટી જાય તો સ્થિતિ કાબુમાં આવી શકે તેમ છે.

ભારતમાં મોંઘવારી વધશે
નિષ્ણાંતોના મતે, હજુય થોડા સમય સુધી ક્રુડ ઓઇલના ભાવ 100 ડોલરની આસપાસ બોલાતા રહેશે. તેમાં મોટો ઘટાડો થવાની સંભાવના નહિંવત જોવાઇ રહી છે. ક્રુડ ઓઇલના ભાવ વધારાના લીધે અન્ય ચીજવસ્તુઓના ભાવો પણ ઉછળશે અને મોંઘવારી દર કે જેને કોરોના કાળથી કાબુમાં લેવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે, જે હજુય કાબુમાં આવ્યો નથી, તે બેકાબુ બની જશે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં અમેરિકામાં મોંઘવારી દર 40 વર્ષની ટોચે પહોંચી ગયો છે. આમ, ભારતમાં પણ મોંઘવારી દર કુદકેને ભુસકે વધશે, જેને નિયંત્રણમાં લાવવા માટે પ્રયાસો કરવા જરૂરી બની રહ્યા છે.

ભારતીય અર્થવ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ : આઇએમએફ
ક્રેડિટ સ્વીસના કહેવા અનુસાર ક્રુડ ઓઇલ 120 ડોલર પ્રતિ બેરલ રહે તો ભારતનું ઇમ્પોર્ટ બિલમાં 60 અબજ ડોલરનો વધારો થઇ શકે છે. ગેસ, કોલસા, ખાદ્યતેલો અને ખાતરનો ભાવ વધારો તેમાં 35 અબજ ડોલરનો નવો બોજ લાદશે. પરિણામે મોંઘવારી દરમાં એક ટકાનો વધારો અને ચાલુ ખાતાની ખાધ જીડીપીના 3 ટકાની નજીક પહોંચી શકે છે. આઇએમએફનું કહેવું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ થઇ રહી હતી, પરંતુ યુક્રેન-રશિયાના સૈન્ય ઓપરેશનથી ક્રુડ ઓઇલના ઉછાળાની અસર ભારતીય અર્થવ્યવસ્થાને નકારાત્મક પ્રભાવ પાડી શકે છે, આમ, રશિયા-યુક્રેન વચ્ચેના તણાવના પરિણામો સમગ્ર દુનિયાએ ભોગવવા પડશે.

Most Popular

To Top