Madhya Gujarat

સ્વચ્છતા મુદ્દે કાઉન્સીલરની પાલિકા સામે લડત

નડિયાદ: નડિયાદ શહેરમાં એકઠો થતો કચરો પાલિકાના વાહનોમાં ભરી કમળા ડમ્પીંગ સાઈટ પહોંચાડવામાં આવે છે. પરંતુ તેની ઉપર તાડપત્રી ઢાંકવામાં આવતી ન હોવાથી કચરો તેમજ ધુળ ઉડીને આખા રસ્તે ફેલાય છે. જેને પગલે વાહનચાલકો, રાહદારીઓ ઉપરાંત જે તે વિસ્તારના રહીશોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે વાહનોમાં ભરી લઈ જવાતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવાની માંગ સાથે વોર્ડ નં 2 ના મહિલા કાઉન્સિલરે પાલિકાના પ્રમુખને લેખિત રજુઆત કરી છે.

નડિયાદ શહેરમાં એકઠો થતો કચરો ટ્રેક્ટર સહિતના વાહનોમાં ભરી કમળા ગામે આવેલ ડમ્પીંગ સાઈટમાં લઈ જવામાં આવે છે. આ વાહનોમાં ભરવામાં આવતો કચરો ઢાંકવા માટે તાડપત્રી ખરીદવા માટે લાખો રૂપિયા મંજુર પણ કરવામાં આવે છે. પરંતુ પાલિકાનું ભ્રષ્ટ તંત્ર તાડપત્રીના રૂપિયા ચાઉં કરી જતું હોવાથી વાહનોમાં ખુલ્લી હાલતમાં કચરા લઈ જવામાં આવી રહ્યો છે. જેને પગલે કચરો ઉડીને આખા રસ્તાં પર ફેલાય છે.

ત્યારે વાહનોમાં લઈ જવાતો કચરા ઉપર તાડપત્રી ઢાંકવા અંગે નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં 2 ના મહિલા કાઉન્સિલર ઉર્મિલાબેન યાદવ અને તેમના પતિ ઉમેશભાઈ યાદવ દ્વારા પાલિકાના પ્રમુખ અને ચીફઓફિસરને રજુઆતો કરવામાં આવી હતી. તેમછતાં પાલિકાનાં નઘરોળતંત્રએ વાહનોમાં લઈ જવાતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવાની તસ્દી લીધી ન હતી. જેથી રોષે ભરાયેલાં કાઉન્સિલરના પતિ ઉમેશભાઈ યાદવે થોડા મહિના અગાઉ શહેરના મીલ રોડ પર આવેલ ફાટક પાસે ખુલ્લી હાલતમાં કચરાનું વહન કરતાં 25 જેટલાં ટ્રેક્ટરો રોકી વિરોધ દર્શાવ્યો હતો.

જે તે વખતે પાલિકાતંત્ર હુંફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક ઘોરણે વાહનોમાં કચરો ઢાંકવા માટે તાડપત્રીની વ્યવસ્થા કરી હતી. થોડા દિવસો સુધી વાહનોમાં લઈ જવાતો કચરો ઢાંકવામાં આવ્યો હતો. જોકે, બાદમાં કચરો ઢાંક્યા વિના જ વાહનો લઈ જવાના શરૂ કર્યાં હતાં. જેને પગલે મીલ રોડ વિસ્તારમાં રહેતાં રહીશોમાં પણ ભારે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલાં રહીશો અવારનવાર ચુંટાયેલાં કાઉન્સિલર ઉર્મીલાબેન અને તેમના પતિ ઉમેશભાઈને આ મુદ્દે રજુઆતો કરી રહ્યાં છે. ત્યારે આ મામલે વાહનોમાં લઈ જવાતાં કચરા ઉપર તાડપત્રી ઢાંકવા માટે પાલિકાતંત્ર યોગ્ય અમલવારી કરે તે જરૂરી છે.

કચરો ભરીને જતાં વાહનચાલકે કાઉન્સિલરના પતિને મારવાની ધમકીઓ આપી
આ મામલે નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ઉર્મિલાબેન યાદવે પાલિકાના પ્રમુખને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, મીલ રોડ પરથી પસાર થતાં પાલિકાના એક ટ્રેક્ટરમાં ભરેલાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકેલી ન હોવાથી મારા પતિએ તે ટ્રેક્ટર રોક્યું હતું અને તાડપત્રી કેમ લગાવતાં નથી તે બાબતે પુછપરછ કરી હતી. તે વખતે ટ્રેક્ટરનો ચાલક વિશાલ રબારી એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને તમારે જેને કહેવું હોય તેને કહી દો, અમે તો આવી રીતે જ કચરો ઢાંક્યાં વિના જ અહીંથી જઈશું તેવું જણાવ્યું હતું. તેમજ જો અમારો રિપોર્ટ કરશો તો તમને ઘરમાં આવીને મારમારીશું તેવી ધમકીઓ પણ આપી હતી.

તાડપત્રીના રૂપિયા ક્યાં જાય છે… ?
નડિયાદનાે કચરાે પાલિકાના ટ્રેક્ટરમાં ભરી ડમ્પીંગ સાઈટ ખાતે લઈ જવામાં આવે છે. દરમિયાન વાહનમાં ભરેલો કચરો ઉડીને રસ્તાં ઉપર ન ફેલાય તે માટે તાડપત્રી ખરીદવા લાખો રૂપિયા મંજુર પણ કરવામાં આવે છે. પરંતુ એકેય કચરાના વાહનો ઉપર તાડપત્રી જોવા મળતી નથી. ત્યારે તાડપત્રી ખરીદવા માટે મંજુર કરવામાં આવતાં રૂપિયા ક્યાં જાય છે ? તે તપાસનો વિષય બન્યો છે.

તાડપત્રી ઢાંકવામાં આવતી ન હોવાથી કચરો ઉડીને આખા રસ્તા પર ફેલાય છે
નડિયાદ નગરપાલિકા તંત્ર દ્વારા વાહનોમાં ભરવામાં આવતાં કચરાં ઉપર તાડપત્રી ઢાંકવામાં આવતી નથી. જેને પગલે પુરપાટ ઝડપે પસાર થતાં આવા વાહનોમાંથી કચરો ઉડીને આખા રસ્તા પર ફેલાતો હોય છે. ક્યારેક તો કચરો ઉડીને અન્ય વાહનો તેમજ રાહદારીઓ ઉપર પણ પડતો હોય છે. ગંદો કચરો પડવાથી લોકોના કપડાં પણ બગડે છે. તેમછતાં તંત્ર દ્વારા કચરો ઢાંકીને લઈ જવાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી નથી.

ભાજપ શાષિત પાલિકામાં ભાજપના કાઉન્સિલરોની જ રજુઆતો સાંભળતા નથી
ભાજપ શાષિત નડિયાદ નગરપાલિકાનો વહીવટ છેલ્લાં ઘણાં વર્ષોથી કથળી રહ્યો છે. પાલિકાનું નઘરોળ તંત્ર વિપક્ષની સાથે સાથે પોતાના જ પક્ષના કાઉન્સિલરની પણ રજુઆતો સાંભળવા તૈયાર નથી. જેને પગલે પક્ષના કાઉન્સિલરો પોતાના વિસ્તારના રહીશોને પડતી સમસ્યાનું નિવારણ લાવી શકતાં ન હોવાની બુમો ઉઠવા પામી છે. તંત્રના આવા અણઘડ વહીવટને પગલે શહેરીજનોને પ્રાથમિક સુવિધા માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top