Vadodara

ધાર્મિક દબાણ દૂર કરવા નોટિસ અપાતા વિવાદ

વડોદરા: વર્ષો જુના ધાર્મિક સ્થાનો નહીં તોડવા માટે સરકારના આદેશ હોવા છતાં પણ સંસ્કારી નગરી વડોદરામાં આ આદેશોનું ઉલંઘન થતું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘર આંગણે આવેલા સો વર્ષ જુના મેલડી માતાજીના મંદિરને ગેરકાયદેસર હોવાનું ઠેરવી પાલિકાના વહીવટી વોર્ડ નંબર 14ની કચેરીના વોર્ડ ઓફિસરે આઉટડોર નંબર અને સિક્કા વગરની નોટિસ પાઠવતા કામગીરી સામે મંદિરના સંચાલક તેમજ સ્થાનિક રહેશે સવાલો ઉઠાવ્યા છે.
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ દત્તનગરમાં વર્ષો જુના મેલડી માતાજીના મંદિરને ગેરકાયદેસર ગણાવી વહીવટી વોર્ડ 14ના વોર્ડ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

જોકે આ નોટિસ કોઈપણ પ્રકારની કાયદાકીય પદ્ધતિ અનુસરીને આપવામાં નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપનગર રોડ દત્તનગર પાસે શ્રીકાંતભાઈ સુબેદાર પાંડે રહે છે. તેમના આંગણમાં મેલડી માતાજીનું મંદિર આવેલ છે. જે તેમના કહેવા મુજબ વર્ષોજૂનું આ મંદિર છે. જેને ગેરકાયદેસર હોવાનું ગણી ધાર્મિક દબાણ દૂર કરવા બાબતે વહીવટી વોર્ડ 14ના વોર્ડ અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જે જગ્યા પર ધાર્મિક બાંધકામ કરો છો. તે જગ્યાની માલિકી તમારી હોય તો તેના પુરાવા રજૂ કરશો. અન્યથા સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરો છો તેમ સમજી દબાણ દૂર કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો તેમ જણાવાયું છે.

જ્યારે આ મામલે તેમણે વોર્ડ અધિકારીને પુરાવારૂપ રજૂ કરેલ ખુલાસા અરજીમાં જણાવ્યું છે કે આઉટ વોર્ડ નંબર વગર અમને પત્ર પાઠવેલ છે તે અમને મંજુર નથી. જે નોટિસ આપી છે તે અમારા આંગણામાં બાપદાદાના સમયથી આવેલી છે.મેલડી માતાજીનું સ્થાનક છે અને અમે નૈવેદ્ય ચઢાવતા હતા.તે વર્ષો જૂની પેઢીપાગત અમારું મંદિર હતું અને તેને અમે રીનોવેશન કરેલ છે.

જે નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેને કોઈ લાગતું વળગતું નથી અને કોઈ લેવા દેવા જ નથી ફક્ત તેઓ અમને હેરાન કરવા માટે આ ફરિયાદ કરે છે અમે સરકારી જગ્યામાં દબાણ કર્યું નથી અમારા ઘરના આંગણામાં મંદિર આવેલું છે આંગણામાં બાપદાદાના સમયથી અમારી ગાયો બાંધવાની જગ્યા ઉપર મેલડી માતાનું આ સ્થાનક છે આ મંદિર સો વર્ષ જૂનું અમારું મંદિર છે અને તેને રીનોવેશન કરાવ્યું છે. ગુજરાત મિત્ર સાથે કરેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વોર્ડ અધિકારીએ કોઈ પ્રમાણિત સિક્કા વગર કે આઉટવર્ડ વગર અમને પત્ર પાઠવ્યો છે એ માત્ર કોઈ અધિકારી આવ્યા નથી.માત્ર સફાઈસેવક કર્મચારી આવીને આપી ગયો હતો.વોર્ડ અધિકારી પ્રિયંકા ઓઝા પોતે અહીં આવ્યા નથી.

ગાજરાવાડી રોડ પરના ધાર્મિક સ્થળ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં?
ગાજરાવાડી વોર્ડ ઓફિસની સામે જ રોડ ઉપર ધાર્મિક સ્થળ આવેલું છે. તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં. જ્યારે ઘર આંગણે આવેલા અને કોઈને નડતરરૂપ ન હોય તેવા ધાર્મિક સ્થળને ગેરકાયદેસર હોવાનું ઠેરવી દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવતા વોર્ડ અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

Most Popular

To Top