Madhya Gujarat

ડાકોર મંદિરના નામે સોશ્યલ મિડીયામાં નાણાં પડાવવાનું ષડયંત્ર

ડાકોર: યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરના ભળતા નામ ધરાવતાં પેજ અને ગ્રુપ સોશ્યલ મિડીયામાં બનાવી અસામાજીક તત્વો ભક્તો પાસેથી રૂપિયા પડાવતાં હોવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. આ મામલે મંદિર પ્રશાસને એક નોટીસ બહાર પાડી, ભક્તોને સાવચેત કર્યાં છે. તેમજ સાયબરક્રાઈમમાં ફરીયાદ નોંધાવાની તૈયારી દર્શાવી છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના કરોડો ભક્તો ઘરેબેઠાં દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓફિશિયલ વેબસાઈટ તેમજ યુ-ટ્યુબમાં લાઈવ દર્શન બતાવવામાં આવે છે. આ ઉપરાંત ડાકોરનાં એક સેવાભાવી ગ્રુપના સભ્યો પોતાની નોકરી-ધંધાના વ્યસ્ત સિડ્યુલમાંથી સમય કાઢીને દરરોજ સવારથી સાંજ સુધીના તમામ દર્શન તેમજ મંદિરમાં તહેવારોની ઉજવણીના ફોટા-વિડિયો સોશ્યલ મિડીયામાં મુકી લાખો ભક્તોને દર્શન કરાવે છે.

જોકે, બીજી બાજુ આજના ડીજીટલ યુગમાં અનેક લોકોએ મંદિરના નામે સોશ્યલ મિડીયામાં પેજ તેમજ એકાઉન્ટ બનાવી ભગવાનના ફોટા-વિડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું છે. જે પૈકી એક ભેજાબાજ ડાકોર લાઈવ દર્શન નામનું ફેસબુક પેજ તેમજ વ્હોટ્સએપ ગ્રુપ બનાવી, તેમાં લાઈવ દર્શનના ફોટા-વિડિયો મુકી, ભક્તો પાસેથી રૂપિયા પડાવતો હોવાનું મંદિર પ્રશાસનના ધ્યાને આવ્યું છે. આ અંગે મંદિર પ્રસાશને એક નોટીસ બહાર પાડી છે. જેમાં જણાવ્યું છે કે, ડાકોર લાઈવ દર્શન નામની કોઈપણ વ્હોટ્સએપ કે ફેસબુક ઉપર દર્શાવેલ દર્શન એડમીન અંગત રીતે બનાવવામાં આવેલી છે.

જેથી બીજા કોઈ બહારની વ્યક્તિઓએ બનાવેલી હોઈ અને તેમાં દાતાઓ તરફથી આપવામાં આવતું દાન શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ-ડાકોરમાં જમા થતું નથી. માટે ભક્તોને માત્ર મંદિરની ઓફિશીયલ વેબસાઈટ પર જ દાન કરવા અથવા તો મંદિરમાં રૂબરૂ આવીને દાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. તદુપરાંત આ મામલાને ગંભીરતાથી લઈ મંદિર પ્રશાસને આવા અસામાજીક તત્વો સામે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવી છે.

Most Popular

To Top