Madhya Gujarat

ટુંડેલ દારૂમાં બુટલેગરે પાણીપુરીવાળાનો ઉપયોગ કર્યો

નડિયાદ: નડિયાદમાં ટુંડેલ પોલ્ટ્રી ફાર્મના દારૂ પ્રકરણ પરના રહસ્ય પરથી પડદો ગમે ત્યારે ઉઠી શકે તેમ છે. નડિયાદ કોર્ટે 2 આરોપીઓને પકડ્યા બાદ 2 દિવસના રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી બંને આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ બિલોદરા જેલમાં ધકેલવામાં આવ્યા છે. જો કે, સમગ્ર ઘટના અંગે ચોંકાવનારી વિગતો એ છે કે, સ્થળ પરથી ભાગી ગયેલા એક આરોપીને એલસીબી પોલીસે પકડી પાડ્યો છે. જોકે, હજુ પોલીસ સત્તાવાર આ અંગે કંઈ કહેવા માટે તૈયાર નથી.

વસો પોલીસ હદમાં આવતા ટુંડેલના પોલ્ટ્રી ફાર્મમાં લાખોના દારૂના પ્રકરણમાં બુધવારે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસના દરોડા દરમિયાન એક વહીવટીયો પોલીસકર્મી આરોપીઓને પોતાની ગાડીમાં બેસાડી ફરાર થઈ ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. હવે આ ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, પોલીસ દરોડામાં માત્ર ગિરિશ પ્રજાપતિ જ નહીં પરંતુ તેનો વધુ એક સાગરીત ચિમન પણ નાસી છૂટ્યો હતો. એટલે સ્થળ પર કટીંગ દરમિયાન હાજર ચિમન ભાગવામાં સફળ રહ્યો, પરંતુ પોલીસે તેની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યુ છે.

આ સમગ્ર ઘટનામાં અગાઉ ઝડપાયેલા 2 આરોપી પૈકી એક સંતરામ રોડ પર પાણીપુરીની લારી ચલાવતો સુરેન્દ્રસિંહ યાદવ અને ગિરિશ પ્રજાપતિનો જ્ઞાતિબંધુ થતો જીગ્નેશ દલવાડી બંનેના બુધવારે રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જો કે, સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે, બૂટલેગર ગિરિશ પ્રજાપતિએ બંને સાથે સબંધ કેળવી અને વાહનો લેવામાં ડોક્યુમેન્ટ મેળવ્યા હોવાની ચર્ચા છે. તેમાંય પાણીપુરીની લારી ચલાવતો યુવક સુરેન્દ્રસિંહ યાદવ લોકડાઉન દરમિયાન તેના ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી ગિરિશ પ્રજાપતિ પાસે 25,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું દર મહિને વ્યાજ ભરતો હતો. આમ, ગિરિશે કપરા સમયમાં મદદ કરી અને પછીથી સુરેન્દ્રના દસ્તાવેજો લઈ તેના નામે ઈક્કો ગાડી ખરીદી હોવાનું જાણવા મળ્યુ છે. જો કે, આ વિગતોમાં કેટલી સત્યતા છે,તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે.

ગિરિશના જ્ઞાતિબંધુ જીગ્નેશ ભરૂચની શાળામાં ક્લાર્ક હતો
પોલીસે પકડેલા 2 આરોપી પૈકી બીજો આરોપી જીગ્નેશ દલવાડી બૂટલેગર ગિરિશ પ્રજાપતિનો જ્ઞાતિબંધુ થતો હોય બંને વચ્ચે મિત્રતા હતી. જીગ્નેશ અગાઉ ભરૂચના વારીયામાં ખાનગી શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. નોકરી છોડી દીધા બાદ તે નડિયાદ હતો, દરમિયાન તેને લખવાની અસર થઈ હતી અને તેની પત્નીનું પણ મૃત્યુ થયુ હતુ. આ સમયગાળા દરમિયાન ગિરિશે તેનો સંપર્ક કરી ડોક્યુમેન્ટ લઈ અને છોટાહાથીની ખરીદી કરી હોવાનું અનુમાન છે. જો કે, જીગ્નેશ હાલ શું ધંધો કરતો હતો ? તે અંગે ચોક્કસ વિગતો ન મળતા તે દારૂના કટીંગ સાથે સંકળાયેલો હોઈ શકે તેવી શક્યતાઓ છે. હજુ પોલીસ આ અંગે સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ આંતરીક સૂત્રોની માહિતી મુજબ ગિરિશે બંને પાસે સબંધો કેળવી અને વાહનો ખરીદ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

વહીવટદાર બુટલેગરને રીસોર્ટમાં લઈ ગયો ?
લાખોના દારૂપ્રકરણમાં દરોડા સમયે પોલીસ વિભાગનો વહીવટીયો પોલીસવાળો માથાકૂટ કરી મુખ્ય સૂત્રધાર ગિરિશને પોતાની જ ગાડીમાં ભગાડી ગયો હોવાની લોકચર્ચા છે. જો કે, ગિરિશને શહેરના એક જાણીતા રીસોર્ટમાં લઈ ગયા બાદ ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, ગિરિશનો પત્તો હજુ સુધી તપાસકર્તા ટીમને મળ્યો નથી અને ગિરિશ પોલીસ પકડથી દૂર છે.

પોલીસ મોટાભાગના ખુલાસા કરે તેવી વકી
આ સમગ્ર મામલે પોલીસ આજે ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતાઓ છે. પોલીસ વિભાગના સૂત્રો મુજબ ઘટનાની તપાસ ચાલી રહી છે અને મુખ્ય સૂત્રધારો હજુ ફરાર છે. તેવા સંજોગોમાં પોલીસે પહેલા વાહનમાલિકોને પકડ્યા બાદ વધુ એક આરોપીને પકડ્યો છે. ત્યારે આ તમામની પૂછપરછમાં પોલીસને શું વિગતો મળી અને તપાસ કેટલે સુધી પહોંચી તે તમામ અંગે આજે ગુરુવારે પોલીસ જાણકારી આપે તેવી શક્યતાઓ છે.

Most Popular

To Top