Comments

કોંગ્રેસે વારસાગત કર લાદવાની હિમાયત કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે

ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ રાજા હતો ત્યારે જે વ્યક્તિ કોઈ પણ જાતના વારસ વગર મરી જાય તેની મિલકત રાજ્ય દ્વારા કબજે કરવાનો કાયદો હતો. તે સમયે પિતાની સંપત્તિમાં પુત્રીનો અધિકાર માન્ય કરવામાં નહોતો આવતો. આ કારણે કોઈ વ્યક્તિને પુત્રી હોય પણ પુત્ર ન હોય તો પણ તેની મિલકત સરકાર દ્વારા કબજે કરવામાં આવતી હતી. સિદ્ધરાજના મરણ પછી કુમારપાળ રાજગાદી પર આવ્યો. તેણે પોતાના ગુરુ જૈનાચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજની સલાહ પરથી આ કાયદો નાબૂદ કર્યો હતો.

હવે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ભારતમાં અમેરિકા જેવી વારસાગત કર પ્રણાલીની હિમાયત કરી છે. સામ પિત્રોડાના આ નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. ઘણા વિકસિત દેશોમાં હજુ પણ વારસાગત કર લાગુ છે, પરંતુ સદ્નસીબે ભારતમાં હાલમાં આ કર નથી. ભારતમાં લગભગ ૪૦ વર્ષ પહેલાં વારસાગત વેરો દૂર કરવામાં આવ્યો હતો. વારસાગત કરનો દર સામાન્ય રીતે વારસદારને મળેલી મિલકતની કિંમત અને મૃતક સાથેના તેના સંબંધ પર આધાર રાખે છે. તેનાથી વિપરીત એસ્ટેટ ટેક્સ મૃત્યુ સમયે મૃત વ્યક્તિની માલિકીની મિલકતના ચોખ્ખા મૂલ્ય પર આધારિત હતો.

રાજીવ ગાંધીની તત્કાલીન કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રી રહેલા વી.પી. સિંહે વારસાગત કર નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો. વી.પી. સિંહ માનતા હતા કે આ કર વધુ સમાન સમાજ બનાવવાના અને સંપત્તિની અસમાનતા ઘટાડવાના તેના ધ્યેયને હાંસલ કરી શક્યો નથી. વારસાગત કર અથવા એસ્ટેટ ડ્યુટી નાબૂદ કરવામાં આવી હતી કારણ કે તેમાંથી મેળવેલો ચોખ્ખો નફો નકારાત્મક હતો. વળી કરની આવક તેના વહીવટી ખર્ચ કરતાં ઘણી ઓછી હતી, તેથી આ ટેક્સ ૧૯૮૫માં નાબૂદ કરવામાં આવ્યો હતો. સામ પિત્રોડાના આ નિવેદન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે છત્તીસગઢના અંબિકાપુરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો, તે તમારાં બાળકોને નહીં મળે.

ભારતમાં કુટુંબના વડાના મૃત્યુ પર તેમના કાયદેસરના વારસદારો (પછી તે પુત્રો, પુત્રીઓ કે પૌત્રો હોય) પાસેથી સ્થાનાંતરિત મિલકત પર વારસાગત કર વસૂલવામાં આવતો હતો. એસ્ટેટ ડ્યુટી એક્ટ ૧૯૫૩ હેઠળ, મૃતકની મિલકતના વારસદારોએ વારસામાં મળેલી મિલકતના મૂલ્યના ૮૫ ટકા સુધી ઊંચી એસ્ટેટ ડ્યુટી ચૂકવવી પડતી હતી. ૧૯૫૩માં ભારતમાં વેલ્થ ટેક્સ લાદીને આર્થિક અસમાનતાને દૂર કરવા માટે વેલ્થ ટેક્સ એક્ટ ઘડવામાં આવ્યો હતો. આ અંતર્ગત ૨૦ લાખ રૂપિયાથી વધુની મિલકત વારસદારના નામે કરવા માટે ૮૫ ટકાનો કર ચૂકવવો પડતો હતો. આ કર સ્થાવર અને જંગમ મિલકતો પર પણ લાગુ પડતો હતો. આ કર ત્યારે જ ચૂકવવાપાત્ર હતો જ્યારે વારસામાં મળેલી મિલકતની કુલ કિંમત નિર્ધારિત મર્યાદા કરતાં વધી જતી હતી.

અર્થશાસ્ત્રીઓએ  જોયું કે ભારતમાં વર્ષ ૧૯૨૨ પછી લોકોની આવકમાં અસમાનતા ૨૦૧૪માં સૌથી વધુ છે. ૧૯૨૨માં ભારતમાં આવકવેરો પ્રથમ વખત લાગુ કરવામાં આવ્યો હતો. ૧૯૩૦ના દાયકામાં ભારતની કુલ આવકમાં ટોચના ૧ ટકાનો હિસ્સો ૨૦ ટકાથી વધુ હતો. ૧૯૮૦ના દાયકામાં તે નોંધપાત્ર રીતે ઘટીને ૬ ટકા થઈ ગયો હતો. જો કે, આ પછી તે સતત વધીને ૨૦૧૪માં ૨૨ ટકાના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

વર્તમાન કાળમાં ભારતમાં સંપત્તિની અસમાનતા પણ ચિંતાજનક રહી છે. ક્રેડિટ સુઈસ ૨૦૧૮ના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ અનુસાર સૌથી ધનિક ૧ ટકા લોકો દેશની ૫૧.૫ ટકા અને ૧૦ ટકા લોકો દેશની ૭૭.૪ ટકા સંપત્તિ ધરાવે છે. તેનાથી વિપરીત નીચેની ૬૦ ટકા વસ્તી પાસે માત્ર ૪.૭ ટકા સંપત્તિ છે. ભારતમાં ખાસ કરીને ઉદારીકરણ પછીના સમયગાળામાં સંપત્તિ, આવક અને વપરાશમાં અસમાનતા વધી રહી છે. તે કારણે ૨૦૧૫માં નરેન્દ્ર મોદી સરકારમાં તત્કાલીન નાણાંમંત્રી અરુણ જેટલીએ સંપત્તિ વેરો લાગુ કરવાનું વિચાર્યું હતું; પરંતુ તે સમયે સરકાર આ અંગે કોઈ નક્કર નિર્ણય લઈ શકી ન હતી.

ભારતમાં વડીલોપાર્જિત મિલકત તેમના મૃત્યુ પછી તેમના કાયદેસરનાં વારસદારો જેમ કે બાળકો, પૌત્રો અથવા નજીકનાં સગાંને નામે ટ્રાન્સફર કરવામાં આવે છે.  તેના પર સરકાર દ્વારા કોઈ ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી. અમેરિકા સહિત ઘણા દેશોમાં આ મિલકત પર વારસાગત ટેક્સ લાદવામાં આવે છે, જેની હિમાયત કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ કરી છે. વિશ્વના ઘણા દેશોમાં આજે પણ વારસાગત કર લાદવામાં આવે છે. જપાનમાં તેનો દર ૫૫ ટકા છે તો દક્ષિણ કોરિયામાં ૫૦ ટકા છે. ફ્રાન્સમાં તે ૪૫ ટકા છે તો બ્રિટનમાં ૪૦ ટકા છે. અમેરિકા જેવા દેશમાં સંતાનો પોતાનાં વડીલોની મિલકત પોતાના નામે કરવા માગતા હોય તો તેમણે તેના ૪૦ ટકા સરકારને ચૂકવી દેવા પડે છે. સામ પિત્રોડા અમેરિકાનો દાખલો આપી રહ્યા છે.

ભારતમાં આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ મુજબ વારસા દ્વારા હસ્તગત કરેલી મિલકત કરના દાયરામાં આવતી નથી. એક વાર તમે વારસામાં મળેલી મિલકતના માલિક બન્યા પછી તમારે તેનો નફો કે નુકસાન સહન કરવા પડે છે. નફાના કિસ્સામાં, તમારે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે. આ કેપિટલ ગેઇન ટેક્સ મિલકતના કબજાના સમયગાળાના આધારે નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે જો તમને ૨૦૨૨ માં તમારા પિતા પાસેથી વારસામાં મિલકત મળી હોય અને તમે તેને એપ્રિલ ૨૦૨૪ માં વેચવા માંગો છો, તો તમારે આ નફા પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. જો તમે કે તમારા પિતા પાસે આ મિલકત બે વર્ષથી વધુ સમયથી છે, તો તે લાંબા ગાળાના કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે અને તમારે તે મુજબ ટેક્સ ચૂકવવો પડશે.

ટેક્સ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થયેલા સંશોધન મુજબ એસ્ટેટ અથવા વારસાગત કર એ ખરાબ આર્થિક નીતિ છે. તે ઘરેલું થાપણો પર બોજ સમાન છે. હકીકતમાં સંપત્તિના સંચયને કારણે જ અમેરિકા સમૃદ્ધ અને શક્તિશાળી બન્યું છે. અભ્યાસ કહે છે કે જો અમેરિકા એસ્ટેટ ટેક્સ વસૂલવાનું બંધ કરે તો લગભગ દોઢ લાખ નોકરીઓનું સર્જન થશે અને ફેડરલ ટેક્સમાં દર વર્ષે ૮ અબજ ડોલરનો વધારો થશે. અમેરિકા જેવા દેશોમાં એસ્ટેટ ટેક્સ અથવા વારસાગત કર લાગુ હોવા છતાં, તેનાથી થતી કરની આવકમાં વધારો ઘણો ઓછો છે. તેનાથી જનતા પર બોજ વધે છે. વિશ્વના ઘણા દેશોએ સંપત્તિ વેરાને અને વારસાગત કરને આવકના નબળા સ્રોત ગણાવ્યા છે અને તેને દૂર કર્યા છે. ભારતમાં પણ સંપત્તિ વેરો ઘણા સમય પહેલાં દૂર કરવામાં આવ્યો છે.

સંશોધન મુજબ જે દેશોએ એસ્ટેટ ડ્યુટી અથવા વારસાગત કર દૂર કર્યો છે તેના હેતુ બે પ્રકારે છે. પ્રથમ, આ બે કરને દૂર કરવાથી તમે વધુ પ્રગતિશીલ બનો છો અને બીજું, આવા કર વસૂલવામાં મોટો ખર્ચ થાય છે. આ સિવાય કોઈ મિલકતની કિંમતનો અંદાજ કાઢવો એ પણ ઘણું જટિલ કામ છે. ભારત, રશિયા, મકાઉ, પોર્ટુગલ, સ્લોવાક રિપબ્લિક, સ્વીડન, હોંગકોંગ, હંગેરી, સિંગાપોર, ઓસ્ટ્રિયા અને નોર્વે જેવા દેશોમાં વારસાગત કર લાગુ પડતો નથી. અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સંપત્તિ વેરો ચાલુ રાખવાનો ઉદ્દેશ મિલકતને થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થતી અટકાવવાની છે.

યુકેમાં એસ્ટેટ ડ્યુટીના રૂપમાં વારસાગત કર લાદવામાં આવે છે. ત્યાં તેને રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત ઘટાડવાનું હથિયાર માનવામાં આવે છે. અમેરિકામાં તેનો ઉદ્દેશ નાગરિકોને તેમની સામાજિક કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમાન તકો પૂરી પાડવાનો પણ છે. ભારતમાં ભાજપ સરકાર જ કોઈ કાળે સંપત્તિ વેરો કે વારસાગત કર પાછો લાદવાનો વિચાર કરતી હતી; પણ હવે ભાજપ તેના વિરોધમાં આવી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top