Madhya Gujarat

યોગમાં વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રાખવાના ફરમાનથી શિક્ષકાે મુંઝાયા

નડિયાદ: નડિયાદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં નગર શિક્ષણ સમિતી હસ્તકની ૧૩ શાળાઓના તમામ શિક્ષકો અને ધોરણ ૫ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રહેવાનું ફરમાન શાસનાધિકારી દ્વારા આપવામાં આવ્યું છે. જોકે, વહેલી સવારે સવા પાંચ વાગ્યે ૧૦ થી ૧૩ વર્ષની કુમળી વયના બાળકોને શાળાથી ચારેક કિલોમીટર દૂર કાર્યક્રમ સ્થળે કેવી રીતે લઈ જવા તે અંગે શિક્ષકો મુંઝવણમાં મુકાયાં છે. બીજી બાજુ વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

૨૧ મી જુન એટલે વિશ્વ યોગ દિવસ….આ દિવસની ઉજવણી નિમિત્તે દેશભરમાં વિવિધ ઠેકાણે યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત નડિયાદમાં આવેલ એસ.આર.પી કેમ્પ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ઈ.શાસનાધિકારી હેમંતભાઈ જે કા.પટેલે ગત તા.૧૭-૬-૨૨ ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો હતો અને સમિતી હસ્તકની શાળાઓ પૈકી કુલ ૧૩ શાળાના તમામ શિક્ષકો અને ધોરણ ૫ થી ૮ ના તમામ બાળકોને વહેલી સવારે સવા પાંચ વાગ્યે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ફરજીયાત હાજર રહેવા સુચના આપી હતી.

જોકે, જે તે શાળાથી કાર્યક્રમ સ્થળનું અંતર ૩ થી ૪ કિલોમીટર કરતાં પણ વધુ હોવાથી ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૦ થી ૧૩ વર્ષની કુમળી વયના બાળકોને વહેલી સવારે સવા પાંચ વાગ્યે કેવી રીતે કાર્યક્રમ સ્થળ એસ.આર.પી ગ્રાઉન્ડ સુધી લઈ જવા…? તે અંગે જે તે શાળાના મુખ્ય શિક્ષકો મુંઝવણમાં મુકાયાં છે. જો ભુલકાઓને વહેલી સવારે કાર્યક્રમ સ્થળે લઈ જતાં કે પરત લાવતાં સમયે રસ્તામાં કંઈક થાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો શિક્ષકોના મનમાં સતાવી રહ્યાં છે. તદુપરાંત શાસનાધિકારીના આવા તઘલખી નિર્ણયને પગલે વાલીઓમાં પણ રોષ ભરાયો છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 12 કલાકની ડ્યુટી
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી હસ્તકની શાળા નં ૨, ૩, ૫, ૬, ૭, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૮, ૨૦, ૨૧ અને ૨૨ માં ફરજ બજાવતાં તમામ શિક્ષકો તેમજ ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતાં તમામ બાળકોને મંગળવારના રોજ નડિયાદમાં એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હાજર રહેવા શાસનાધિકારીનું ફરમાન બહાર પાડ્યું છે. તે જ દિવસે શાળામાં પ્રવેશોત્સવનો પણ કાર્યક્રમ હોવાથી શાળાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. જેને પગલે વહેલી સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળેલાં શિક્ષકો અને કુમળી વયના વિદ્યાર્થીઓ યોગ કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ એકાદ-બે કલાક માટે ઘરે જશે. જે બાદ સવારે ૧૦:૩૦ થી સાંજે પ વાગ્યા સુધી શાળામાં હાજર રહેવું પડશે.

૭૫ આઈકોનિક સ્થળોમાં શ્રી રણછોડરાયજી મંદિરનો સમાવેશ
ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ૭૫ આઇકોનિક સ્થળોએ ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરને પણ આ ૭૫ આઇકોનિક સ્થળોની યાદીમાં સમાવેશ કરાયો છે. જેથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર મુકામે પણ ખૂબ જ મોટા પાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદમાં SRP ગ્રાઉન્ડ ખાતે જિલ્લાનો યોગ દિવસ ઉજવાશે
નડિયાદ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧ મી જુન ૨૦૨૨ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ વખતે માનવતા માટે યોગા (Yoga for Harity) ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તારીખ ૨૧ જુનને મંગળવારના રોજ નડિયાદમાં આવેલ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. જેમાં મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (અનુ.જાતી કલ્યાણ) ના મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ત્રણ થી ચાર હજાર યોગ સાધકો ભાગ લેશે તેવું અનુમાન છે. તદુપરાંત જિલ્લાના તમામ તાલુકા મથક અને નગરપાલિકાઓ ઉપરાંત જિલ્લાની પ્રત્યેક શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્રો, પોલીસ મથકો, જેલ જેવી 22 સરકારી કચેરીઓ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાના લગભગ ૬ લાખથી વધારે લોકો આ આયોજનમાં ભાગ લેશે.

Most Popular

To Top