Dakshin Gujarat

ચલથાણ રેલવે ક્રોસિંગ મર્ડર કેસમાં કડોદરા પોલીસ સ્ટેશનનો GRD જવાન જ હત્યારો નીકળ્યો

પલસાણા : પલસાણાના (Palsana) ચલથાણ (Chalthan) ગામે રહેતા પરપ્રાંતિય લેબર ઇન્ચાર્જની અઠવાડિયા પહેલા ચલથાણ રેલવે ક્રોસિંગ બ્રિજ (Bridge) પાસે ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરવાના બનાવમાં એલસીબી (LCB) અને એસ.ઓ. જી.ની (SOG) ટીમે મોબાઇલ ટેકનોલોજી આધારે કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી (GRD) જવાન અને તેના સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

ચલથાણ ગામે આવેલી ગાયત્રીનગર શિવ સાંઇ દર્શન સોસાયટીમાં રહેતા પ્રમોદ રામલલીત ચૌધરી (ઉ.વ 48 મુળ રહે. બિહાર) તેમની પત્ની સાથે રહેતા હતા અને શ્રી રામ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગમાં મિલમાં લેબર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક અઠવાડીયા પહેલા મીલમાંથી ઘરે જવા માટે બાઇક પર નીકળ્યા હતા અને ચલથાણ રેલ્વે ક્રોસિંગ બ્રિજ પાસે આવતા અચાનક તેમની બાઇક ખરાબ થઈ ગઈ હતી. તેઓએ તેમના મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો. તે સમયે કોઇ અજાણ્યા ઇસમો લુંટ કરવાના ઇરાદે તેમને છાતીના ભાગે ચપ્પુ મારી હત્યા કરી નાસી ગયા હતા. જેની તપાસ દરમિયાન સુરત જિલ્લા એલસીબીની ટીમને અંગત બાતમી મળી હતી.

પ્રમોદ ચૌધરીની હત્યારા તાતીથૈયાથી ચલથાણ જાવાના રસ્તા ઉપર શિવાંજલી ઉદ્યોગ નગરના ગેટ પાસે બેઠેલા છે. જેથી એલસીબીની ટીમે સ્થળ પર જઇ તેઓને ઝડપી પાડી તેમની પુછપરછ કરતા હત્યારાઓમાં એક કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં જી.આર.ડી તરીકે ફરજ બજાવતો યોગેશ મંગલ મેઘરાજ પાટીલ (ઉ.વ ૨૯ રહે. તાતીથૈયા રેલવે ફાટકની બાજુમાં શિવ – રેસીડેન્સી મુળ વતન મહારાષ્ટ્ર) તેમજ તેના સાગરીત રોહીત ઉર્ફે બટકો કિશના નસકર (બંગાલી) ઉ.વ 21 રહે. તાતીથૈયા, નવો હળપતિવાસ મુળ રહે પશ્ચિમ બંગાળ) અને નરેશ રાજુ વાનખેડે (ઉ.વ ૨૩ ૨હે. તાતીથૈયા મુળ રહે. મહારાષ્ટ્ર) તેમજ એક કિશોર તરીકે ઓળખ થઈ હતી. હત્યાનું કારણ જાણવા માટે પુછતા તેઓએ લુંટ કરવાના ઇરાદે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. ત્યાં એલસીબીની ટીમે તમામ હત્યારાઓને કડોદરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથધરી છે.

જીઆરડી યોગેશે અગાઉ પણ અનેક ગુના કર્યા હતા, પરંતુ બચાવી લેવાયો હતો
ચલથાણના લેબર ઇન્ચાર્જ હત્યા પ્રકરણમાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસના GRDની સંડોવણી બાદ ફરી એકવાર કડોદરા પોલીસ સ્ટેશનની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે GRD યોગેશ ઉર્ફે મંગલને વર્ષ 2019 દરમિયાન તાંતીથૈયાની મારામારી પ્રકરણમાં સંડોવણી બાદ GRDમાંથી બસખાસ્ત કર્યો હતો. પરંતુ ત્યારબાદ એક રાજકીય નેતાની ભલામણના આધારે ફરી તેની GRDમાં નિમણૂક કરાવી હોવાની ચર્ચા છે સૂત્રોના જણાવ્યા અનુસાર GRD યોગેશ યુનિફોર્મ પહેરી અનેકના મોબાઇલની ચિલઝડપ કરી હતી, પોલીસના હાથે પણ ચડ્યો હતો પરંતુ પોલીસ કોઈપણ કાર્યવાહી કરી ન હતી. પરીણામે હત્યા કરવામાં પણ તેણે પીછેહથ કરી ન હતી.

જીઆરડી યોગેશ બેંક લૂંટ કેસની તપાસ કરતી પોલીસ પર નજર રાખતાં પોતે જ શંકાના દાયરામાં આવી ગયો
કડોદરા ચાર રસ્તા નજીક આવેલ સુરત ડીસ્ટ્રીક બેન્કમાં લૂંટ અંગે જિલ્લા પોલીસ સાથે કડોદરા પોલીસ પણ તપાસ કરતી હતી તે દરમિયાન જીઆરડી યોગેશ પોલીસની દરેક બારીક તપાસ ઉપર નજર રાખતો હતો તે દરમિયાન પોલીસને એના ઉપર શંકા જતા તપાસ કરતા ચલથાણ હત્યા કેસ ઉકેલાયો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા પોલીસ કર્મી.ના કોલ ડીટેલ કાઢી તપાસ કરાવે તો કેટલાક પોલીસ ગુનેગારોના સીધા સંપર્કમાં હોવાનું બહાર આવે તેમ છે.

Most Popular

To Top